Charchapatra

આકાશી કિતાબના આદેશ

માનવરચિત બંધારણમાં સુધારાવધારા કે નવેસરથી રચના શકય છે, પણ જયારે આકાશી કિતાબને સમસ્ત વિશ્વના અબજો અનુયાયીઓ, વિદ્વાનો સંપૂર્ણપણે દિલોજાનથી માનતા હોય, અનુસરતા હોય તો શેષ તમામે તેનો આદર અને સ્વીકાર કરવો જોઇએ. હજારો વર્ષની માનવ સંસ્કૃતિમાં ઘણા ધર્મો ઉદ્‌ભવ્યા, સદાચાર, માનવતા, સભ્ય સમાજના આદર્શો સ્થાપિત કર્યા. રાજસત્તાધારી ન્યાયાધીશોના કાર્યક્ષેત્રની બહારનો તે વિષય છે અને તેની ઉપર જે તે ધર્મના માન્ય ધર્મગુરુ જ મંતવ્ય આપી શકે. ભારતમાં આવા સત્યને જ અન્યાય થયો છે. દેશના કાયદાની અદાલતોનું કાર્યક્ષેત્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદાઓનું અર્થઘટન કરવાનું છે, તેમને ધર્મના પ્રવર્તકો કે ધર્મગુરુઓ દ્વારા ઘડવામાં આવેલ ધાર્મિક નિયમોનું, આકાશી કિતાબના આદેશોનું અર્થઘટન કરવાની સત્તા ભારતીય સંવિધાને આપી નથી, છતાં ભારતીય અદાલતોના જજો દ્વારા કાળક્રમે તે સત્તા હસ્તગત કરી લેવામાં આવી છે.

સંવિધાનની કલમો પચ્ચીસ એક અને છવ્વીસ બી દ્વારા કોઇ પણ ધાર્મિક સંપ્રદાયને તેમની ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સત્તા અપાઇ છે, તે માટે ધાર્મિક ક્રિયા જેવો ભેદ પાડવામાં આવ્યો નથી. છતાં અદાલતો આવો ભેદ પાડે છે. માનવસહજ દિલોદિમાગની ભંડારાયેલી વૃત્તિ, વિજાતીય આકર્ષણથી જાગતી કામેચ્છાનું જોખમ ટાળવા ઘુંઘટ, લાજ, પરદો, હિજાબ મહિલા માટે જરૂરી બને છે. હિજાબ માટે કર્ણાટક હાઇકોર્ટનો ચુકાદો માત્ર ઇસ્લામ માટે જ નહીં પણ ભારતના તમામ ધર્મો માટે હાનિકારક છે, કારણ કે ન્યાયાધીશોએ ધર્મગુરુઓ કરતાં વધુ સત્તા ધારણ કરી લીધી છે. હિજાબ રિવાજ ઉપરાંત નમાઝ માટે મસ્જીદની આવશ્યકતા, કુરબાની વગેરે મૂળભૂત આસ્થા બાબતો અંગે પણ ન્યાયાધીશો અન્યાયી રીતે વિધાન કરે છે. એકમાત્ર ઇસ્લામમાં કુરઆન શરીફને આકાશી કિતાબ તરીકે રજૂ કરી તેના આદેશોના ચુસ્તપણે પાલનનો દૃઢ આગ્રહ રાખવામાં આવ્યો છે અને તેનાથી જ સાચા ઇમાનને માન્યતા મળે છે. વસિમ રિઝવી જેવા ગુમરાહ માણસો ખોટા વિવાદ ઊભા કરે છે. કુરઆન શરીફની તમામ આયતો પંકિતઓ આકાશી અવતરણ સદાકાળ માટે છે તેમાં ચંચુપાત ન થાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી       – નીરુબેન બી. શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top