Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા:શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીના ૯ માસ બાદ કોરોનાની દહેશત વચ્ચે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના ૩૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા હતા. સ્કૂલના શિક્ષકો તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોએ સ્કૂલમાં જઇ વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો.

સ્કૂલનું પટાંગણ ગણવેશમાં આવેલા વિદ્યાર્થીઓના આગમનથી ખીલી ઊઠ્યું હતું. સ્કૂલમાં થયેલી પ્રાર્થનાથી વાતાવરણ પુલકિત બની ગયું હતું. આજવા-વાઘોડિયા રોડ ઉપર આવેલી સરદાર વલ્લભભાઈ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ધારાસભ્યે કોરોનાની ગાઇડલાઇન્સના પાઠ ભણાવ્યા હતા.

આજવા-વાઘોડિયા રોડ ઉપર સરદાર વલ્લભભાઇ વિદ્યાલય આવેલું છે. આ સ્કૂલમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના ૧૫૦ વિદ્યાર્થીએ સંમતિ આપી હતી, જે પૈકી ૮૦ વિદ્યાર્થી અભ્યાસ માટે આવ્યા હતા. ૧૦ માસ બાદ શાળાના ગણવેશ સાથે સ્કૂલમાં આવેલા વિદ્યાર્થીઓમાં કોરોનાની દહેશત વચ્ચે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્કૂલમાં અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓને ગેટ પાસે જ સ્કૂલના સ્ટાફ દ્વારા સેનિટાઇઝ કરીને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ત્યાર બાદ વિદ્યાર્થીઓને સ્કૂલના શિક્ષક રોહન ત્રિવેદી સહિત શિક્ષકો તેમજ ધારાસભ્ય મનીષાબહેન વકીલ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી હાજર રહેલા પીયૂષભાઇ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નયનભાઇ શાહ દ્વારા આવકારવામાં આવ્યા હતા. સ્કૂલના પટાંગણમાં પ્રાર્થના થયા બાદ વિદ્યાર્થીઓને ધારાસભ્ય દ્વારા માસ્ક આપવામાં આવ્યાં હતાં. ત્યાર પછી વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાં મોકલવામાં આવ્યા હતા.

ક્લાસ રૂમમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાના ક્લાસ રૂમમાં બેઠા બાદ શિક્ષકો દ્વારા કોરોનાની ગાઇડલાઇન્સની જરૂરી માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કર્યો હતો. વિદ્યાર્થીઓએ ઓનલાઇન દરમિયાન રહેલી ક્વેરી અંગે સંબંધિત શિક્ષકોને પ્ર ‘ો પૂછી પોતાની ક્વેરી સોલ્વ કરી હતી.

ધારાસભ્ય મનીષાબહેન વકીલે ૯ માસ બાદ સ્કૂલમાં આવેલા વિદ્યાર્થીઓને કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવા માટે સલાહ આપી હતી. વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવા, સેનિટાઇઝ સાથે રાખવા, ઘરેથી નાસ્તો અને પાણીની બોટલ લાવવાની સલાહ આપી હતી. સ્કૂલમાં ઉત્સાહમાં આવીને એકબીજાને ન ભેટવા માટે પણ વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું.

સરદાર વલ્લભભાઇ વિદ્યાલયના શિક્ષક રોહનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવામાં આવી છે. અમારી સ્કૂલમાં કોરોનાને પગલે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું છે. ધોરણ-૧૦ અને ધારણ-૧૨ના ૧૫૦ વિદ્યાર્થીને સ્કૂલમાં આવવા માટે સંમતિ આપી હતી, જે પૈકી આજે પ્રથમ દિવસે ૮૦ જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા છે. આજે સ્કૂલમાં આવેલા વિદ્યાર્થીઓના જે કોઇ તેમના અભ્યાસ અંગેના પ્રશ્ન હશે એ અમે સોલ્વ કરી આપીશું.

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી આવેલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નયનભાઇ શાહે જણાવ્યું હતું કે કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થી માટે મોટા ભાગની સ્કૂલો શરૂ થઇ ગઇ છે. આજે ૧૦ માસ બાદ શરૂ થયેલી સ્કૂલના પ્રથમ દિવસે વડોદરા શહેર-જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના ૩૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હતા અને અભ્યાસ કર્યો છે.

આ ઉપરાંત વડોદરાની કારેલીબાગમાં આવેલી શ્રી કૃષ્ણ હિંદી વિદ્યાલય, ન્યૂ વી.આઇ.પી. રોડ ઉપર આવેલી જય અંબે વિદ્યાલય, પ્રતાપનગર રોડ ઉપર આવેલી ઓ.એન.જી.સી. બરોડા હાઇસ્કૂલ, હરણી રોડ ખાતે આવેલી જય અંબે વિદ્યાલય સહિત સ્કૂલોમાં ઘોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા હતા.

ઓ.એન.જી.સી. બરોડા હાઇસ્કૂલમાં રાજ્યમંત્રી યોગેશ પટેલે વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે આજે ૯ માસ બાદ શરૂ થયેલી ધોરણ-૧૦ અને ૧૨ની સ્કૂલોના વિદ્યાર્થીઓને રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો સ્કૂલોમાં આવકારવા માટે ગયા હતા અને વિદ્યાર્થીઓને કોરોનાથી બચવા માટે સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન્સનું પાલન કરવા માટે સલાહ આપી હતી, પરંતુ નોંધનીય બાબત એ છે કે વિદ્યાર્થીઓને કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવાની સલાહ આપતા સત્તાધારી ભાજપ દ્વારા કાર્યક્રમો યોજીને કોરોનાની ગાઇડલાઇન્સનો ભંગ કરવામાં આવી રહ્ના છે.

To Top