Top News

More Posts

   The Latest

Most Popular

શહેરા : શહેરાના  આંબાજટી ગામના પટેલ ફળિયાની નજીક ગૌચર જમીન માંથી  17,273 મેટ્રિક ટન  રેતીનુ ગેરકાયદે ખનન મામલે રાજેશ ઉર્ફે લાલા ભરવાડને ખાણ ખનીજ વિભાગે રૂા,58 લાખ કરતા વધુનો દંડ ફટકાર્યો છે. જ્યારે કુણ નદીમાં થયેલી રેતી ખનનને લઈને પણ ખાણ ખનીજ વિભાગ તપાસ કરશે. શહેરા તાલુકાના  ડેમલીથી બાહી માર્ગ ઊપર જવાના રસ્તા પર આવેલા  આંબાજટી ગામના પટેલ ફળિયાની નજીકમાં આવેલ ગૌચર જમીનમાંથી કેટલાક સમયથી સ્થાનિક ગામના રાજેશ જેઠાભાઇ ભરવાડ દ્વારા જે.સી.બી મશીનના મદદથી  મોટા પાયે ગેરકાયદેસર  રેતી કાઢવામાં આવી રહી હતી.

અહી ગૌચર જમીનમાં  કોઈ લીજ આવેલી  નહી હોવા છતાં  રેતી કાઢી ને નાના મોટા વાહનોમાં  ભરીને રોયલ્ટી પાસ વગર ખનીજ વહન થતુ હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરાઇ ન હતી. ગેરકાયદે રેતી ભરીને નીકળતાં ભારે વાહનોના કારણે ગામના પાકા  રસ્તાઓને પણ  નુકશાન જતુ હોવાથી અને ગેરકાયદે ખનીજ ખનન અટકાવવા  માટે જાગૃત નાગરીક દ્વારા ખાણ ખનીજ વિભાગ ને જાણ કરાઇ હતી. જેને લઇને  ખનીજ વિભાગની ટીમે  ગેરકાયદે રેતી ખનન પર ઓચિંતી તપાસ હાથ ધરતા મોટાપાયે ગેરકાયદે રેતી ખનન કર્યું હોવાથી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

હાલ તો  17,273 મેટ્રિક ટન   ગેરકાયદે ખનીજ ખનન ને લઇને રાજેશ  ભરવાડને રૂ. 58 લાખથી વધુનો દંડ કરેલ હોવાનુ ખાણ  ખનીજ વિભાગ પાસેથી જાણવા મળ્યું હતું. જે રીતે ગૌચર જમીનની આજુબાજુ મા પણ તેમજ કુણ નદીમાં મોટાપાયે ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર રેતી કાઢવામાં આવી રહી હોય ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ મામલે  તપાસ કરીને વધુ દંડ કરવામાં આવે તે સ્થળ પરની પરિસ્થિતિ ને જોતા જરૂરી લાગી રહયુ છે.જ્યારે  હાલ પણ અહીથી પસાર થતી કુણ નદીમાં તેમજ અન્ય વિસ્તારમાં  રેતી કાઢવામાં આવી રહી હોય ત્યારે ખનીજ ચોરી અટકાવવા માટે સંબંધિત તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે.

લાલા ભરવાડ રોયલ્ટી પાસ વિના વાહનોમાં રેતી ભરી આપતો હતો

ગેરકાયદે રેતી ખનન કરનાર રાજેશ ઉર્ફે લાલા ભરવાડ રોયલ્ટી પાસ  વગર ગેરકાયદે અહીંથી હાઇવા, ટ્રેક્ટર સહિતના વાહનોમાં રેતી ભરી આપતો હતો. અમુક ખનીજ ભરેલ વાહનોમાં  નંબર પ્લેટ નહીં હોવા સાથે ઓવરલોડ ખનીજ ભરેલા હોય તેમ છતાં શહેરા અને ગોધરા ખાતે  આવેલા સંબંધિત કચેરી અને પોલીસ સામેથી પસાર થતા હોય છે.

ખનનથી સરકારી તિજોરીને નુક્સાન

રાજેશ ઉર્ફે લાલા ભરવાડ એ તંત્રની મંજૂરી વગર  રેતી ખનન કરતો હોવાથી સરકારી તિજોરીને મસમોટું નુકશાન જતુ હોય ત્યારે જિલ્લા ક્લેક્ટર તેમજ  ખાણ ખનીજ વિભાગ સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા પણ આ ઉપરોક્ત બાબતને વધુ  ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી છે.

તંત્ર દ્વારા કયારે કાર્યવાહી કરાશે…!

ગૌચર જમીનમાં રેતી  કાઢવા માટે  જે.સી.બી  મશીનનો ઉપયોગ કરતો હોવાનું જાણવા મળેલ હોય ત્યારે  ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનીજ ખનન મામલે આ સામે પણ વધુ તપાસ હાથધરીને કાર્યવાહી  કરવામાં આવવી જોઈએ. ત્યારે જોવું રહયુ કે તંત્ર દ્વારા કયારે આ સામે  કાર્યવાહી કરે છે.

ખનીજચોરોને એક કરોડથી વધુ દંડ કરો

ગૌચર જમીનમાં મોટાપાયે ખનિજ ખનન  થયું હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા દંડ ફટકારાયો છે. તેની જગ્યાએ વધુ તપાસ હાથ ધરીને એક કરોડથી વધુનો દંડ ખાણ  અને ખનીજ વિભાગ દ્વારા કરાય તો ખનીજ ચોરો માટે દાખલારૂપ કાર્યવાહી બની શકે તો નવાઈ નહી..

2015માં ખાણખનીજ ખાતાની ટીમ ઉપર હુમલો કરાયો હતો

રાજેશ ભરવાડે ગેંગ બનાવીને  વર્ષ 2015માં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરતા શહેરા પોલીસ મથકમાં ફરિયાદ  નોંધાઈ  હતી. સરકારી કર્મીઓ પર હુમલો કરનાર રાજેશ ભરવાડ સામે પોલીસ મથકમાં ફરિયાદ પણ થઇ ચૂકી હોય તો કાર્યવાહી થાય માટે કલેકટર દ્વારા વધુ તપાસ માટે આદેશ આપે તે જરૂરી છે.

ખનીજ ભરેલા વાહનો પર તાડપત્રી બાંધેલી હોતી નથી

શહેરા –ગોધરા જેવા  ભરચક વિસ્તારમા હાલમાં પણ  રોયલ્ટી પાસ વગર રેતી ભરેલ વાહન પસાર થતા હોય છે. માર્ગ ઉપર થી  પસાર થઈ રહેલ  ખનીજ ભરેલ વાહનોને તાડપત્રી ન બાંધતા સહિત ઓવરલોડ ખનીજ ડાલા સુધી ભરેલા હોવાથી  પાછળ ચાલતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહેતો હોય છે.

ખનીજ ચોરો સામે કાર્યવાહી કરવા કલેક્ટર આદેશ કરશે..?

તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલ જમીન અને નદીમાંથી  ગેરકાયદેસર રીતે  ખનીજ કાઢીને વાહનોમાં રોયલ્ટી પાસ વગર ખનિજ વહન થતુ હોવાથી  સરકારી તિજોરીને મસમોટું નુકશાન થયું છે. છતાં જવાબદાર તંત્રના સરકારી બાબુઓને આ સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર આદેશ કરશે.તેવા  અનેક સવાલો જાગૃત નાગરિકો મા ચર્ચાનો મુદ્દો બન્યો છે.

To Top