National

નવનીત રાણાએ હોસ્પિટલથી નીકળતાની સાથે જ ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી અંગે આપી આ ધમકી

મુંબઇ: અપક્ષ સાંસદ નવનીત રાણાને (Navneet Rana) રવિવારે મુંબઈની (Mumbai) લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાંથી (Hospital) બહાર આવ્યા બાદ તેણીએ પત્રકારો (Journalists) સાથે સીધી વાત કરી હતી. હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે તેમના હાથમાં હનુમાન ચાલીસા (Hanuman chalisa) જોવા મળી હતી. રાણાએ કહ્યું કે જે રીતે ભગવાન રામ અને હનુમાનના નામ પર ઉદ્ધવ સરકારે (Uddhav thackeray) મને નિશાન બનાવ્યો તેનો જવાબ મહારાષ્ટ્રના લોકો આપશે. તેમણે કહ્યું કે ભગવાન રામનું નામ લેવા બદલ મહારાષ્ટ્ર સરકારે તેમને જેલમાં ધકેલી દીધા, પરંતુ જો આવું કરવું ગુનો છે તો હું 14 દિવસ, 14 વર્ષ જેલમાં વિતાવવા તૈયાર છું. તેણીએ કહ્યું કે હું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રમાં ગમે ત્યાંથી ચૂંટણી લડવાનો પડકાર ફેંકું છું અને હું તેમની સામે ઊભી રહીશ.

નવનીત રાણાએ જણાવ્યું હતું કે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં હું પૂરી તાકાત સાથે જનતાની વચ્ચે જઈશ. તેમણે કહ્યું કે આવનારા સમયમાં મહારાષ્ટ્રની જનતા ઉદ્ધવ ઠાકરેને કહેશે કે હનુમાન અને રામનું નામ લેનારાઓને હેરાન કરવાના શું પરિણામો આવે છે. નવનીત રાણાએ કહ્યું હતું કે હું કોર્ટના આદેશનું સન્માન કરીશ પરંતુ સરકાર દ્વારા મારી પર થયેલા અત્યાચાર સામે હું અવાજ ઉઠાવીશ.

અમે લડવા માટે મક્કમ છીએ: નવનીત રાણા
હોસ્પિટલમાંથી રજા આપતા પહેલા સાંસદ નવનીત રાણાએ રવિવારે કહ્યું કે અમે લડવા માટે મક્કમ છીએ. મુખ્યમંત્રી અમારા પર દબાણ કરીને કાર્યવાહી કરી રહ્યા છે. મુખ્યમંત્રી કોઈને મળતા નથી, રાજ્યની મુલાકાત લેતા નથી, જિલ્લા મંત્રાલયમાં આવતા નથી. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી છે કે નહીં તે ક્યારેય જાણી શકાયું નથી. અમે એક-બે દિવસમાં સમસ્યાની જાણ દિલ્હીને કરીશું.

13માં દિવસે જેલમાંથી સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી
જેલમાંથી છૂટ્યા બાદ નવનીત રાણા મેડિકલ ચેકઅપ માટે લીલાવતી હોસ્પિટલ પહોંચી હતી. ચેકઅપ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રાણાના વકીલ રિઝવાન મર્ચન્ટે ફરિયાદ કરી હતી કે તેમના અસીલને જેલમાં યોગ્ય સારવાર મળી રહી નથી. રિઝવાન મર્ચન્ટે ભાયખલા જેલના સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખીને જણાવ્યું હતું કે નવનીત રાણા સ્પોન્ડિલોસિસથી પીડિત છે, તેમને સીટી સ્કેનની સુવિધા આપવામાં આવી રહી નથી.

આ પહેલા શનિવારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ રાણાની તબિયત વિશે જાણવા માટે આવ્યા હતા. તેમની સાથે મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર પણ હાજર હતા. બંને નેતાઓએ થોડો સમય અમરાવતીના સાંસદ નવનીત રાણા સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન નવનીતના પતિ ધારાસભ્ય રવિ રાણા પણ હાજર હતા. જણાવવામાં આવ્યું છે કે નવનીત રાણાને આર્થરાઈટિસ અને સ્પોન્ડીલાઈટિસ જેવી સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top