Dakshin Gujarat

ઝઘડિયાની કંપનીનો 20.97 લાખનો કોસ્ટિક સોડાનો માલ મુંબઈ પહોંચે એ પહેલા જ ગાયબ

ઝઘડિયા: ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં (GIDC) આવેલી ડી.સી.એમ. (DCM Company) કંપનીમાંથી ૨૦.૯૭ લાખનો કોસ્ટિક સોડા (Caustic soda) લઇ મુંબઈ ખાતે નીકળેલા ટ્રકના ચાલકે બારોબર સગેવગે કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. મુંબઈના પિવિલિયન બિલ્ડિંગ ખાતે રહેતા જય વિજય નગીનદાસ મહેતા કેમિકલ ટ્રેડરનો વ્યવસાય કરે છે. તેમનો ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલી ડી.સી.એમ. કંપનીમાં મુંબઈ સુધી માલ પહોંચાડવાનો મહિનાનો કોન્ટ્રાક્ટ છે. જેઓએ અંકલેશ્વરના એસ ટ્રાનર્સ ઇન્ડિયા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના માલિક સમીર અહેમદ ઉમરફૈશલ શેખનો સંપર્ક કર્યો હતો અને ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલી ડી.સી.એમ. કંપનીમાં કોસ્ટિક સોડા પ્લેક્ષ-૩૦ મેટ્રિક ટન માટે ૬૦ હજારનું ભાડું નક્કી કરવામાં આવ્યું હતું.

ટ્રાન્સપોર્ટના માલિકે ચાલકનો સંપર્ક કરવાની કોશિશ કરી
કોસ્ટિક સોડા પ્લેક્ષ-૩૦ મેટ્રિક ટન ટ્રક લઇ ચાલક અમિત મુકેશ કનેરિયા ગત તા.૧૧ ઓક્ટોબરે મુંબઈ ખાતે જવા નીકળ્યો હતો. જે બાદ ચાલકનો સંપર્ક નહીં થતાં ટ્રાન્સપોર્ટના માલિકે ફરી સંપર્ક કરવાની કોશિશ કરી હતી અને અંકલેશ્વરના એસ ટ્રાનર્સ ઇન્ડિયા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના માલિક સમીર અહેમદ ઉમરફૈશલ શેખને જાણ કરતાં તેઓએ તપાસ કરતાં ટ્રક ચીખલીની સહયોગ હોટલ પાસેથી ખાલી હાલતમાં મળી આવી હતી. જેથી ટ્રકના ચાલકે તમામ ૨૦.૯૭ લાખનો મુદ્દામાલ સગેવગે કરી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વળતર નહીં ચૂકવાતાં ભરૂચની નર્મદા યોજનાની કચેરીની મિલકતો જપ્ત
ભરૂચ: જંબુસર તાલુકાના ભડકોદ્રા, કનસાગર, કલિયારી, દહેરી ગામના ખેડૂતોની જમીનનું 20 વર્ષથી વ્યાજ સાથે રૂ.9 કરોડનું વળતર નહીં ચૂકવાતાં ઓગસ્ટમાં જંબુસરની કચેરીની મિલકતો જપ્ત કરાઈ હતી. બુધવારે ભરૂચ નર્મદા યોજના એક કચેરીની મિલકતો કોર્ટ દ્વારા જપ્ત કરવામાં આવી હતી.જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર સહિતનાં ગામના ખેડૂતોને નહેર માટે સંપાદિત કરેલી જમીનનું વળતર 20 વર્ષ બાદ પણ મળ્યું ન હતું. અસરગ્રસ્ત ખેડૂતોએ વળતર બાબતે કરેલાં કેસ સંદર્ભમાં કોર્ટે જપ્તી વોરંટ કાઢતાં ગત 8 ઓગસ્ટે જંબુસર ખાતે આવેલી નર્મદા નિગમ હસ્તકની નર્મદા યોજના નહેર વિભાગ નંબર–15ની કચેરીના રાચરચીલાને જપ્ત કરી લેવામાં આવ્યું હતું. જો કે, એ બાદ પણ વળતરની કોઈ કાર્યવાહી નહીં થતાં ખેડૂતોએ વકીલ મારફત ફરી કોર્ટમાં ઘા કર્યો હતો. જેને લઈ કોર્ટે ભરૂચ નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારી કચેરી નર્મદા યોજના-1ની મિલકતો જપ્ત કરી લેવા માટે આદેશ કર્યો હતો.

Most Popular

To Top