Top News

More Posts

   The Latest

Most Popular

કેરી કે કેળાં? …ખરેખર ખેલ ખરાખરીનો?

આ મોસમ આમ તો મેન્ગો અર્થાત ફળના રાજા ( કે પછી રાણી !)  એવી  કેરીની છે પરંતુ કાળમુખા કોરોનાએ એવી મરણ -જાળ બિછાવી છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ અમૃત ફળને આપણે કોઈ પૂરેપૂરી લિજ્જતથી માણી નથી શકતા કારણ કે ઘેર આપણી સાથે એને માણનારામાંથી કેટલાંક  આપણી જિંદગીમાંથી અચાનક ગેરહાજર થઈ ગયા છે.

ખેર… બીજી તરફ આ ફ્ળે પણ એની લોકપ્રિયતાના શિખર પરથી એનું પ્રથમ સ્થાન પણ ગુમાવી દીધું છે. છેલ્લામાં છેલ્લા  આપણા નિકાસના અહેવાલ કહે છે કે કેરીની સરખામણીએ હવે બનાના અર્થાત કેળાંના અચ્છે દિન આવી ગયા છે. ૨૦૨૦-૨૧ના આંક કહે છે કે  આપણે ત્યાં   કેરીનું ઉત્પાદન એટલે કે પાક સરેરાશ ૯૦ લાખ ટન જેટલો છે જ્યારે કેળાંનો પાક આશરે ૩૦ મિલિયન ( ૧ મિલિયન = ૧૦ લાખ) મેટ્રિક ટન છે. એ બન્નેની નિકાસની સરખામણી કરીએ તો રૂપિયા ૪૦૦ કરોડની કેરી આપણે ત્યાંથી વિદેશ જાય છે જ્યારે કેળાંની નિકાસનો આંક છે રૂપિયા ૧૦૦૦ કરોડ!

તામિલનાડુ-આન્ધ્રપ્રદેશ – ગુજરાત-મહારાષ્ટ્રમાં થતાં  કેળાંના પાકના મોટા ઘરાક છે ઓમાન- સાઉદી અરેબિયા-યુએઈ-કુવૈત -દક્ષિણ કોરિયા,વગેરે..

કેરીની સરખામણીમાં કેળાનો પાક વધુ સરળતાથી લણી શકાય છે એનાં અનેક કારણ-તારણ છે. જાણકારોના કહેવા મુજબ ભારત જેવા દેશમાં તો  ૧૦૦૦થી વધુ જાત-પ્રકારનાં કેળાં ઉગાડી શકાય છે. આના કારણે કેળાં કિંમતની દ્રષ્ટિએ અન્ય ફ્ળોની   તુલનામાં સસ્તાં અને કિફાયતી છે. જો કે, કેળાં લાંબો સમય તાજાં રહેતાં નથી એટલે એનો બગાડ પણ વધુ છે. એક હેવાલ મુજબ સમયસર બજારમાં -ગ્રાહકોને  પહોંચી ન શકવાને લીધે આપણે ત્યાં આશરે ૫૦૦ મેટ્રિક ટન કેળાં બગડી પણ  જાય છે. કેરીની તુલનામાં કિફાયતી હોવા ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ પણ કેળાં વધુ ઉપકારક છે.

બાય ધ વૅ, જગતભરમાં હાથી- બંદરોના  પ્રિય એવાં  આ કેળાંએ હમણાં હમણાં વિદેશી કિચન – રસોઈઘરમાં એક નવા જ પ્રકારનો તહેલકો મચાવ્યો છે.  પાકશાસ્ત્રની એક લેડી નિષ્ણાતે  કેળાંની આડ-ઉપજ કે કેળાંમાંથી બનતી વાનગીઓ પેશ કરીને બ્રિટનમાં એક નવો વિવાદ ખડો કર્યો છે.

શું છે એ વિવાદ? વૅલ, એની રસપ્રદ વાત કરશે તમને ‘ઈશિતા’ આવતા અંકે…!

 બોલો, આ કાયદાના મંદિરમાં ભક્તો છે અપરાધી..!

આપણી ભાષામાં ‘માફિયા’ શબ્દ પ્રવેશ્યો ઈટલીના સિસિલી ટાપુથી. ચોરી-ધાડ-લૂંટ- નશીલા પદાર્થ -શસ્ત્રોની હેરાફેરીથી લઈને અપહરણ- ખંડણી- બળાત્કાર- હત્યા જેવા અનેક અપરાધ આચરતી ગેન્ગ ત્યાંની સ્થાનિક ભાષામાં ‘માફિયોસો’ એટલે કે ‘માફિયા’ તરીકે કુખ્યાત છે. આજે પણ અનેક  માફિયા ગેન્ગની કથા-ફિલ્મો ગજબની ઉત્તેજના સર્જી શકે છે.  જો કે એનો  શ્રેષ્ઠ દાખલો છે લેખક મારિયો પૂઝોનું સદાબહાર પુસ્તક – ફિલ્મ ‘ગોડફાધર’ .

