Dakshin Gujarat

વલસાડના તિથલ રોડ પર હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ માણતા યુવક-યુવતીઓ ઝડપાયા

વલસાડ: વલસાડના (Valsad) પોશ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં બર્થ ડે પાર્ટી માટે એકત્ર થયેલા યુવક-યુવતીઓ દારૂની મહેફિલ (Alcohol Party) માણતા ઝડપાયા હતા. અડધી રાત્રે વલસાડ સિટી પોલીસે (Police) વલસાડના તિથલ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી. પોલીસે ચાર યુવતી અને 10 યુવક સહિત કુલ 14 લોકોની ધરપકડ (Arrest) કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઘટના સ્થળ પરથી દારૂની બોટલ, મોબાઈલ અને વાહનો મળી આવતા કુલ 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામા આવ્યો છે.

મળતી માહિતી મુજબ ઉત્કર્ષ શિવકુમાર ગહેલોત નામના એક નબીરાનો બર્થ ડે હતો. તેણે તેની પત્ની સાથે પાર્ટીનું આયોજન કર્યું હતું. તેના સસરાના ફ્લેટમાં પોતાના મિત્રો ને બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણવા બોલાવ્યા હતા. મોડી રાત સુધી નબીરાઓએ ફ્લેટમાં દારૂની મહેફિલ માણી હતી. વલસાડના તિથલ રોડ પર આવેલા સુકૃતિ એપાર્ટમેન્ટમાં શરાબની મહેફિલ ચાલી રહી હોવાની વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને માહિતી મળી હતી. મહેફિલની માહિતી મળતા જ વલસાડ સિટી પોલીસની ટીમ અડધી રાત્રે સુકૃતિ અપાર્ટમેન્ટના પહેલા માળ પર આવેલા એક ફ્લેટમાં ત્રાટકી હતી. ફ્લેટ બંધ કરી અને અંદર યુવકો અને યુવતીઓ મોટી સંખ્યામાં વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.

પોલીસે દારૂની મહેફિલ માણતા 10 યુવકો અને 4 યુવતીઓને પણ ઝડપી લીધા હતા. આ  તમામની  ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પોલીસે વિદેશી દારૂની બોટલો અને મોબાઈલ ફોન અને અન્ય વાહનો મળી રૂપિયા ત્રણ લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોટા ઘરના નબીરાઓ દારૂની મહેફિલ માણતાં ઝડપાયા હોવાના સમાચાર મળતા જ મોટા માથાઓ પણ તેમને છોડાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ અને ધમપછાડા કર્યા હતા. જોકે વલસાડ સીટી પોલીસે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂની મહેફિલ માણતાં ઝડપાયેલા યુવક અને યુવતીઓ વિરૂદ્ધ પોલીસે દારૂની મહેફિલના કેસની સાથે કોરોના ગાઇડલાઇનના ભંગ અને સરકારના આદેશ અને જાહેરનામાના ભંગ બદલ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. આમ વલસાડ સિટી પોલીસે કારોના કાળમાં પણ બેફામ બની અને મહેફિલ માણતા નબીરાઓને કાયદાનું ભાન કરાવવા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top