Top News

More Posts

   The Latest

Most Popular

બારડોલી: (Bardoli) કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ત્રણ કૃષિ કાયદાનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ વધુને વધુ ખેડૂતો કાયદાના વિરોધમાં આગળ આવે તે માટે સંયુક્ત કિસાન (Farmer) મોરચાના નેતા રાકેશ ટીકૈત (rakesh tikait) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓ 5મી એપ્રિલે બપોર પછી બારડોલી આવી પહોંચશે. જ્યાં પહેલા તેઓ સરદાર વલ્લભભાઇ પટેલના ઐતિહાસિક સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે તેઓ બારડોલીની અડીને આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે. જ્યાં તેઓ વિસ્તારના ખેડૂતોને સંબોધન કરશે.

આઝાદી પૂર્વે અંગ્રેજ સરકાર દ્વારા વેરામાં કરવામાં આવેલા જંગી વધારાના વિરોધમાં વર્ષ 1928માં અહીંના ખેડૂતોએ વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં સત્યાગ્રહ કર્યો હતો. જે બારડોલી સત્યાગ્રહ તરીકે ઓળખાય છે. આ સત્યાગ્રહમાં ખેડૂતોની જીત થઈ હતી. જે ભારતમાં આઝાદી માટે ચાલેલી લડતો પૈકીની પ્રથમ જીત હતી. અંગ્રેજોને હંફાવનાર અહીંના ખેડૂતો પણ આ કાળા કાયદાના વિરોધમાં આગળ આવે તે હેતુથી અહીં રાકેશ ટીકૈત દ્વારા સભાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક ખેડૂત નેતાઓ જણાવી રહ્યાં છે.

ગુજરાત ખેડૂત સમાજે 900 વ્યક્તિઓની ઉપસ્થિતિ માટે પોલીસ પાસે પરવાનગી માંગી
ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને 900 વ્યક્તિઓ એકત્રિત થાય તે માટે પોલીસ પાસે પરવાનગી માગવામાં આવી છે. પરંતુ હજી પરવાનગી આપવામાં આવી ન હોવાની સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈત હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેમણે અમદાવાદથી યાત્રા શરૂ કરી હતી. તેઓ પાલનપુરથી ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ આણંદ, વડોદરા અને ભરૂચ પહોંચ્યા હતા. રાકેશ ટિકૈતે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધીઆશ્રમ ખાતે પત્રકાર પરિષદ યોજીને રાકેશ ટિકૈતે ગુજરાત સમાજ મુખ્ય ધારામાં પ્રવેશશે એવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ ગુજરાતનો ખેડૂત 15 વર્ષથી ભયમાં હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખેડૂત આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે.

આ પહેલા અમદાવાદ બાદ રાકેશ ટિકૈત સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ પહોંચ્યા હતા. તેઓ ટ્રેક્ટરમાં સરદાર પટેલના જન્મસ્થળના ઘરે પહોંચ્યા હતા. રેલી યોજીને ‘જય જવાન જય કિસાન’ ના નારા લગાવીને રાકેશ ટિકૈતનો કાફલો કરમસદ પહોંચ્યો હતો. જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. 

To Top