Top News

More Posts

   The Latest

Most Popular

મેલબોર્ન: ટી-20 વર્લ્ડકપની (T-20 Worldcup) ઓસ્ટ્રેલિયામાં શરૂઆત થઇ ચુકી છે અને ગ્રુપ સ્ટેજની મેચો પછી 22મીથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી સુપર-12 તબક્કાની શરૂઆત થશે. જો કે વિશ્વભરના ક્રિકેટ (Cricket) ચાહકોની નજર 23મીએ રમાનારી ભારત અને પાકિસ્તાનની મેચ પર મંડાયેલી છે. આ મેચ માટે ક્રિકેટ ચાહકો અને દિગ્ગજોમાં ખાસ્સી ઉત્સુકતા છે અને તેની તમામ ટીકિટ ગણતરીની મિનીટોમાં વેચાઇ ગઇ હતી. જો કે આ મેચ વરસાદ ધોઇ નાંખે તેવી સંભાવના દેખાઇ રહી છે.

1992થી ભારત અને પાકિસ્તાન વચ્ચે વન ડે અને ટી-20 વર્લ્ડકપ સહિત આઇસીસી ઇવેન્ટની કુલ 13 મેચ રમાઈ છે, પરંતુ તેમાંથી એક પણ મેચ વરસાદને કારણે રદ થઈ નથી અને રવિવારે રમાનારી મેચ વરસાદને કારણે ધોવાઇ જવાની સંભાવના પહેલીવાર જણાઇ રહી છે. મેલબોર્નમાં 23 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આમ થશે તો વનડે અને ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે ભારત-પાકિસ્તાનની મેચ વરસાદને કારણે ધોવાઈ જશે.

આ મેચ સ્થાનિક સમય અનુસાર સાંજે 7.00 વાગ્યે અને ભારતીય સમય અનુસાર મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. અહેવાલો અનુસાર, રવિવારે મેલબોર્નમાં સવારે 85 ટકા, સાંજે 75 ટકા અને રાત્રે 76 ટકા વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન અને ભારત સહિત વિશ્વભરના કરોડો ચાહકોની આકાંક્ષાઓ બરબાદ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયન સરકારના સરકારી હવામાન વિભાગ અનુસાર, રવિવારે કુલ વરસાદના 80 ટકા વરસાદની અપેક્ષા છે.

મેલબોર્નમાં મેચના ત્રણ દિવસ પહેલાથી અર્થાત આજથી વરસાદ શરૂ થવાની પણ આગાહી
હવામાન વેબસાઇટના જણાવ્યા અનુસાર અનુસાર, મેચના ત્રણ દિવસ પહેલા વરસાદ શરૂ થઈ શકે છે. વેબસાઈટ અનુસાર રવિવારે સાંજે પવન 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ ફુંકાશે અને 80 ટકા વરસાદની સંભાવના છે. વેબસાઇટ અનુસાર, શુક્રવારે સવારથી મેલબોર્નમાં વાવાઝોડા સાથે વરસાદની 95 ટકા સંભાવના છે. શનિવારે પણ દિવસભર વાદળછાયું રહી શકે છે અને વરસાદ પણ પડી શકે છે. તેમજ પવન 15 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફ ફુંકાવાની શક્યતા છે. જ્યારે સવારે અને બપોરે 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન દક્ષિણ દિશામાંથી ફૂંકાય તેવી શક્યતા છે.

સિડનીમાં શનિવારે રમાનારી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મેચ પણ ધોવાઈ શકે છે
ટી-20 વર્લ્ડકપમાં સુપર-12 તબક્કાની માત્ર ભારત-પાકિસ્તાન જ નહીં, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિડનીમાં રમાનારી પ્રથમ મેચ પણ ધોવાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે સિડનીમાં ભારે 90%વરસાદની સંભાવના છે. આ વરસાદ મોટે ભાગે બપોરે અને સાંજે પડી શકે છે. સાથે જ એવું પણ કહેવાયું હતું કે આ દરમિયાન હળવા વાવાઝોડાની પણ શક્યતા છે. ટી-20 વર્લ્ડકપ દરમિયાન ગ્રુપ સ્ટેજની મેચો માટે કોઇ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયા ગયા વર્ષે ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યું હતું.

To Top