કંગના રણૌત ‘ઇમરજન્સી’ને બહુ મોટી ફિલ્મ માનતી હતી. તેના માટે તેણે ઘણી મહેનત કરી છે પણ તકલીફ એ છે કે તે ફિલ્મ રજૂ કરવાનો યોગ્ય સમય ચૂકી ગઇ છે. વડા પ્રધાન મોદી માટે તે પ્રોપગંેડા ફિલ્મ પુરવાર થઇ હોત. જો હમણાંની લોકસભા ચૂંટણીના 4-6 મહિના રજૂ થઇ હોત. રાજકીય વિષય અને રાજનેતા પર ફિલ્મ બનાવો અને તે વર્તમાન રાજકારણ પર સારી કે ખરાબ અસર મૂકી શકે તેવી હોય તો એવી ફિલ્મની ગ્રહદશા બદલાયા કરે. વડા પ્રધાન મોદીના રાજકીય વિચાર અને મુદ્દાને કેન્દ્રમાં રાખી વિત્યા દશ વર્ષમાં ઘણી ફિલ્મો બની અને તેમાંની અમુક ખૂબ કમાણી ય કરી. કંગનાને ઇમરજન્સી પાસે ઘણી આશા હતી અને છે પરંતુ હમણાં તો તેણે તેનું મુંબઇનું ઘર પણ વેચ્યું હોવાનું કહે છે. શીખ કોમના મૂળભૂત અધિકારો બાબતે ફિલ્મ યોગ્ય રીતે નવી દર્શાવતી અને શિરોમણી અકાલી દળે સેન્સર બોર્ડને લિગલ નોટિસ મોકલી હોવાનું કહેવાય છે. પણ ઘણા કહે છે કે અત્યારની કેન્દ્ર સરકાર નથી ઇચ્છતી કે આ ફિલ્મ અત્યારે રજૂ થાય.
કંગના ફસાયેલી છે તે તો નક્કી. રાજકીય કારકિર્દીની શરૂઆત તો તેણે કરી પણ હવે અભિનેત્રી અને નિર્માત્રી તરીકે આગળ વધવામાં રાજકારણ જ નડી રહ્યું છે. ભાજપ શાસનનાં દશ વર્ષ પછી તે રાજકારણમાં આવી જે તેને નડી ગયાં છે. બાકી એ ખરું કે એક પર્ફેક્ટ પટકથા સાથે, ઉત્તમ ફિલ્મની શરત નિભાવીને ફિલ્મ બની હોય તો લોકો તેને ‘ફિલ્મ’તરીકે માણી શકે. કંગના રણૌત એક સારી અભિનેત્રી છે અને જયલલિતા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પછી ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં આવી છે. ઈન્દિરા ગાંધીનું પાત્ર તેણે ઉત્તમ રીતે ભજવ્યું હોય તો પ્રેક્ષકો માટે તે અનુભવ બનશે.
છેલ્લાં થોડાં વર્ષમાં કંગનાએ અભિનેત્રી તરીકેની કારકિર્દી સામે પોતે જાતે જ પ્રશ્નચિહ્ન લગાડી દીધો છે. તે પોતાના રાજકીય વિચાર અને વ્યક્તિગત અભિગમ પ્રમાણેની જ ફિલ્મો સ્વીકારવા માંડી હતી તેથી વ્યવસાયિક અભિનેત્રી તરીકે તે નાકાબિલ પુરવાર થવા માંડી હતી. દીપિકા યા આલિયા ભટ્ટ કે કૃતિ સેનોનને નિર્માતાઓ જે રીતે પોતાની ફિલ્મ માટે મુક્ત રીતે પસંદ કરે તેવી રીતે કંગનાને પસંદ કરી શકાતી ન હતી. કંગના જે વિચારમાં માનતી હોય તે વિચાર માનવો પડે અને તે સમાજ સામે જે રીતે રજૂ થવા માંગતી હોય તેવા વિચાર, વિષય, પાત્ર તેને આપવાં પડે. રાજકીય વિષયવાળી ફિલ્મો અને તેમાં પણ કોઈ રાજકીય પક્ષની તરફેણ યા વિરોધ કરનારી ફિલ્મો, પેલા રાજકીય પક્ષના અપ-ડાઉન પ્રમાણે અપ-ડાઉન થતી હોય છે. ‘ઈમરજન્સી’એક ખૂબ સારો વિષય છે પણ તે જો ફક્ત કોંગ્રેસની મર્યાદા અને ભાજપની શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે જ હોય તો અત્યારે રાજકીય માહોલ બદલાયેલો છે એટલે કંગના તેની ફિલ્મના સફળ થવા વિશે શંકા કરી શકે. સવાલ એ પણ છે કે કંગના આ ફિલ્મથી પોતાનું રાજકીય ભવિષ્ય આગળ વધારી શકશે કે પછી ફિલ્મ અભિનેત્રી તરીકેનું ભવિષ્ય આગળ વધારશે? લોકસભામાં ભાજપની સાંસદ બની ચૂકેલી કંગનાને હવે રાજનેતા તરીકે જ જોવી કે અભિનેત્રી તરીકે જોવી? કંગનાની અભિનેત્રી તરીકેની ભૂમિકાની ચર્ચા થવી જોઈએ. તેના બદલે ઉધ્ધવ, શંકરાચાર્ય, રાહુલ ગાંધીથી માંડી ખેડૂત આંદોલન વિશેનાં નિવેદનોની ચર્ચા થાય છે. જો કે અત્યાર સુધી તેનાં નિવેદનોથી ભાજપ પક્ષ ખુશ થતો હતો પણ હવે ભાજપ કહે છે કે કંગનાનાં નિવેદનો સાથે ભાજપને લેવાદેવા નથી. આ નિવેદનો કંગનાનાં વ્યક્તિગત નિવેદનો સમજવાં. આનો અર્થ એ પણ થયો કે ‘ઈમરજન્સી’ફિલ્મના પ્રમોશનમાં પણ ભાજપના સાંસદ હોવાનો મતલબ નથી રહ્યો.
પણ ‘ઈમરજન્સી’માં કંગનાએ અનેક જાણીતા રાજનેતાઓને પાત્ર તરીકે દેખાડ્યા છે અને તેમાં કોણે કેવો અભિનય કર્યો તે જોવાની મઝા પડશે. કંગનાની આ દિગ્દર્શક તરીકે ‘મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી’અને ‘અપરાજિતા અયોધ્યા’પછીની ત્રીજી અને ‘અપરાજિતા અયોધ્યા’, ‘ટિકુ વેડ્સ શેરુ’પછી નિર્માતા તરીકે પણ ત્રીજી ફિલ્મ છે. અભિનેત્રી તરીકેની તેની છેલ્લી ચાર-પાંચ ફિલ્મો નિષ્ફળ ગઈ છે ચાહે ‘પંગા’, ‘જજમેન્ટલ હે ક્યા’, ‘થલાઈવી’, ‘ધાકડ’, ‘ચન્દ્રમુખી-2’હો યા ‘તેજસ’તેને અભિનેત્રી તરીકે આગળ વધવું હોય તો ‘ઈમરજન્સી’ની સફળતા બહુ જરૂરી છે.
જો આ સફળ થશે તો બીજી ફિલ્મોમાં તે આગળ વધશે. નહીંતર તે સંસદભવનમાં બેસવા વિશે વધુ ગંભીર બનશે. એવું ચોક્કસ કહી શકાય કે તે એક સારી અભિનેત્રી છે અને વધુ પ્રોફેશનલ બને અને રાજકીય તેમજ વ્યક્તિગત વિચારોનો આગ્રહ છોડે તો તે વધુ સારી ભૂમિકામાં જોવા મળી શકે છે. નક્કી તો કંગનાએ પોતે કરવાનું છે. હા, અત્યારે તે દિશાહીનતાનો અનુભવ કરી રહી છે. અભિનેત્રીએ અભિનેત્રી રહેવું જોઇતું હતું, રાજકારણી બનવાનાં જોખમ હોય છે. હવે તે કેટલી આગળ વધે તે જોજો.
કંગના પર ઇમરજન્સી લદાઈ ગઇ કે શું?
By
Posted on