આજે પણ જૂના-નવા ભાગેડુ માફિયાની પાછળ ઈટલીની પોલીસ પડી છે. ઝડપાયેલા પર અનેક  કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે. ઈટલીના એક શહેર પોટેન્ઝાનું   એક જાણીતુ  કોફીહાઉસ એક મોસ્ટ વોન્ટેડ માફિયા ગેન્ગ ગુપ્ત રીતે ચલાવી રહ્યું છે અને આ કોફીહાઉસ  એ જ  કોર્ટ સંકુલમાં છે જ્યાં   માફિયા અપરાધીઓ પર એક સાથે ઘણા બધા કેસ આજે પણ  ચાલી રહ્યા છે એ  વાત હમણાં ઉઘાડી પડી જતાં  ઈટલીભરમાં ખળભળાટ મચી ગયો છે.

બધાંને એ વાતનો આંચકો લાગ્યો છે કે  માફિયા કેસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓથી લઈને બન્ને પક્ષના વકીલો- સાક્ષીઓ અને ખુદ કોર્ટના કર્મચારીઓ, ઈત્યાદિ  કોર્ટના પેલા કોફીહાઉસમાં આવતા-જતા અને સતત માફિયા અપરાધીઓ વિશે વાતચીત – ચર્ચા થતી રહેતી.  ગુપ્ત  બાતમીની પણ લેતા-દેતી થતી રહેતી. આ બધી વાત – માહિતી સીધી કોફીહાઉસના માફિયા માલિકોને એના સ્ટાફ તથા ત્યાં ગોઠવેલા  છૂપાં  કેમેરા- માઈક્રોફોનથી પહોંચી જતી. પરિણામે સરકારી વકીલો અનેક  પ્રયત્નો  કર્યા પછી પણ માફિયા અપરાધીઓ  વિરુધ્ધ કેસ પુરવાર કરીને જીતી શકતા નહીં!

-તો આ ભાંડો ફૂટ્યો કઈ રીતે?

વેલ, કોર્ટમાં જે  કોફીહાઉસ છે એની સર્વિસનો કોન્ટ્રાકટ પૂરો થવાનો હતો ત્યારે એ કોર્ટમાં પ્રેકટિસ કરતા એક વકીલ અને એના મિત્રને  કોફીહાઉસ ચલાવવાની ઈચ્છા જાગી. એમણે કોન્ટ્રાકટ  માટે  નિયમાનુસાર અરજી કરી પણ એ મંજૂર ન થઈ એટલે પેલા વકીલ તથા એનો મિત્ર અપીલમાં ગયા. એની સુનાવણી થાય એ પહેલાં જ એમને કોર્ટના કોરિડોરમાં જ એક માફિયા અપરાધી તરફથી સ્પષ્ટ શબ્દોમાં ધમકી મળી :  ‘કોફીહાઉસના કોન્ટ્રાક્ટમાંથી ખસી જાવ,નહીંતર..’

આ વાતની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે પોતાની જાળ બિછાવી અને કોર્ટના કોફીહાઉસના મૂળ માલિક તો ખરેખર એક માફિયા ગેન્ગ જ છે એના પૂરતા પુરાવા મેળવી લઈ હવે એ અપરાધીઓ પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. બની શકે આના પરથી આપણને એક વધુ માફિયા ફિલ્મ જોવા મળે.

ઈશિતાનું ઈત્યાદિ……ઈત્યાદિ

# વર્ષ દરમિયાન તમને વધુમાં વધુ કેટલી હેડકી આવી શકે એ નથી જાણતા ને? તો આ જાણી લો. લોસ એન્જિલિસમાં રહેતી એક વ્યક્તિને ૧૩ જૂન -૧૯૪૮થી ૧ જૂન -૧૯૫૮ સુધી એટલે કે ૧૦ વર્ષમાં  કુલ ૧૬૦,૦૦૦,૦૦૦ વાર હેડકી આવતી રહી. એ કઈ રીતે રોકવી એના ઉપાયરૂપે સતત હેડકી ખાનારને  ૬૦ હજાર સલાહ મળી હતી! 

# હેડકીની જેમ છીંકાછીંકનો પણ એક અવનવો વિક્રમ જાણી લો…થોડાં વર્ષ પૂર્વે અમેરિકામાં એક ૧૭ વર્ષની તરુણીને અચાનક છીંકો આવવાની શરૂ થઈ ગઈ. ૪ ફેબ્રુઆરી- ૧૯૬૬ના એને છીંકો જે શરૂ થઈ  તે ૮ જૂન -૧૯૬૬ સુધી ચાલી ને  પછી અચાનક અટકી ગઈ..!

To Top