Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે મનપાના (Corporation) આરોગ્યતંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે પૂરતા બેડ ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવા હવે ફરીથી મથામણ શરૂ થઇ છે. સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર ઉપરાંત હવે અગાઉની જેમ હોટલો અને ખાનગી હોસ્પિટલો સાથે ટાઇઅપ કરવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં છેલ્લા બે દિવસમાં 15 હોટેલોનો કોવિડ સેન્ટર જાહેર કરી દેવાયા બાદ હવે ખાનગી હોસ્પિટલો સાથે પણ ટાઇઅપ (tie-ups with hospitals) કરવાની તૈયારી કરી દેવાઇ છે. તેમજ કઇ કઇ હોસ્પિટલ સાથે ટાઇઅપ થયું છે તેની જાહેરાત એકાદ દિવસમાં કરી દેવાશે તેવું મનપાના સૂત્રો જણાવી રહ્યાં છે.

અગાઉ કોરોનાની પ્રથમ લહેરમાં મનપા દ્વારા 45 હોસ્પિટલો સાથે કરાર કરીને આ હોસ્પિટલોના 50 ટકા બેડ કોવિડની સારવાર માટે અનામત રાખવામાં આવ્યા હતા. તેમજ આ બેડ પર સારવાર લેનાર દર્દીનો ખર્ચ સુરત મનપા ઉઠાવતી હતી. અત્રે ઉલ્લખનીય છે કે પ્રારંભિક તબક્કે કોવિડની સારવાર માટે અનુકુળતા છે તેવી શહેરની 30થી વધુ હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવનાર છે. જે તમામમાં મનપા માટે 25 ટકા બેડ અનામત રાખવામાં આવશે.

વધુ પાંચ હોટેલો કોવિડ સેન્ટર જાહેર

શહેરમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે ખાનગી હોસ્પિટલોમાં તો જગ્યા જ નથી અને સિવિલ તેમજ સ્મીમેર હોસ્પિટલમાં પણ બેડની સંખ્યા દર કલાકે ઓછી થઇ રહી છે, ત્યારે મનપા દ્વારા રવિવારે 10 હોટલોને કોવિડ સેન્ટર જાહેર કરીને ત્યાં કોવિડની સારવાર શરૂ કરાવ્યા બાદ સોમવારે વધુ પાંચ હોટેલોને ડિસેન્ટ્રલાઇઝ કોવિડ સેન્ટર તરીકે મનપા કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેમાં ડુમસ રોડ પરની હોટેલ ગોકુલધામ, ગોર્વધન હવેલી પાસેની શ્રીજી વાટીકા, પીપલોદની ગાંગાણી હાઉસ, રેલ્વે સ્ટેશન વિસ્તારની જીંજર હોટલના ત્રીજાથી આઠમો માળ અને સ્ટેશનની સામે હોટલ સેન્ટ્રલ બિકોનનો સમાવેશ થાય છે. મનપા દ્વારા અત્યાર સુધીમાં જે 15 હોટલોને કોવિડ સેન્ટર જાહેર કરવામાં આવી છે તેમાં કુલ 645 રૂમ કોવિડની સારવાર માટે ઉપલબ્ધ કરાયા છે.

હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરનાર વિરૂદ્ધ ફોજદારી થશે

કોરોના પોઝિટિવ હોવા છતાં કેટલાક દર્દીઓ દ્વારા હોમ આઈસોલેશન તેમજ હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરીને ઘરની બહાર ફરવામાં આવતું હોવાથી હવે મહાપાલિકા દ્વારા આવા દર્દીઓને ટ્રેસ કરવા માટે મોબાઈલ ટાવરનો ઉપયોગ કરવામાં આવશે. આવા દર્દીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે. આવા કોરોના પોઝિટિવની ગાઈડલાઈનનો ભંગ કરનારની જાણ કરવા માટે મનપા દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આવા પાંચ દર્દીઓ સો પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઘણા કેસમાં દર્દી પકડાઈ જતાં ફરી ઘરમાં આવી જઈ પોતે ઘરમાં જ છે તેવી દલીલો કરતાં હોવાથી મનપા દ્વારા કડક કાર્યવાહી કરી શકાતી નહોતી. જેથી હવે મોબાઈલ ટાવર દ્વારા લોકેશન ટ્રેસ કરીને આવા દર્દીની સામે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

To Top