Columns

લોકપ્રિયતા: દવા પણ અને દર્દ પણ

અગાઉ અર્નબ ગોસ્વામી તેમની ચેનલ પર અનાપસનાપ બોલતા હતા. એમાં એમને બહુ તાળીઓ મળતી હતી પણ ટીઆરપી કૌભાંડમાં (Scam) તેમની વિવાદાસ્પદ ચેટ લીક થઇ અને કેસમાં ફસાયા પછી તેમની ચીસો ઘટી ગઈ છે. પછી કંગના રનૌતનો વારો આવ્યો. બોલીવૂડની (Bollywood) ઝીરોથી હીરોની કહાની ચરિતાર્થ કરતી આ અત્યંત પ્રતિભાશાળી એક્ટ્રેસ રોકેટની ગતિએ પ્રગતિ કરી રહી હતી, તેમાં એને શું કમતિ સૂઝી કે અચાનક વિવાદાસ્પદ રાજકીય નિવેદનો આપવા લાગી. એમાં એની એટલી વાહવાહી થઇ કે તેણે ભાન ભૂલીને વડા પ્રધાનને સંડોવતું ખાસ્સું ભડકાઉ નિવેદન કર્યું એટલે ટ્વિટરે (twitter) તેનું એકાઉન્ટ કાયમ માટે બંધ કરી દીધું. બોલીવૂડમાં પણ નાતબહાર મુકાઈ ગઈ છે.

હવે બાબા રામદેવે આ બે જણાનું પગેરું દાબ્યું છે. પતંજલિ બ્રાંડની આયુર્વેદિક દવાઓનો કરોડોનો કારોબાર કરતા બાબા પોતે જ એક વિશ્વસનીય બ્રાંડ છે. તેમના કરોડો અનુયાયીઓ છે. તેમના કાર્યક્રમો અને શિબિરોમાં બહુ લોકો આવે છે. લોકોને તેમનામાં અને તેમની દવાઓમાં જબ્બર વિશ્વાસ છે. વર્તમાન સરકારના તે ફેવરીટ બાબા છે. અતિઆત્મવિશ્વાસ કહો કે પછી બેવકૂફી કહો, બાબાએ એલોપથીને સ્ટુપીડ વિજ્ઞાન કહીને દેશના કરોડો ડૉકટરોનો રોષ તો વહોરી જ લીધો છે. તે આમ જનતા અને વિદેશોમાં હાંસીપાત્ર ઠર્યા છે અને ખુદ સરકારને નીચાજોણું કરાવ્યું છે. હવે તેમની સામે ડૉકટરો આંદોલને અને પોલીસમાં ચઢ્યા છે.

આ ત્રણ તો એકદમ તાજાં ઉદાહરણ છે. તેમનું રાજકારણ જે હોય તે, મૂળમાં આ ત્રણે તેમની લોકપ્રિયતાનો ભોગ બન્યા છે. હા, જે લોકપ્રિયતા તમને ઊંચા ઝાડ પર બેસવા મદદ કરતી હોય, એ જ લોકપ્રિયતા એ ઝાડને કાપવામાંય કામ આવતી હોય છે. રાજકારણ હોય, ફિલ્મ હોય, સ્પોર્ટસ હોય કે બિઝનેસ હોય, સફળતા અને લોકપ્રિયતાથી છકી ગયેલાં અનેક લોકોનાં ઝાડ વળી ગયાં હોય તેવાં ઉદાહરણોથી ઈતિહાસ ભરેલો છે.

લોકપ્રિયતા દવા પણ છે અને દર્દ પણ. લોકપ્રિયતા મેરેથોન જેવી છે. એ આપણને સ્પર્ધાત્મક બનાવે છે, બીજા કરતાં બહેતર કરવાનું મોટિવેશન પૂરું પાડે છે. એ અર્થમાં એ દવા છે પણ લોકપ્રિયતા આપણને લઘુતાગ્રંથિ અને આત્મવિશ્વાસની કમીમાંથી આઝાદ કરી દે છે અને આપણને છાકટા બનાવી દેવાની હદે પણ લઈ જાય છે. એ અર્થમાં એ દર્દ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેનું ઉદાહરણ છે. તેમને સત્તાનો નશો ન હતો. એ તો રાષ્ટ્રપ્રમુખ બન્યા તે પહેલાંથી સફળ બિઝનેસમેન હતા. તેમને તેમની વાહવાહીનો નશો હતો. તેમને થઇ ગયું હતું કે હું જે બોલું કે કરું તે જ એકમાત્ર સત્ય છે. કહેવાની જરૂર નથી કે ટ્વિટરે તેમની વલે પણ કંગના જેવી કરી હતી.

બહુ ઓછાં લોકો લોકપ્રિયતા સાથે વિવેકબુદ્ધિથી પનારો પાડી શકે છે. લોકપ્રિયતા ડ્રગ્સ  છે. જેમ નશો કરવાથી માણસના મગજમાં સારા-ખોટાનો ભેદ કરતો હિસ્સો નિષ્ક્રિય થઈ જાય છે, તેવી રીતે લોકપ્રિયતાની ભાવનાથી માણસના વિચાર-વર્તન-વાતો પરનો અંકુશ દૂર થઈ જાય છે. લોકપ્રિયતાના કારણે તેની આસપાસ હંમેશાં એવાં લોકો હોય જ છે, જે તેની અનુચિત વાતો કે વ્યવહારની પણ વાહવાહી કરતા હોય છે એટલે તેને એ ક્યારેય સમજાતું નથી કે તે જે બોલે કે કરે કરે છે તે બકવાસ છે. એ વાહવાહીની ટેવ પડી જાય છે. માણસને જ્યાં સુધી પુષ્ટિ ના મળે ત્યાં સુધી તે શરમાળ રહે છે, એ લોકપ્રિય થઈ જાય પછી બેશરમ બની જાય.

