Business

આજના શિક્ષણમાં નીતિનું સ્થાન રદ

આજે શિક્ષણ વધ્યું છે તે છતાં મનુષ્યને ન શોભે તેવા પ્રસંગો સમાજમાં થતા જોવા મળે છે. શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન એ જ માની લેવાયું છે. શિક્ષણ સાથે નીતિ પણ સંકળાયેલી છે તે આપણે ભૂલી ગયા. નીતિ વિનાના શિક્ષણનો કશો જ અર્થ નથી તેનો અનુભવ હવે લોકોને થવા લાગ્યો છે. શિક્ષિત માણસ એટલે યુનિવર્સિટીનું ઊંચુ શિક્ષણ લીધું તે જ નથી પરંતુ તેની સાથે માણસને શોભે તેવા ગુણો પણ જરૂરી છે. આજે તો અતિશિક્ષિત પણ સમાજનો દ્રોહ કરે તેવા કામો કરતો જોવા મળે છે. નીતિનું શિક્ષણ તો શાળા કોલેજોમાં જરૂરી છે. મૂળ તો નીતિનું શિક્ષણ ઘરમાં જ અપાય તે ઉત્તમ છે. કુટુંબમાં ઉછરતા બાળકને જ નાના મોટા પ્રસંગો પર કેવું વર્તન કરવું એ માબાપ કે વડીલો જો બતાવતા રહેશે તો જ સુખી સમાજનું નિર્માણ થઇ શકશે. શિક્ષણમાંથી નીતિનું શિક્ષણ ધીમેધીમે ઘટતું જાય છે એ ચિંતાનો વિષય છે. આ કામ શિક્ષણ સંસ્થાઓ ન કરશે તો કોણ કરશે? નીતિનું શિક્ષણ ઘરમાં જ અપાય તે સમજી લેવાની જરૂર છે.આપણી આગલી પેઢી પાસે શાળા કોલેજનું શિક્ષણ નહિવત્‌ હતું પરંતુ લગભગ પ્રત્યેક ઘરમાં વડીલો જ બાળકને નીતિના પાઠ વિવિધ પ્રસંગોથી શીખવતા હતા. આમ શાળા કોલેજનું શિક્ષણ ન લીધેલી પેઢીના લોકો ઘરે ઘરે જોવા મળશે અને તેઓએ જ પોતાનાં સંતાનોને નીતિનું શિક્ષણ ઘરમાં જ આપ્યું છે.

તેથી પ્રત્યેક ઘરમાં જાગૃત માતા-પિતા જ બાળકની શાળા બની જતા. નીતિનું શિક્ષણ મળેલી પેઢી આજે પણ ઘરે ઘરે જોવા મળે છે. સમાજ નીતિના પાયા પર ચાલે છે. આજના શિક્ષણમાં નીતિનું સ્થાન રદ થઇ ગયું છે. નીતિ વિનાનો ખૂબ ભણેલો સમાજ દેશ કે માનવજાતને ઉપકારક બનતો નથી. આજના માતાપિતાને સંતાનો સાથે રહેવાનો સમય નથી તેથી એ જ બાળક જયારે યુવાન બનશે ત્યારે તેની પાસે તો નીતિની ભૂમિકા જ નથી. નીતિવાનને વેદિયા કહી ઉતારી પાડવામાં આવે છે. આપણે આવતીકાલનો કેવો સમાજ રચવો છે તેની ભૂમિકા તો આપણા બાળકો કેવી રીતે વર્તે છે તેના પર રહેશે. શાળા કોલેજોમાં ભણતા આપણા સંતાનો સાથે ગાઢ સંપર્ક રાખવો જોઇએ તો જ ઊંચેરા મૂલ્યોની સ્થાપના તેઓના જીવનમાં કરી શકાશે. છોકરાને ધંધો મળી ગયો અને આર્થિક રીતે તે ગોઠવાઇ ગયો એ જ કંઇ સુખ લાવી ન શકે પરંતુ ધંધાની સાથે નીતિનું સ્થાન પણ અગત્યનું છે. જે કુટુંબમાં નોકરી ધંધા સાથે નીતિ પણ જોડાયેલી છે ત્યાં નીતિને લઇને જ તે સુખમય સંસાર રચી શકશે. પૈસો-એકલો પૈસો કંઇ સુખ આપી નથી શકવાનો પરંતુ તેની સાથે નીતિ જ સુખમય સંસાર રચી શકશે. સુખનું વાતાવરણ નીતિથી જ રચી શકાય છે એ ભૂલવાની જરૂર નથી.

Most Popular

To Top