Trending

વિદ્યાર્થીને પૂછવામાં આવે કે, તારે કઇ લાઇનમાં જવું છે? સાયન્સમાં! તેમાં વળી પૂછવાનું શું હોય?

કોરોનાને કારણે 10માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે રમત કરવામાં આવી રહી છે. 10માં ધોરણમાં 80 ટકાથી વધુ માર્કસ લાવનારા કોઇ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે, તારે કઇ લાઇનમાં જવું છે? તો તે તમારી સામે આશ્ચર્યથી જોઇને કહેશે, સાયન્સમાં! તેમાં વળી પૂછવાનું શું હોય?

કોઇ વિદ્યાર્થીના વાલી કહે કે, મારે મારાં બાળકને સામાન્ય પ્રવાહમાં મોકલવો છે, તો તેની સામે એવી રીતે જોવામાં આવશે, જાણે તેમણે પોતાનાં બાળક સાથે કોઇ મોટો અન્યાય કરી નાખ્યો ન હોય! સામાન્ય પ્રવાહમાં જવા ઇચ્છતાં વિદ્યાર્થી માટે એવું માની લેવામાં આવે છે કે તેનામાં ભણવાની ક્ષમતા ઓછી છે, માટે તે વિજ્ઞાન પ્રવાહમાં જઇ શકે તેમ નથી. સામાન્ય પ્રવાહમાં મોકલનારા વાલી માટે એવું પણ માની લેવામાં આવે છે કે તેમની પાસે પોતાનાં બાળકને સાયન્સમાં ભણાવવાના રૂપિયા નથી માટે તેઓ લાચારીવશ તેને સામાન્ય પ્રવાહમાં મોકલે છે. વિદ્યાર્થીના રસ, રૂચિ અને તેની પસંદગી સમજ્યા વિના માત્ર દેખાદેખીથી તેને વિજ્ઞાન પ્રવાહમાં મોકલનારા વાલીઓ તેના ભવિષ્યને ધૂંધળું બનાવે છે. આ વાલીઓ અને તેમનાં સંતાનો પાછળથી પેટ ભરીને પસ્તાય છે. સાયન્સ પ્રવાહમાં ભણાવવા બાબતમાં પ્રવર્તમાન ગેરસમજો દૂર થવી જરૂરી છે.

વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં એવી વ્યાપક ગેરસમજણ પ્રવર્તે છે કે હોંશિયાર વિદ્યાર્થીઓએ માત્ર સાયન્સ સ્ટ્રીમમાં જ જવું જોઇએ. તેવું બિલકુલ જરૂરી નથી. કોમર્સ અને આર્ટ્સના ક્ષેત્રમાં ભણનારા વિદ્યાર્થીઓ પણ તેજસ્વી હોય છે. C.A. અને MBAએ થવા માટે પણ જબરદસ્ત તેજસ્વિતાની જરૂર પડે છે. MBBS થવા માટે જેટલી હોંશિયારીની જરૂર પડે છે તેના કરતાં વધુ હોંશિયારી C.A. બનવા માટે જરૂરી ગણાય છે. IITના એન્જિનિયર કરતાં IIMના સ્નાતકને વધુ પગાર મળે છે, કારણ કે તે માટે વધુ પ્રતિભાની જરૂર પડે છે.

વિજ્ઞાન પ્રવાહમાં જનારા કોઇ પણ વિદ્યાર્થીને સવાલ પૂછવામાં આવે કે તારે બારમા ધોરણ પછી કઇ લાઇન લેવી છે? તો જવાબ મળશે કે મારે ડૉક્ટર અથવા એન્જિનિયર થવું છે. શું વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનારા દરેક વિદ્યાર્થી ડૉક્ટર અથવા એન્જિનિયર બની શકશે ખરા? તેનો સ્પષ્ટ જવાબ ના છે. ગુજરાત બોર્ડમાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ લાખેક વિદ્યાર્થીઓ પાસ થતા હોય છે. તે પૈકી બી ગ્રુપમાં ચાલીસેક હજાર વિદ્યાર્થીઓ પાસ થતા હોય છે. તેની સામે ગુજરાતમાં મેડિકલની 20 કોલેજોમાં કુલ 3080 બેઠકો જ ઉપલબ્ધ છે. મતલબ કે બી ગ્રુપમાં પાસ થનારા 40 હજાર વિદ્યાર્થીઓ ગુજરાતની મેડિકલ કોલેજમાં ભણીને ડૉક્ટર બની શકવાના નથી. આ વિદ્યાર્થીઓ પૈકીના કોઇ દાંતના ડૉક્ટર બની જશે, કોઇ જાનવરના ડૉક્ટર બનશે કે કોઇ આયુર્વેદના વૈદ્ય બની જશે. જે વિદ્યાર્થીઓ ત્યાર બાદ પણ બાકી રહી જશે તેમણે B.Scની.ડિગ્રીથી સંતોષ માનવો પડશે.

