Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સુરતમાં (Surat) યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CMBhupendraPatel) નજીક એક વ્યક્તિ રિવોલ્વર (Revolver) લઈ પહોંચી જતા દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાકર્મીઓએ રિવોલ્વર સાથે તે વ્યક્તિને અટકાયત કરી લીધી હતી. પૂછપરછમાં તે વ્યક્તિ સુરતના ધારાસભ્યનો ભાણેજ હોવાનું ખુલતા ધારાસભ્ય (MLA) પણ દોડતા થઈ ગયા હતા. પોલીસે રિવોલ્વર કબ્જે લઈ લીધી છે. આ વ્યક્તિ પાસે રિવોલ્વરનું લાયસન્સ છે, જે રદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

  • હર ઘર તિરંગા યાત્રા દરમિયાન બની ઘટના
  • સ્ટેજની નજીક મુખ્યમંત્રીથી 15 મીટર દૂર રિવોલ્વર લઈ પહોંચી ગયો
  • સુરક્ષાકર્મીની નજર પડતાં શખ્સની અટકાયત કરી
  • રિવોલ્વર સાથે પકડાયેલો શખ્સ સુરતના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાનો ભાણેજ
  • ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરી, રિવોલ્વરનું લાયસન્સ રદ કરવાની તજવીજ હાથ ધરાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર સ્વાતંત્ર્ય દિન (Independence Day) પૂર્વે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પાસે હર ઘર તિરંગાનો (HarGharTiranga) કાર્યક્રમ આયોજિત થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગો હાથમાં લઈ 4 કિલોમીટર ચાલ્યા હતા. આ સાથે જ રાજ્યમાં તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમ માટે ઝેડ પ્લ્સ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, તેમ છતાં એક વ્યક્તિ રિવોલ્વર સાથે મુખ્યમંત્રીની નજીક પહોંચી ગયો હતો. મુખ્યમંત્રીથી માત્ર 15 મીટર દૂર સ્ટેજની નજીક તે ઉભો હતો ત્યારે સુરક્ષાકર્મીઓની નજર પડતાં તેઓએ રિવોલ્વર સાથે તે વ્યક્તિની અટકાયત કરી હતી અને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં પૂછપરછમાં તે વ્યક્તિએ પોતાનું નામ રમેશ દેવાણી અને પોતે સુરતના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાનો ભાણેજ હોવાનું જણાવ્યું હતું. રિવોલ્વરનું લાયસન્સ પણ બતાવ્યું હતું. ઉતાવળમાં કારમાં રિવોલ્વર મુકવાનું ભૂલી ગયો હોવાનો બચાવ તે વ્યક્તિએ પોલીસ સમક્ષ વર્ણવ્યો હતો.

મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક થયાનો રિપોર્ટ ઉચ્ચસ્તરે પહોંચ્તા રાજ્યનું ગુપ્તચર વિભાગ પણ એક્શનમાં આવ્યું હતું. રાજ્યના ગુપ્તચર વિભાગના એડિશનલ ડીજીપી અનુપ સિંહ ગેહલોત દ્વારા તપાસના આદેશ અપાયા હતા. પોલીસે રમેશ દેવાણીનું રિવોલ્વરનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી શરૂ કરી છે. ઉમરા પોલીસમાં રમેશ દેવાણી વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ દાખલ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. બેદરકારી દાખવી હોવાના લીધે લાયસન્સ રદ કરાશે. દરમિયાન આ અંગે ધારાસભ્ય ઝાલાવડિયાએ ખુલાસો કર્યો હોવાનું જાણવા મળે છે. તેમનો ભાણેજ ફેક્ટરીથી સીધો હર ઘર તિરંગા યાત્રામાં જોડાવા આવ્યો ત્યારે ભૂલથી કારમાં રિવોલ્વર મુકવાના બદલે મુખ્યમંત્રી સુધી પહોંચી ગયો હોવાનો બચાવ ધારાસભ્યએ રજૂ કર્યો હતો.

To Top