Dakshin Gujarat

‘બસ સ્ટેન્ડ પર નહી પરંતુ મારા ઘર આગળ ઊભી રાખો’ કહી મુસાફરે ગર્ભવતી મહિલા કંડકટરને ફટકારી

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં આહવા એસટી (ST) ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા કંડક્ટર (Conductor) અંકિતાબેન રમણભાઈ પટેલ આહવાથી ચીંચવિહીર માટે ફાળવવામાં આવેલી બસ ન. જી.જે.18 ઝેડ.5777 માં કંડકટર તરીકે ફરજ પર હતા. બસ રૂટીન મુજબ ચીંચવિહીર તરફ રવાના થઈ હતી. અને આ બસ અંબુર ગામે પહોચી હતી. આ એસટી બસમાં સખારામ લાસ્યા ચોધરી (રહે.અંબુર) પણ સવાર હતો.

  • ડાંગનાં આહવા એસટી ડેપોનાં ગર્ભવતી મહિલા કંડકટરને મુસાફરે માર મારતા પોલીસ ફરિયાદ

અહી એસટી બસ સ્ટેન્ડ પર પહોચી ગઈ હોવાથી મહિલા કંડકટરે આ પેસેન્જરને સ્ટેન્ડ આવી ગયુ હોય તેમ જણાવી ઉતરવા કહ્યુ હતુ. પરંતુ આ પેસેન્જરે પોતાના બસ સ્ટેન્ડ પર નહી પરંતુ પોતાના ઘર આગળ બસ થોભાવા કહેતા કંડકટર તેમ નહીં કરવા જણાવ્યુ હતુ. નિયમ પ્રમાણે ગામનાં એસટી સ્ટેન્ડ પર જ બસ થોભતી હોય છે. જે બાબતે મુસાફરે ઉશ્કેરાઈ જઇ ગર્ભવતી મહિલા કંડકટરનાં વાળ પકડી તમાચો તેમજ માર મારતા ભારે ચકચારી ફેલાઈ ગઈ હતી. આ પેસેન્જરનું ઘર નજીક હોય જેથી બસમાંથી ઉતરી જઈ ફરીથી મહિલા કંડકટરને લોખંડનાં સળીયા વડે માર મારવાનો પ્રયત્ન કર્યો હતો.

આ ઝપાઝપીમાં ગર્ભવતી મહિલા કંડકટરનાં પેટનાં ભાગે ઈજા થતા તેના પેટમાં દુખાવો ઉપડતા તેણીને તાત્કાલિક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ બનાવ અંગે મહિલા કંડકટરે મુસાફર વિરુદ્ધ આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આહવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top