Top News

More Posts

   The Latest

Most Popular

દાહોદ: જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરે જિલ્લાના કુલ ૫૭ ગામોના ૩૧૯૭૭ ઘરને નલ સે જલ યોજના અંતર્ગત કનેક્શન માટે વહીવટી મંજૂરી આપી છે.

છ મહિનામાં યોજના પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે આ યોજના અંતર્ગત અંદાજે ૨૯.૬૪ કરોડ જેટલી રકમ ખર્ચવામાં આવશે. 

બેઠકમાં કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, જિલ્લાના તમામ ગામોને નલ સે જલ યોજના અંતર્ગત આવરી લેવા માટેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવી તેમજ ગામના દરેક ઘરને પીવાનું શુદ્ધ અને સ્વચ્છ પાણી મળી રહે તે આપણી મહત્વની પ્રાથમિકતા છે.

૯ તાલુકાના કુલ ૫૭ ગામોમાં પીવાનું શુદ્ધ પાણી માટે ઘર દીઠ કનેક્શન અપાશે. આ માટે વિવિધ જૂથ યોજના જેવી કે હાફેશ્વર, કજેટા પીપેરો, ભાણા સિમલ, માછણનાળા, હિરોલો વગેરેને સોર્સ તરીકે ઉપયોગ કરવામાં આવશે. તેમજ આ માટે જરૂરી પાઇપલાઇન, પમ્પીંગ મશીનરી વગરેની કામગીરી કરીને ૫૭ ગામોના કુલ ૩૧૯૭૭ ઘરો સુધી નળ કનેક્શન પહોંચાડવાની કામગીરી વાસ્મો દ્વારા કરવામાં આવશે.

વર્ષ ૨૦૨૦-૨૧ અંતર્ગત સમાવિષ્ટ આ યોજના હેઠળ અંદાજે રૂ.૨૯.૬૪ કરોડ ખર્ચવામાં આવશે. બેઠકમાં જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

To Top