Top News

More Posts

   The Latest

Most Popular

પિતામહ બ્રહ્માજી વ્યાસજીના મનનો આ ભાવ જાણી ગયા. ભગવાન વ્યાસની લોકકલ્યાણની ભાવના જાણીને પિતામહ બ્રહ્માજી તેમના આશ્રમ પર પધાર્યા. પિતામહ બ્રહ્માજીના દર્શન પામીને ભગવાન વ્યાસ આનંદ અને આશ્ચર્યથી પ્રસન્ન થયા. વ્યાસજી બ્રહ્માજીને પ્રણામ કરે છે, તેમનું સ્વાગત-પૂજન કરે છે અને તેમને યથોચિત આસન અર્પણ કરે છે. પિતામહ બ્રહ્માજીની આજ્ઞાથી ભગવાન વ્યાસ તેમની સમીપ જ આસન ગ્રહણ કરે છે. તેમના હૃદયમાં આનંદનો સાગર ઉમટયો છે. પરમ જ્ઞાની અને પરમ તેજસ્વી વ્યાસજી બંને હાથ જોડીને બ્રહ્માજી સમક્ષ નિવેદન કરે છે, “હે બ્રહ્મન! હે પિતામહ ! ભગવદ્ પ્રેરણાથી મેં સંપૂર્ણ લોકોમાં અત્યંત પૂજનીય એક મહાન કાવ્યની ૨ચના કરી છે. હે ભગવાન! આ મહાકાવ્યમાં સંપૂર્ણ વેદોના ગુપ્તતમ રહસ્યો અને અન્ય સર્વ શાસ્ત્રોનો સારભાગ સંકલિત કરીને સ્થાપિત કરેલ છે. આ મહાગ્રંથમાં ઇતિહાસ અને પુરાણોનું મંથન કરીને તેમના પ્રશસ્તરૂપને પ્રગટ કરેલ છે.”

ભગવાન વ્યાસ આગળ કહે છે, ‘‘પિતામહ ! આ મહાન ગ્રંથમાં અધિકાર ભેદે ભિન્ન ભિન્ન ધર્મો, ચાર આશ્રમ, ચાર વર્ણ, તપશ્ચર્યા, બ્રહ્મચર્ય, પૃથ્વી, ચન્દ્રમા, સૂર્ય ગ્રહ, નક્ષત્ર, તારા, ચાર યુગ, ચાર વેદ, અધ્યાત્મ શાસ્ત્ર, દર્શન, ન્યાય, યોગ, સાંખ્ય, શિક્ષા, ચિકિત્સા, દાન, દેવ, મનુષ્ય, તીર્થો, નદીઓ, પર્વતો, વનો, સમુદ્ર, યુદ્ધવિદ્યા, રાજનીતિ, મોક્ષધર્મ, ગીતા, નીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર આદિ અનેક અને અનેકવિધ વિષયોનું વિશદ કથન કરવામાં આવ્યું છે.’’ મહાભારત ગ્રંથના સ્વરૂપનું કથન કર્યા પછી ભગવાન વ્યાસ અંતે બ્રહ્માજીને કહે છે,‘પિતામહ! હવે મારી ચિંતા એ છે કે આ મહાન ગ્રંથને લિપિબદ્ધ કરશે કોણ ? આ ગ્રંથને લિપિબદ્ધ કરી શકે તેવા કોઈ પુરુષ મને જણાતા નથી.”

