સંક્રમિતોને પુરતી સારવાર મળવી જોઈએ: સમીક્ષા બેઠકમાં CM રૂપાણીની કડક સૂચના, સુરત માટે લેવાઈ શકે છે મહત્વના નિર્ણયો

સુરત શહેરમાં (Surat City) કોરોનાનું સંક્રમણ ખૂબજ વધી જતાં ગુજરાત રાજ્યના મોટાભાગના સરકારી અધિકારીઓ સુરત પહોંચ્યા છે. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની (Nitin Patel) ઉપસ્થિતિમાં આજે સુરત ખાતે કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક (Review meeting) યોજાઇ હતી. મુખ્યમંત્રી રૂપાણીએ કોરોના નિયંત્રણ અને સંક્રમિતોને પુરતી સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ સુરતની સ્થિતિ ગંભીર હોવાથી સુરત માટે કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવાઈ શકે છે. જેમાં લોકડાઉન (Lockdown) કરવા જેવી બાબતોની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

સુરત શહેરની કોરોના સંક્રમણની સ્થિતિ જોતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેટલાક મહત્વના નિર્ણય લઈ શકે છે.જેમાં લોકડાઉનની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. શહેરમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે કયા પ્રકારના પગલા લેવાઈ રહ્યા છે. સુરતના સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે આપવામાં આવે તે સારવારમાં કોઈ અભાવ હોય તો એને લઈને પણ મોટો નિર્ણય લેવાઈ શકે છે. સુરત સિવિલ હોસ્પિટલની કોવિડ-19 હોસ્પિટલમાં 9માં માળને તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઇ છે. 10 માળની કોવિડ-19 હોસ્પિટલ બાદ જૂની બિલ્ડીંગ અને કિડની હોસ્પિટલને પણ કોરોના પોઝીટિવ દર્દીઓ માટે તૈયાર કરાઈ રહી છે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સુરતમાં કોરોનાના વધતા કેસ, કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેડની સુવિધામાં વધારો કરવા, વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા, જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રસીકરણમાં ઝડપ લાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ સુરતમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા ત્રણ T- ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપનાવવા તેમજ લોકો માસ્ક પહેરે અને પૂરતું અંતર જાળવે તેની ઉપર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું.

આ બેઠકમાં ઉપસ્થિત આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોર કાનાણી, સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, સાંસદશ્રી દર્શનાબેન જરદોશ, સુરતના ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી જયંતી રવી, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા- વિચારણા કરી હતી.

Related Posts