Top News

More Posts

   The Latest

Most Popular

વારાણસી: વારાણસીના (Varanasi) જ્ઞાનવાપી કેસમાં મહિલા (Women) વાદીઓમાં ભાગલા પડવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કાશી વિશ્વનાથ મંદિર સંકુલ અને જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) સંકુલમાં સ્થિત શ્રૃંગાર ગૌરી સહિત અન્ય દેવતાઓની મૂર્તિઓ અને પૂજાની માંગણી કરતા પાંચ મહિલા અરજદારોમાંથી એકે પોતાનો કેસ (Case) પાછો ખેંચવાની જાહેરાત કરી છે.

વારાણસીના જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષ વતી 5 વાદીઓમાંથી એક રાખી સિંહ આવતીકાલે એટલેકે સોમવારનાં રોજ પોતાનો કેસ પાછો ખેંચી લેશે, જોકે હિંદુ પક્ષનું કહેવું છે કે બાકીના 4 વાદીઓ તેમના નિર્ણય પર અડગ છે. તેઓ પોતાનો કેસ પાછો લેશે નહિ. મળતી માહિતી મુજબ હિંદુ પક્ષના વકીલો અને અન્ય અધિકારીઓ બેઠક બોલાવી ભવિષ્યની રણનીતિ નક્કી કરશે.

  • વિશ્વ વૈદિક સનાતન સંઘે શનિવારે કાનૂની સલાહકાર સમિતિને ભંગ કરી દીધી
  • મહિલાઓની માંગ છે કે હવે પરિસરમાં હાજર અન્ય દેવી-દેવતાઓની રોજીંદી પૂજામાં અવરોધ ન આવે
  • સિવિલ જજે પરિસરમાં સર્વે અને વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો

સીતા સાહુ, મંજુ વ્યાસ, લક્ષ્મી દેવી અને રેખા પાઠક આ ચાર અરજદારો કેસ ચાલુ રાખશે. રાખી સિંહે આ કેસ પરત કેમ લઈ લીઘો તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. મળતી માહિતી મુજબ જ્ઞાનવાપી પરિસરમાં સર્વે દરમિયાન વાદીઓ વતી વિશ્વ વૈદિક સનાતન સંઘના વડા જિતેન્દ્ર સિંહ બિસેને હાજરી આપી ન હતી. જે પછી વિભાજનનો ડર વધી ગયો હતો.

વિશ્વ વૈદિક સનાતન સંઘ કે જે આ કેસને નેતૃત્વ કરી રહ્યાં છે તેણે શનિવારે કાનૂની સલાહકાર સમિતિને ભંગ કરી દીધી હતી. વાસ્તવમાં 18 ઓગસ્ટ, 2021ના રોજ વારાણસીની 5 મહિલાઓ શૃંગાર ગૌરી મંદિરમાં દરરોજ પૂજા કરવાની માંગ સાથે કોર્ટમાં પહોંચી હતી. મહિલા અરજદારોએ કોર્ટને કહ્યું હતું કે શ્રૃંગાર ગૌરી મંદિરમાં પહેલાની પરંપરા મુજબ વર્ષમાં માત્ર બે વાર પૂજા કરવામાં આવતી હતી. પરંતુ આ મહિલાઓની માંગ છે કે હવે પરિસરમાં હાજર અન્ય દેવી-દેવતાઓની રોજીંદી પૂજામાં અવરોધ ન આવે.

કોર્ટમાં આ અપીલ પર સિવિલ જજે પરિસરમાં સર્વે અને વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો છે અને તેના પર 10 મેના રોજ રિપોર્ટ માંગ્યો છે. આ મામલા અંગેની સુનાવણી સોમવારનાં રોજ થશે.

To Top