SURAT

મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડને વકીલોની નજરથી છુપાવી પોલીસ આ રીતે કોર્ટમાં લાવી

સુરત(Surat): ગયા અઠવાડિયે શહેરના વકીલ મેહુલ બોઘરા (Mehul Boghra) પર સરથાણા કેનાલ રોડ પર હુમલો (Attack) કરનાર ટીઆરબી (TRB) સુપરવાઈઝર સાજન ભરવાડના (Sajan Bharwad) પાંચ દિવસના રિમાન્ડ (Remand) પુરા થતા આજે ગુરુવારે સવારે સુરત પોલીસ (Surat Police) કોર્ટમાં (Court) લાવી હતી. કોર્ટે આરોપી સાજન ભરવાડને જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial Custody) મોકલી દીધો છે. સાજન ભરવાડની ધરપકડ બાદ તેને પહેલીવાર કોર્ટમાં રજૂ કરાયો ત્યારે વકીલોએ હોબાળો મચાવ્યો હતો, તેથી આ વખતે સુરત પોલીસ કોર્ટ ઉઘડે તે પહેલાં સવારે 9 વાગ્યે જ સાજન ભરવાડને કોર્ટમાં લઈ આવી હતી. ઝડપથી કોર્ટમાં જ્જ સમક્ષ ભરવાડને રજૂ કરાયો હતો અને કોર્ટના હૂકમ બાદ તાબડતોબ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલ ખાતે રવાના કરી દેવાયો હતો.

સરથાણા કેનાલ રોડ પર વાહનચાલકો પાસેથી ઉઘરાણા કરનાર ટીઆરબીનો લાઈવ વીડિયો ઉતારનાર વકીલ મેહુલ બોઘરા પર ટીઆરબી સુપરવાઈઝર સાજન ભરવાડે લાકડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં મેહુલ બોઘરાને માથામાં ઈજા પહોંચી હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વરાછા, સરથાણાના લોકો મેહુલ બોઘરાના સમર્થનમાં સરથાણા પોલીસ સ્ટેશન પર ધસી ગયા હતા. દેખાવો કર્યા હતા. સોશિયલ મીડિયા પર આઈ સપોર્ટ મેહુલ બોઘરા (ISupportMehulBoghra) અને જસ્ટીસ ફોર મેહુલ બોઘરા (JusticeForMehulBoghra) ટ્રેન્ડ થયું હતું. દબાણ વધતા સુરત પોલીસે સાજન ભરવાડની ધરપકડ કરી હતી. આ સાથે જ મેહુલ બોઘરા વિરુદ્ધ પણ એટ્રોસિટીની કલમ હેઠળ સરથાણા પોલીસે ગુનો દાખલ કર્યો હતો, તેથી પોલીસ સામે ગુસ્સો વધુ ફાટી નીકળ્યો હતો.

સાજન ભરવાડને પોલીસે કોર્ટમાં પહેલીવાર રજૂ કર્યો ત્યારે વકીલોએ હોબાળો મચાવ્યો હતો. સાજન ભરવાડને મારવા લીધો હતો. પોલીસે સાજન ભરવાડને લઈ ભાગવું પડ્યું હતું. બીજી તરફ બુધવારે સુરતના વકીલોએ કોર્ટથી કલેક્ટર કચેરી સુધી મહારેલી કાઢી હતી. મેહુલ બોઘરા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ લગાવાયેલો ગુનો હટાવી લેવા માગ કરી હતી. સાજન વિરુદ્ધ ઝડપથી ચાર્જશીટ દાખલ કરવા માગ કરાઈ હતી. કલેક્ટર કચેરી અને સુરત પોલીસ કમિશનર કચેરીમાં વકીલોએ છાટી પીટીને સાજન ભરવાડ, એસીપી ના નામના છાજિયા લીધા હતા. દરમિયાન પોલીસ પર દબાણ વધી જતા સરથાણા પીઆઈની ટ્રાન્સફર કરી દેવાઈ હતી.

આ તમામ ધમાલ વચ્ચે આજે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ પૂરા થતા હોય તેને ફરી કોર્ટમાં રજૂ કરવાનો હોઈ સરથાણા પોલીસ ટેન્શનમાં હતી. વકીલો ફરી હોબાળો મચાવશે તેવી પોલીસને બીક હતી. સામાન્ય રીતે વકીલો કોર્ટમાં સવારે 10 વાગ્યા બાદ આવતા હોય છે. તેથી સરથાણા પોલીસ સવારે 9 વાગ્યે જ ચોરીછુપીથી સાજન ભરવાડને કોર્ટમાં લઈ આવી હતી. કોર્ટ સામે રજૂ કર્યો હતો. કોર્ટે સાજન ભરવાડને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હૂકમ કરતા પોલીસ તેને લાજપોર જેલમાં લઈ ગઈ છે.

Most Popular

To Top