લોકપ્રિયતા વિકૃતિ છે, પ્રકૃતિ નહીં. એ માણસને બેઇમાન અને નકલી બનાવી દે છે. એ તમને જીવનની વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. લોકપ્રિયતાનો કેફ કામચલાઉ આત્મગૌરવ આપે છે, જે નશાની જેમ ઊતરી પણ જાય છે. આત્મગૌરવ ઓથેન્ટિક જીવનમાંથી આવે છે, વાહવાહી અને તાળીઓમાંથી નહીં.

લોકપ્રિયતાના બે પ્રકાર છે. બચપણમાં આજુબાજુનાં લોકોને તમે કેટલા ગમો છો તે અને કૌમાર્યવસ્થામાં તમારું નામ કેવું છે તે. બચપણમાં લોકપ્રિય બાળકો મોટાભાગે શાંત, સહયોગી અને મદદગાર હોય છે. કૌમાર્યવસ્થામાં ગમતીલા હોવા કરતાં સ્ટેટસવાળા હોવાનું મહત્ત્વ વધવા લાગે છે. જેમાં દેખાડો, રોફ, પ્રભાવ અને વર્ચસ્વ અગત્યનાં બને. પૂરા વયસ્ક જીવન દરમ્યાન તમે ગમતીલા હોવાનું પસંદ કરશો કે સ્ટેટસવાળા, તે અહીંથી નક્કી થાય છે.

દુનિયામાં હાલના સમયે વિઝિબિલિટી એટલી મહત્ત્વની થઇ છે કે દરેકને વધુ ને વધુ ઊંચું સ્ટેટસ મેળવવું છે. નવી પેઢીમાં આક્રમકતા, આસક્તિ, તુચ્છકાર અને નિરાશાનું પ્રમાણ વધતું જાય છે તેનું કારણ ગમતીલા હોવા કરતાં રોફવાળા હોવાની લોકપ્રિયતા છે. અર્નબ ગોસ્વામી, કંગના, રામદેવ અને ટ્રમ્પ પોતપોતાના ક્ષેત્રમાં કારગત તો હતાં પરંતુ તેઓ સોશ્યલ મીડિયા અને ટેલિવિઝનની આધુનિક દુનિયામાં બહુ વિઝિબલ હતા. આ બંને માધ્યમો પ્રાચીન કથાઓના ભૂખ્યા રાક્ષસ જેવાં છે. તેને સતત કશુંક ‘ખાવાનું’ જોઈએ છે. સેલિબ્રિટીઓ તેમનો ખોરાક છે. અર્નબ કે કંગના અનાપસનાપ બોલે તો સોશ્યલ મીડિયા પર તે ટ્રેન્ડીંગ થતું હતું અને ટેલિવિઝનને ટીઆરપી મળતી હતી.

એમાં જેટલી વાહવાહી વધતી જતી હતી એટલો તેમનો બકવાસ વધતો જતો હતો. લોકો ભૂલી જાય છે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ લોકપ્રિય છે એટલે એ ગુણવાન છે એવું નથી. લોકપ્રિયતા એ ટોળાંશાહી છે. સમુદાય સાથે જોડાયેલા રહેવાની બુનિયાદી માનવીય વૃત્તિના કારણે આપણે જે લોકપ્રિય છે તેનું અનુસરણ કરીએ છીએ. એક જમાનામાં હિટલર પોપ્યુલર હતો. બાપુ આસારામ એક સમયે લાખો લોકોના ‘ભગવાન’ હતા. એમાંથી જ તેમની હિંમત ખૂલી હતી. આજે બાબા રામદેવ પણ એવું કહે છે કે ‘મારી ધરપકડ કરવાની કોઈના બાપમાં હિંમત નથી.” બીજાં લોકો આપણને સ્વીકારે એ એટલી સ્ટ્રોંગ વૃત્તિ છે કે તે આપણી સારી અને નૈતિક વ્યક્તિગત જરૂરિયાતો પર હાવી થઈ જાય છે.

લોકપ્રિયતા સિંહની સવારી છે. એક વાર તેની પર બેસી જાવ પછી ઊતરવાનું મુશ્કેલ થઇ જાય. તમારે લોકપ્રિયતા જાળવી રાખવી પડે. એટલા માટે લોકપ્રિયતાનો ભોગ બનેલાં લોકો તેની ‘કીક’ મેળવવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. તારીફ અને ઉપલબ્ધિનો અહેસાસ મૌલિકતા અને ક્રિએટિવિટીને ખતમ કરી નાખે છે. કલ્પનાશીલતાને જીવંત રાખવા માટે માસૂમિયત અને કુતૂહલ અકબંધ હોવું જોઈએ. જે લોકો લોકપ્રિયતાનાં બંધાણી થઈ ગયાં હોય છે તેમની ક્રિએટિવિટી ખતમ થઇ જાય છે.

Most Popular

To Top