SURAT

સુરતની ટીમે ખેડૂતો માટે બનાવી ખાસ ટીટોડી એપ: ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને મળશે આ લાભ

સુરત: બદલાતી અર્થ વ્યવસ્થામાં ખેડૂતો (Farmer) માટે સૌથી મોટો પડકાર કૃષિ પેદાશોના પોષણક્ષમ અને ટેકાના ભાવો મળે એ બની રહ્યો છે. ત્યારે ખેડૂતોને ખેતરમાં ઉપજાઉ પાક વાવવાથી લઈને પાકના વેચાણ માટે ડાયરેક્ટ-ટુ-માર્કેટ (Door to Market) અથવા ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (Door to consumer ) વિકલ્પો શોધવા સુધીના ઘણા પડકારોનો સામનો કરવો પડે છે.

  • સુરતી કોમ્પ્યુટર સાયન્ટિસ્ટની ટીમનું અનોખું સ્ટાર્ટ અપ
  • ખેડૂતો વિનામૂલ્યે પોતાનો એગ્રીસ્ટોર બનાવી ગ્રાહકો સુધી ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકે છે

કિસાનોને ડિજિટલ વિશ્વ સાથે જોડીને તેમના ઉત્પાદનોનું વધુ વળતર મળી રહે એ માટે સુરતના ઉત્સાહી યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ.પ્રતિક દેસાઈ અને તેમની ટીમે Titodi એપ અને વેબસાઈટ બનાવી છે. જેના માધ્યમથી ખેડૂતો વિનામૂલ્યે પોતાનો એગ્રિસ્ટોર બનાવી ગ્રાહકો સુધી ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકે છે. એટલું જ નહીં દેશના કોઈ પણ ખૂણે પાકનું યોગ્ય કિંમતે વેચાણ કરીને આવક મેળવી શકે છે.

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી એમ ચાર ભાષાઓમાં ઉપલબ્ધ ‘ટીટોડી’ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના 768 પાકોની 10 હજાર જેટલી વેરાયટી માટેના શ્રેષ્ઠત્તમ ભાવો અને બજાર ઉપલબ્ધ કરાવી આપે છે. એટલું જ નહીં, સીડ્સથી લઈને સેલ્સ (બિયારણની ખરીદીથી શરૂ કરી વેચાણ સુધીની) તમામ સુવિધાઓ પૂરી પાડે છે. મૂળ સુરતના વતની અને હાલ સિલિકોન વેલી (કેલિફોર્નિયા અમેરિકા)માં રહેતાં યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ. પ્રતિક દેસાઈએ એગ્રિટેક સ્ટાર્ટઅપ શરૂ કરી ફક્ત સુરત કે ગુજરાત જ નહીં પણ દેશભરના ખેડૂતો માટે સુવિધાજનક પ્લેટફોર્મ પૂરૂ પાડ્યું છે.

ખેડૂત પરિવારમાં ઉછરેલા અને ટીટોડી પ્રોજેક્ટના સ્થાપક ડો.પ્રતિક દેસાઈએ અમેરિકાની ઓહાયો રાજ્યની યુનિવર્સિટીમાંથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ પર પી.એચ.ડી. કર્યું છે. તેઓ હાલ કેલિફોર્નિયા, યુએસએમાં રહે છે, જ્યારે તેમની ટીમ સુરતના પાલ વિસ્તારમાં આવેલી હેડઓફિસથી આ સ્ટાર્ટ અપ ઉપર કાર્યરત છે. પ્રતિક દેસાઈ કહે છે કે, અમારો મુખ્ય હેતુ સમગ્ર કૃષિક્ષેત્રની તમામ કડીઓને સાંકળીને ડેટા માઈનિંગ, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કિસાનોને કૃષિ જણસોના પોષણક્ષમ ભાવો મળે, આંગળીના ટેરવે દેશના કૃષિ બજારોની જાણકારી મળે એવો છે. અમે ખેડૂતને નિઃશુલ્ક ડિજિટલ શોપ આપવાની સાથે એમને નવીનતમ કૃષિ સંશોધનો, લેટેસ્ટ બજારભાવોની અપડેટ પણ આપી રહ્યાં છીએ.

Most Popular

To Top