પિતામહ બ્રહ્માજી વ્યાસજીના આ મહાન ગ્રંથની પ્રશંસા કરે છે, અનુમોદન આપે છે અને પછી કહે છે,
काव्यस्य लेखनार्थायगणेश: स्मर्यतां मुने ।
एवमाभाष्य तं ब्रह्मा जगाम स्वं निवेशनम् ।।
 મહાભારત, વિપર્વ : ૧-૭-૮ “હે મુનિવર્ય ! આ મહાકાવ્યના લેખનકાર્ય માટે આપ ગણેશજીનું સ્મરણ કરો.’’ આ પ્રમાણે વ્યાસજીને કહીને બ્રહ્માજી પોતાના સ્થાને ચાલ્યા ગયા. પિતામહ બ્રહ્માજીના આદેશ પ્રમાણે ભગવાન વ્યાસ ગણેશજીનું સ્મરણ કરે છે. ભગવાન વ્યાસના ભાવસભર સ્મરણથી પ્રસન્ન થઈને વિઘ્નેશ્વર ગણેશજી તેમની સમક્ષ પ્રગટ થાય છે. વ્યાસજી ગણેશજીનું સ્વાગત-પૂજન કરે છે. ગણેશજી આસન ગ્રહણ કરે છે. પછી વ્યાસજી ગણેશજીને પ્રાર્થના કરે છે. – “હે ગણનાયક ! મેં ‘મહાભારત’ નામના બૃહદ અને મહાન ગ્રંથરાજની રચના કરી છે, મારા દ્વારા નિર્મિત આ ગ્રંથરાજને લિપિબદ્ધ કરવા માટે આપ લિપિકા૨ અર્થાત્ લહિયા બનો તેની પ્રાર્થના છે. હું બોલું તેને આપ શબ્દબદ્ધ કરો.”

ભગવાન વ્યાસની આ પ્રાર્થના સાંભળીને ગણેશજી કહે છે,  “વ્યાસજી ! લખતી વખતે મારી લેખિની એક ક્ષણ માટે પણ અટકવી જોઈએ નહિ. આ શરત પ્રમાણે હું આપના આ મહાન ગ્રંથનો લહિયો બનવા તૈયાર છું.” ભગવાન વ્યાસ ગણેશજીની આ શરત માન્ય કરે છે અને સામી શરત મૂકે છે, ‘‘ગણેશજી ! વિના સમજ્યે આપ એક અક્ષર લખશો નહિ. જે કાંઈ લખો તે સમજીને જ લખવાનું છે.’’ ગણેશજીએ ‘ઓમ’ કહીને આ શરત માન્ય રાખી અને આમ ગણેશજી ભગવાન વ્યાસજીના લહિયા બન્યા. મહાભારત લખાવતી વખતે વચ્ચે વચ્ચે ભગવાન વ્યાસ ગૂઢાર્થયુક્ત કૂટશ્લોકની રચના કરીને લખાવતા. ગણેશજી આવા કૂટશ્લોકનું રહસ્યાર્થ સમજવા માટે થોડો સમય વિચાર કરતા. આ સમય દરમિયાન ભગવાન વ્યાસ નવા શ્લોકોની રચના કરી લેતા અને આમ મહાભારતનું લેખનકાર્ય આગળ ચાલ્યું અને પરિપૂર્ણ પણ થયું. એક મહાન ગ્રંથ લિપિબદ્ધ થયો. આ મહાન ગ્રંથ મહાભારતમાં 8,800 શ્લોકો એવા છે, જે અતિ ગહન અને ગૂઢ અર્થથી પરિપૂર્ણ છે. ભગવાન વ્યાસ પોતે જ કહે છે –

अष्टौ श्लोक सहस्राणि अष्टौ श्लोक शतानिच । अहं वेद्मि शुको वेत्ति संजयो वेत्ति वा नवा ।।
महाभारत, आदिपर्व : १-८१
“આ ગ્રંથમાં 8,800 શ્લોક એવા છે, જેમનો અર્થ હું જાણું છું, શુકદેવ જાણે છે અને સંજય જાણે છે કે નહીં, તે શંકાસ્પદ છે.”
સ્વાભાવિક રીતે જ આપણા મનમાં એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ મહાન ગ્રંથની રચના ભગવાન વ્યાસે કેટલા સમયગાળામાં કરી હશે?
આ પ્રશ્નનો ઉત્તર પણ મહાભારતમાં છે.
त्रिभिर्वर्षे सदोत्थायी कृष्ण द्वैपायनो मुनिः । महाभारतमारण्यानं कृतवानिदमद्भुतम् ।।
महाभारत, आदिपर्व, ६२-५२
‘પ્રતિદિન પ્રાતઃ કાલે જાગ્રત થઈને ગ્રંથનું નિર્માણ કરનાર મહામુનિ કૃષ્ણ દ્વૈપાયને મહાભારત નામના આ અદભુત ગ્રંથનું સર્જન ત્રણ વર્ષમાં પરિપૂર્ણ કર્યું છે.’

To Top