Editorial

રખડતા ઢોરની સમસ્યા વિસ્ફોટક બને તે પહેલા સરકાર જલ્દી ઉકેલે તે જરૂરી

જ્યારે નાણાંનું ચલણ નહોતું ત્યારે જેની પાસે સૌથી વધુ પશુઓ હોય તે પૈસાદાર વ્યક્તિ ગણાતો હતો. તેમાં પણ જેની પાસે વધુમાં વધુ ગાય હોય તે વ્યક્તિ ગામનો મુખી જેવો ગણાતો હતો. કારણ કે ગાય, ભેંસ સહિતના પશુઓ થકી લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળતી હતી. ત્યારબાદ ચલણ આવ્યું પરંતુ પશુઓનું મહત્વ ઘટવા પામ્યું નથી. એક સમય હતો કે જ્યારે પશુઓ મોટાભાગે ગામડાઓમાં જ જોવા મળતાં હતાં પરંતુ ગ્રામ્યજનો શહેરમાં રહેવા આવ્યા પછી શહેરમાં પણ તબેલાઓ બનાવીને પશુઓને રાખવાની શરૂઆતો કરવામાં આવી અને તેને કારણે શહેરોમાં અને નગરોમાં રખડતા પશુઓની સમસ્યા વ્યાપ્ક બની જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરની સમસ્યાએ એવો ઉપાડો લીધો છે કે તેને કારણે અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવવા પડ્યા છે અને આ આંકડો ઘટવાને બદલે સતત વધતો જ રહ્યો છે. રખડતા ઢોરની સમસ્યા એ હદે પહોંચી છે કે હવે હાઈવે પર પણ ઢોર રખડતાં જોવા મળે છે અને તેમાં ટ્રાફિક જામ થવાથી માંડીને અકસ્માતોની સંખ્યા મોટી થઈ રહી છે.

પહેલા તો રખડતા ઢોરને કારણે શહેરોમાં અકસ્માતોની ઘટના બનતી હતી અને તેમાં સામાન્ય વ્યક્તિ ભોગ બનતા હતા પરંતુ હવે આ સમસ્યા એ હદે પહોંચી છે કે રખડતા ઢોર નેતાઓને પણ છોડતા નથી. થોડા સમય પહેલા આ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ટકોરને કારણે કેટલાક શહેરોમાં રખડતા ઢોર પર અંકુશ લાવવાની કામગીરી કરવામાં આવી પરંતુ પાછી પરિસ્થિતિ ઠેરની ઠેર થઈ જવા પામી છે. ખુદ રાજ્ય સરકાર દ્વારા આ મામલે કડક કાયદો ઘડવામાં આવ્યો હતો પરંતુ પશુપાલકોના ભારે વિરોધને કારણે આ કાયદો સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

થોડા સમય પહેલા જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રખડતા ઢોરે અડફેટમાં લીધા હતા અને તેમણે આરામ કરવાની નોબત આવી છે. હાલમાં જ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલાની વચ્ચે પણ ઢોર આવી ગયો હતો. ખુદ નેતાઓ અડફેટમાં આવવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી રખડતા ઢોરને કાબુમાં લેવાની કામગીરી કરવામાં આવી રહી નથી પરંતુ હવે હાઈકોર્ટ દ્વારા બુધવારે આ મામલે રાજ્ય સરકારને કડક ટકોર કરવામાં આવી છે અને તેને કારણે હવે રાજ્ય સરકાર પણ દોડતી થવા પામી છે. રાજ્ય સરકાર દ્વારા ઢોરવાડા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

હાઈકોર્ટ દ્વારા કરાયેલા આદેશને પગલે સરકારે તાકીદના ધોરણે ઢોરવાડા સહિતની જાહેરાતો કરી દીધી છે. જેમાં 10 કરોડની જોગવાઈ કરવાથી માંડીને અન્ય પગલાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. પશુઓને રાખવા માટેની તમામ સુવિધાઓ પણ આ ઢોરવાડામાં હશે. રાજ્ય સરકાર દ્વારા ભલે ઢોરવાડા બનાવવાની જાહેરાતો કરવામાં આવી પરંતુ તેનાથી કોઈ અસર થાય તેવી સંભાવના નથી. રખડતા ઢોરની સમસ્યા એ પ્રકારે નથી કે શહેરોમાં ઢોર રખડી રહ્યા છે. રખડતા ઢોરની સમસ્યા એટલા માટે છે કે ઢોરને ચરવા માટે તબેલાથી દૂર લઈ જવામાં આવે છે અને ત્યાંથી પરત લાવવામાં આવે છે. જેમાં રસ્તાઓ પરથી ઢોર પસાર થતાં હોય ત્યારે અકસ્માતની ઘટનાઓ બને છે. ઘણી વખત પશુપાલકો દ્વારા પણ ઢોરને ચરવા માટે છોડી દેવામાં આવે છે.

આ કારણે રખડતા ઢોરની સમસ્યા મોટાપાયે ઊભી થઈ રહી છે. ઢોરપાર્ટી દ્વારા આ રખડતા ઢોરને પકડવામાં આવે છે ત્યારે પશુપાલકો દ્વારા માથાકૂટ કરીને તેને છોડાવી દેવામાં આવે છે. જેને કારણે રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ આવતો નથી.સરકારે ઢોરવાડાની જાહેરાત કરવાની સાથે પશુપાલકોને સમજાવવાની પણ જરૂરીયાત છે. જો કે, સામે ચૂંટણી હોવાથી સરકાર હાલમાં પશુપાલકોની નારાજગી વહોરી લેવા માંગતી નથી અને તેને કારણે જ સરકાર હાલમાં ઢીલું વલણ અપનાવી રહી છે. પરંતુ રખડતા ઢોરનો મામલો એટલો ગંભીર છે કે સરકારે આ મામલે આગામી દિવસોમાં ચોક્કસ નીતિ અપનાવવી જરૂરી બનશે. જો સરકાર આ મામલે ગંભીરતા નહીં અપનાવે તો આગામી દિવસોમાં રખડતા ઢોરનો મુદ્દો વિસ્ફોટક બનશે તે નક્કી છે.

Most Popular

To Top