એક સમયે ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવો તે લોઢાના ચણા ચાવવા જેવું કઠણ કાર્ય માનવામાં આવતું હતું. આ કારણે માનવામાં આવતું હતું કે માત્ર અત્યંત તેજસ્વી વિદ્યાર્થીઓ જ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે. હવે પરિસ્થિતિ તદ્દન બદલાઇ ગઇ છે. કમાણી કરવાના લોભમાં પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજોનો રાફડો ફાટ્યો છે. તેને કારણે ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થીનાં માબાપ પૈસા ખર્ચવા તૈયાર હોય તો તેને એન્જિનિયરિંગ કોલેજમાં સહેલાઇથી પ્રવેશ મળી જાય છે. દર વર્ષે ગુજરાત બોર્ડમાં 12 માં ધોરણમાં એ ગ્રુપમાં આશરે 60 હજાર વિદ્યાર્થીઓ પાસ થાય છે. તેની સામે ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં કુલ 71679 બેઠકો છે માટે ૧૨માં ધોરણમાં 35 ટકા સાથે પાસ થનારા વિદ્યાર્થીને પણ એન્જિનિયરિંગમાં પ્રવેશ મળી જશે તે નક્કી છે. હકીકતમાં આ વર્ષે એન્જિનિયરિંગ કોલેજોની આશરે ૩૦,૦૦૦ બેઠકો ખાલી રહેવાની ધારણા છે.

એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ડિમાન્ડ કરતાં સપ્લાય ક્યાંય વધુ છે, જેને કારણે એન્જિનિયરિંગની ડિગ્રીના ભાવો ગગડી ગયા છે. સુરતમાં ભણતો એક વિદ્યાર્થી 10 લાખ રૂપિયાનો ખર્ચો કરીને એન્જિનિયર બન્યો. તેને મહિને 10000 રૂપિયાના પગારની નોકરી પણ મળતી નથી. તેને કારણે તે નછૂટકે પોતાના પિતાના શાકભાજીના ધંધામાં જોડાઇ ગયો છે. તેના પિતા પાસે માત્ર B.Com.ની જ ડિગ્રી છે, પણ ધંધાની આવડતને કારણે તેઓ મહિને લાખેક રૂપિયા કમાય છે.

મેડિકલ ક્ષેત્રમાં ડૉક્ટરની ડિગ્રીની પણ હવે ખાસ કોઇ કિંમત રહી નથી. પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં ભણીને MBBSની ડિગ્રી મેળવવા પાછળ દસથી પંદર લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. આ ડિગ્રી લીધા પછી ભાન થાય છે કે મેડિકલમાં બેચલર ડિગ્રીધારીની હાલત કરિયાણાના દુકાનદાર જેવી છે. દવાખાનાંમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યા પછી પણ દર્દીની રાહ જોતાં બેસી રહેવું પડે છે. મેડિકલ ફિલ્ડમાં ખરી કમાણી તો કન્સલ્ટન્ટોને છે, જે બનવા માટે પોસ્ટ ગ્રેડ્યુએટ ડિગ્રી લેવી પડે છે. પોસ્ટ ગ્રેડ્યુએટની ડિગ્રી લેવા માટે ઓછામાં ઓછું ૫૦ લાખ રૂપિયા ડોનેશન આપવું પડે છે.

વિજ્ઞાન પ્રવાહમાં જઇને, લાખો રૂપિયાનો ખર્ચો કરીને લીધેલી મેડિકલ કે એન્જિનિયરિંગની ડિગ્રીઓનું હવે અવમૂલ્યન થયું છે. તેની સરખામણીએ સામાન્ય પ્રવાહમાં ભણીને પ્રોફેસર, IAS ઓફિસર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બેન્ક મેનેજર કે પત્રકાર બનવામાં વધુ કમાણી છે. જે વિદ્યાર્થીઓ પોતાની જાતને બુદ્ધિશાળી માનતા હોય તેમણે આ હકીકત સમજીને જ કારકિર્દીનો નિર્ણય કરવો જોઇએ.

Most Popular

To Top