Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીનો બે દિવસીય ગુજરાત (Gujarat) પ્રવાસ આજથી પૂર્ણ થયો છે, જેના પગલે હવે ભાજપ (BJP) તથા કોંગ્રેસની (Congress) નેતાગીરી ઉમેદવારોની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું (Election) કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી રાજકીય નેતાઓની ભરમાર વચ્ચે પ્રચારમાં ઇન્ટરવલ આવ્યો છે. દિવાળીના તહેવારો પછી ફરીથી રાજકીય પાર્ટીના નેતાઓ ગુજરાતમાં ધામા નાંખશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રવાસનો આજે અંત આવ્યો છે. હવે ચૂંટણી શિડ્યુઅલનું કાઉન્ટડાઉન શરૂ થયું છે.

ગુજરાતમાં લોકાર્પણ અને ભૂમિપૂજનના સંખ્યાબંધ કાર્યક્રમો છેલ્લા બે મહિનામાં થયાં છે. વડાપ્રધાન સહિત ડઝનબંધ કેન્દ્રીય નેતાઓએ ગુજરાતને વિકાસના કામોના બહાને ધમરોળ્યું છે. ભાજપની નિષ્ફળ ગયેલી ગૌરવ યાત્રા પણ પૂર્ણ થઇ રહી છે. ગુજરાતમાં ચૂંટણી સમીક્ષા માટે આવેલી ભારતના ચૂંટણી પંચની ટીમ દિલ્હી પરત ફરીને મુખ્ય ચૂંટણી કમિશનરને રિપોર્ટ આપશે, જેના પગલે કેન્દ્રિય ચૂંટણી પંચ ગમે તે સમયે ચૂંટણીની તારીખ જાહેર કરે તેવી સંભાવના છે. દિવાળીના તહેવારો શરૂ થયાં છે. લાભપાંચમ સુધી ગુજરાત તહેવારમય બનીને રહેવાનું છે. લોકો ઉત્સવમાં વ્યસ્ત હોવાથી રાજકીય સભાઓ કે રેલીઓમાં પ્રતિસાદ નહીં મળે તેવું માનીને પક્ષોએ તેમના પ્રચારના કાર્યક્રમો હાલ પુરતા સમેટી લીધા છે.
ગુજરાતમાં વડાપ્રધાનના બે દિવસનો પ્રવાસ પૂર્ણ થયો છે. ગુજરાતની ભાજપ સરકારના લોકાર્પણ અને ભૂમિપૂજનના પણ સમાપ્ત થઇ ચૂક્યાં છે. હવે ચૂંટણી જાહેર થતાંની સાથે જ આચારસંહિતા લાગુ થવાની હોવાથી સરકાર લોકાર્પણ કે ભૂમિપૂજન ઉપરાંત પ્રજાને પ્રલોભન આપતી જાહેરાતો કરી શકશે નહીં. સરકાર પર અનેક નિયંત્રણો આવી જશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ દિવાળીના તહેવારો દરમ્યાન જાહેર થવાની સંભાવના પણ નકારી શકાય નહીં, તેમ છતાં કેન્દ્રિય ચૂંટણી પંચ ગમે તે સમયે તારીખ જાહેર કરી શકે છે, કેમ કે હવે ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા પૂર્ણ થઇ છે. ચૂંટણીની જાહેરાત અને મતદાન વચ્ચે ૩૦ દિવસનો સમયગાળો કેન્દ્રિય ચૂંટણી પંચે હિમાચલમાં રાખ્યો છે. જ્યારે ૮મી ડિસેમ્બરે હિમાચલ તથા ગુજરાતમાં એક સાથે મત ગણતરી હાથ ધરાશે, તેમ મનાય છે. સૂત્રો જણાવે છે કે વિધાનસભાની ચૂંટણી નવેમ્બર અંતમાં અને બીજો તબક્કો ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં આવી શકે છે. હવે ચૂંટણી જાહેર થયા પછી કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસના કાર્યક્રમો ઘડવામાં આવશે.

To Top