Vadodara

શહેરમાં ઉઘાડ નીકળતા ભ્રષ્ટાચારના ખાડા પૂરવાનું શરૂ

વડોદરા : વડોદરા શહેરમાં વરસેલા વરસાદના પગેલ ઠેર ઠેર ખાડા ખાડા જ જોવા મળી રહ્યા છે તેવામાં આજ રોજ શહેરમાં ઉઘાડ નીકળતા જ પાલિકા દ્વારા ખાડાઓનું રીપેરીંગ અને પેચવર્ક તેમજ કર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં ચોમાસાની ચાલુ સિઝનમાં દર વર્ષની માફક મુખ્ય માર્ગો પર અને આંતરિક રસ્તાઓ પર વરસાદને લીધે અને પાણી ભરાવાથી ધોવાણ થતા મોટા મોટા ખાડા પડી ગયા છે.

હવે બે દિવસથી ઉઘાડે રહેતા રોડ પરના ખાડા પૂરવાની કામગીરી આજથી શરૂ થઈ છે. બે દિવસ અગાઉ મ્યુનિસિપલ કમિશનરએ સીટી એન્જિનિયર અને રોડ વિભાગના અધિકારીઓ તથા ચારેય ઝોનના કાર્યપાલક ઇજનેરો અને ડેપ્યુટી કમિશનરો સાથે બેઠક યોજી હતી અને ખાડાઓનું રીપેરીંગ, પેચ વર્ક અને પુરાણ તેમજ કારપેટિંગ કરવા જણાવ્યું હતું.
આ વખતે પાછલા વર્ષોની સરખામણીએ રોડ પર વધુ ખાડા પડ્યા છે અને વડોદરા ખાડોદરા બની ગયું છે. જો કે વરસાદની શરૂઆત થઈ ત્યારથી એકધારો વરસાદ ચાલુ જ રહ્યો છે. રોડ પર અવારનવાર ખોદકામ કરવાને લીધે અને ત્યાં પુરાણનું કામ બરાબર ન થવાથી વરસાદમાં રોડ બેસી જાય છે અને ખાડા પડી જાય છે. હવે ટૂંક સમયમાં ગણેશ ઉત્સવ શરૂ થવાનો હોય તે પૂર્વે શહેરના ચારેય ઝોનમાં ખાડા પૂરવાની અને પેચ વર્કની કામગીરી આજથી શરૂ થઈ છે. સવારે અને સાંજે બબ્બે ઝોનમાં કામગીરી થશે. એક ઝોન દીઠ 30 ટન ડામર નો માલ વપરાશે.

મુખ્ય રોડ પરની કામગીરી પ્રારંભ કરીને સ્ટેપ બાય સ્ટેપ આંતરિક રસ્તા પણ આવરી લેવાશેે
ઉઘાડ નીકળતા આ કામગીરી ચાલુ રહેવાની છે. શરૂઆતમાં મુખ્ય રોડ પરની કામગીરી કરીને સ્ટેપ બાય સ્ટેપ આંતરિક રસ્તા પણ આવરી લેવાશે. – ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન
હાલમાં 11 રોડ રોલર છે અને બે ત્રણ રીપેરીંગમાં હોય છે, જરૂર હોય ત્યારે રોલર મળતા નથી
કોર્પોરેશન દ્વારા 19 વહીવટી વોર્ડ બનાવ્યાં, પરંતુ વોર્ડ દીઠ રોડ રોલર નથી. હાલમાં 11 રોડ રોલર છે અને બે ત્રણ રીપેરીંગમાં હોય છે. જરૂર હોય ત્યારે પેચ વર્ક માટે રોલર મળતા નથી. -વિરોધ પક્ષના નેતા

Most Popular

To Top