Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં ચાલી રહેલા આંતરિક ફેરફારો વચ્ચે ભારતીય ટીમ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે. BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું છે કે ભારત 2023માં એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. અગાઉ એવી અટકળો હતી કે ટીમ ઈન્ડિયા આ શ્રેણી માટે પાકિસ્તાન જઈ શકે છે. મંગળવારે બીસીસીઆઈની એજીએમમાં ​​ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આમાંથી એક મુદ્દો એશિયા કપ 2023નો(Asia Cup 2023) હતો. જય શાહ બીસીસીઆઈના સચિવ તેમજ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ છે.

AGMમાં જય શાહે જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન રમવા જશે નહિ. વર્ષ 2023માં પાકિસ્તાનમાં યોજાનારા એશિયા કપનું સ્થળ બદલીને કોઈ ન્યૂટ્રલ વેન્યુ પર આયોજન કરવામાં આવે તેવો વિચાર છે. બન્ને દેશ વચ્ચે રાજકીય ટેન્શનને કારણે આ નિર્ણય લીધો હોવાનું જય શાહે જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ યોજાવાનો છે, એટલે હવેનો એશિયા કપ પણ વન-ડેના ફોર્મેટમાં જ રમાડાશે. જોકે આ ટૂર્નામેન્ટની તારીખ હજુ સુધી નક્કી નથી થઈ. ટૂર્નામેન્ટ કદાચ જૂન અથવા તો સપ્ટેમ્બરમાં રમાઈ શકે છે. આ અગાઉ ચાલુ વર્ષ 2022નો એશિયા કપ T20 વર્લ્ડ કપ પહેલા સમાપ્ત થઈ ગયો છે, જ્યાં શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું. આ એશિયા કપ UAE માં યોજાયો હતો, તે પહેલા શ્રીલંકામાં યોજાવાનો હતો પરંતુ ખરાબ પરિસ્થિતિને કારણે તેને UAE શિફ્ટ કરવો પડ્યો હતો.

પાકિસ્તાન બોર્ડને થશે મોટું નુકસાન
જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન (Pakistan) ન જવાનો નિર્ણય લે છે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે તે મોટો ઝટકો હશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અહીં યજમાન તરીકે ઘણું કમાઈ શક્યું હોત, પરંતુ હવે તે તેમના માટે ખોટ સમાન હશે. કારણ કે જો ટીમ ઈન્ડિયા પીછેહઠ કરશે તો સ્થળ બદલવું પડશે.

છેલ્લે 14 વર્ષે પહેલાં ભારતની ટીમ પાકિસ્તાનમાં રમવા ગઈ હતી
ભારતીય ક્રિકેટ ટીમ 14 વર્ષથી પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા ગઈ નથી. ભારતીય ટીમ છેલ્લે 2008માં પાકિસ્તાનમાં રમી હતી. ત્યાર બાદ બન્ને ટીમ ICC અને ACC ઇવેન્ટ્સમાં જ એકબીજા સામે રમે છે. બન્ને ટીમ વચ્ચે છેલ્લી બાઈલેટરલ સિરીઝ 2012-13માં રમાઈ હતી. ત્યારે પાકિસ્તાન ભારત રમવા આવ્યું હતું. છેલ્લી મેચની વાત કરીએ તો બન્ને ટીમ છેલ્લે 4 સપ્ટેમ્બરે દુબઈમાં એશિયા કપમાં આમને-સામને ટકરાઈ હતી.

એશિયા કપ 2022નું ચેમ્પિયન શ્રીલંકા
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 મેચ રમાઈ હતી, જેમાં એકમાં ભારત અને એક પાકિસ્તાને જીતી હતી. જોકે, બાદમાં બંનેમાંથી કોઈ એશિયા કપ જીતી શક્યું ન હતું અને શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું. આ વખતે એશિયા કપ 20-20 ફોર્મેટમાં રમાયો હતો. જો BCCIની AGMની વાત કરીએ તો આ મહત્વની બેઠકમાં બોર્ડ માટે નવા પ્રમુખ મેળવવા સહિત ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. રોજર બિન્ની હવે સૌરવ ગાંગુલીના સ્થાને BCCIના નવા પ્રમુખ બન્યા છે. રાજીવ શુક્લા ઉપપ્રમુખ, જય શાહ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી દેવજીત સાયકિયા, ટ્રેઝરર આશિષ શેલાર બન્યા છે.

To Top