SURAT

સુરતમાં મોટા બાપાએ જ 17 વર્ષની સગી ભત્રીજીની છાતી પર હાથ ફેરવ્યો

સુરત(Surat) : ડિંડોલીમાં મોટા બાપાએ જ તેની ભત્રીજી સાથે દુર્વ્યવહાર કરવાની શર્મનાક ઘટના બની હતી. કિશોરી સાથે મોટા બાપાએ છાતીના ભાગે સ્પર્શ કર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઇ હતી. કિશોરીના માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ દાખલ કરાવી હતી. જેઠ સંતોષ જગતરાવ શિરૂડની વિકૃત્તિ એટલી હદે હતી કે તેમની દેરાણી અને તેમની પત્ની સામે આવી ગઇ હોવા છતાં તેણે કિશોરીની છાતી પરથી હાથ હટાવ્યા ન હતા. આખરે વિકૃત જેઠની પત્ની અને દેરાણીએ ફટકારતા કિશોરી બચી ગઈ હતી.

આ મામલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે કિશોરીની માતા દૂધ લેવા ગઇ ત્યારે તેમના બે બાળકો ઘરમાં હતા. સોસાયટીના નાકે દૂધ લઇને પરત આવતા માતાએ તેની દિકરીની છાતીના ભાગે તેમના જેઠને હાથ ફેરવતા જોતા તેઓ ડઘાઇ ગયા હતા. આ ઉપરાંત કિશોરી પણ ડઘાઇ ગઇ હતી. જેઠ સંતોષ જગતરાવ સિરૂડ (રહે. ઘર નંબર 153, ગ્રાઉન્ડ ફલોર, સરસ્તવતી નગર સોસાયટી, નવાગામ) તેની સતર વર્ષની દિકરીને બારીમાંથી હાથ પકડીને તેની છાતીના ભાગ પર હાથ ફેરવતો હોવાનું તેઓએ અને તેમની જેઠાણીએ જોયું હતું. તે સમયે તેઓએ ઠપકો આપીને જેઠને દૂર રહેવા જણાવ્યું હતું પરંતુ તેઓ દૂર થયા ન હતા. દરમિયાન કિશોરીના પિતા આવતા તેઓએ સંતોષને ધક્કો મારતા કિશોરી છૂટી શકી હતી. આ મામલે કિશોરી અત્યંત ગભરાઇ જતા દંપતિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

વડોદ ગામમાં 61 વર્ષના મકાનમાલિકે 8 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાં
સુરતઃ વડોદ ગામમાં બે દિવસ પહેલાં ભાડાના મકાનમાં રહેવા આવેલા દંપતીની 8 વર્ષની દીકરીની મકાનમાલિકે માતા-પિતાની ગેરહાજરીમાં અડપલાં કર્યાની ઘટના સામે આવી છે. પાંડેસરા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધને ટકોર કરતાં દંપતી સાથે આ વૃદ્ધે મારામારી કરી હતી. દરમિયાન સામાજિક આગેવાનોએ પડદા પાછળ થતું આ સમાધાન અટકાવ્યું હોવાની વિગત જાણવા મળી છે.

વડોદ ગામમાં રહેતી સરસ્વતીદેવી (નામ બદલ્યું છે)એ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલાં જ તે પરિવાર સાથે ભાડે રહેવા આવી હતી. આ પહેલાં તેઓ બીજા મકાનમાં ભાડે રહેતાં હતાં. મહિલા અને તેનો પતિ પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં સાથે નોકરી કરે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. મોટી દીકરી 8 વર્ષની છે અને ધોરણ-૧માં અભ્યાસ કરે છે. ગઈકાલે દંપતી નોકરી પર ગયું હતું. સાંજે ઘરે આવ્યા ત્યારે 8 વર્ષીય દીકરીએ રડતાં રડતાં માતા-પિતાને મકાનમાલિક રામબહાદુર પાલની કરતૂત જણાવી હતી કે, બપોરે આપણા રૂમના આગળના ભાગે મારી પાસે આવ્યા અને મારો હાથ પકડીને મને તેમના રૂમમાં લઇ ગયા હતા. અને રૂમમાં લઇ જઇ બાળકી સાથે અડપલાં કર્યાં હતાં.

બાળકીએ જોરજોરથી અવાજ કરતાં રામબહાદુરે તેને છોડી મૂકી હતી. અને બાળકી તેના રૂમમાં ભાગી ગઈ હતી. જેથી સરસ્વતીદેવીએ રામબહાદુર પાલને તેં મારી દીકરી સાથે શું કામ અડપલાં કર્યા? એમ પૂછતાં તેણી સાથે ઝઘડો કર્યો હતો. અને પછી છૂટા હાથની મારામારી કરી હતી. જેથી સોસાયટીના રહીશે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ રામબહાદુરને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. અને રામબહાદુર રામપ્રકાશ પાલ (ઉં.વ.૬૧) (હાલ રહે.,પ્લોટ નં.૨૦૫, ઇન્દિરાનગર, ગણેશનગર, આંબેડકર, વડોદ ગામ, પાંડેસરા, સુરત, મૂળ રહે.,ગામ-બેરી, તા.કૌરાવ, જિ.પ્રયાગરાજ, યુ.પી.)ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

વૃદ્ધે કહ્યું: ‘મકાન ખાલી કરવા કીધું એટલે મારી સામે આક્ષેપો કરાયા’
દરમિયાન રામબહાદુર પ્રકાશે કહ્યું હતું કે, મકાન ખાલી કરવા જણાવતાં મારા પર આક્ષેપ કરવામાં આવ્યા છે. આ વાતમાં કોઇ વજૂદ નથી. મેં બાળકી પર હાથ નથી ફેરવ્યો. ઘટનાના 3 દિવસ પછી આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે તે બતાવે છે કે તેઓ નિર્દોષ છે. પીઆઇ કામલિયાએ આ મામલે તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top