Business

અવધ મેં આનંદ ભયો.. જય રઘુવીર લાલ કી….

અયોધ્યાના રઘુવંશી રાજા દશરથ ત્રણ-ત્રણ પત્ની હોવા છતાં સંતાનસુખથી વંચિત હતા તેથી વ્યથિત રહેતા હતા. ઋષિ વશિષ્ઠે તેમને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવાની સલાહ આપતા રાજા દશરથે તેમના જમાઇ મહર્ષિ ઋષ્યશૃંગ પાસે યજ્ઞ કરાવ્યો તેની ફલશ્રુતિ સ્વરૂપે યજ્ઞકુંડમાંથી એક દિવ્ય પુરુષ હાથમાં ખીરની કટોરી લઇ પ્રગટ થયા અને રાજા દશરથને આ ખીરની કટોરી તેની ત્રણેય રાણીઓને ગ્રહણ કરવા આપી. આ ખીર ખાવાથી ત્રણેય રાણીઓએ ગર્ભ ધારણ કર્યો અને પૂરા મહિને રાણી કૌશલ્યા દ્વારા ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામ પ્રગટ થયા. તો રાણી કૈકયીએ ભરતને અને સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો. મહાકાવ્ય રામાયણમાં આવતી રામજન્મ કથાઓનો આ અંશ છે.

શ્રી રામ ચૈત્ર શુકલ પક્ષની નવમીના રોજ પુનર્વસુ નક્ષત્ર અને કર્ક લગ્નમાં પ્રગટ થયા હતા. રામજન્મોત્સવ એટલે રામનવમી. જે સામાન્ય રીતે માર્ચ- એપ્રિલમાં આવતો સનાતન ધર્મનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. હજારો વર્ષથી પ્રતિવર્ષ ચૈત્ર સુદ નોમની તિથિએ ભારતભરમાં ઉજવાતો આ તહેવાર છે. માત્ર ભારતભરમાં જ નહિ વિદેશોમાં પણ જયાં સનાતની વસ્યા છે ત્યાં મંદિરો પણ બન્યાં છે. એવા દરેક મંદિરો ઉપરાંત વિવિધ દેશોના ઇસ્કોન તથા સ્વામીનારાયણ મંદિરોમાં પણ ધામધૂમથી રામજન્મોત્સવ  ઉજવાય છે. યોગાનુયોગ આ દિવસે સ્વામીનારાયણ જયંતી પણ હોય છે એટલે સ્વામીનારાયણ મંદિરોમાં બેવડા ઉત્સાહથી આ ઉત્સવો ઉજવાતા હોય છે. ભગવાન શ્રી રામ માત્ર એક અવતાર નથી. જનસમાજ માટે એક ઉત્તમ પ્રેરણા છે. શ્રી રામનું જીવન સમગ્ર માનવજાત માટે એક શ્રેષ્ઠ સંદેશ છે.

ભગવાન શ્રી રામને એક કલ્પિત પાત્ર કહેનારા માત્ર પોતાના રાજકીય રોટલા જ શેકવા સિવાયનું કશું નથી કરતા. ૨૦૦૦ વર્ષ પહેલાંના અખંડ ભારતમાંથી સ્વતંત્ર થયેલા બૌધ્ધ અને મુસ્લિમ દેશોના લોક સાંસ્કૃતિક ગ્રંથોમાં ભગવાન રામ હજુ યે અંકિત થયેલા જોવા મળે છે. ઇન્ડોનેશિયાનો તો રામ પ્રત્યેનો આદર જાણીતો છે ત્યાં પ્રતિવર્ષ રામલીલાનાં ભવ્ય આયોજનો થાય છે. મલેશિયા મુસ્લિમ દેશ હોવા છતાં ઉત્સાહભેર રામલીલા ઉજવે છે. સીતાજી મિથિલાનાં હતાં તેથી નેપાળનો રામાયણકાળ સાથે સીધો સંબંધ છે. થાઇલેન્ડમાં રામના મુખોટા પહેરીને ઉજવાતી રામલીલા આજે પણ લોકપ્રિય છે. બર્મા અને મ્યાનમાર અંગ્રેજોના આગમન પહેલાં ભારતનો હિસ્સો હતા તેથી રામ અને રામાયણને માનનારો એક મોટો વર્ગ આજે પણ છે. એ સિવાય લાઓસ, કંપુચિયા, કંબોડિયા, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને જાવા – સુમાત્રા દેશોમાં પણ શ્રીરામને આદર્શ માનનારા લોકો છે. જાણીતા પુરાતત્ત્વ શાસ્ત્રી શ્રી રામ અવતારજીએ રામાયણમાં દર્શાવેલા ૨૦૦ થી વધુ સ્થળો શોધી કાઢયાં છે જે તત્કાલીન નામો સાથે વર્તમાને પણ એ જ નામથી ઓળખાય છે. આવતા રવિવારે તા. ૧૦મીએ ચૈત્રી નવરાત્રીના અંતિમ દિવસે રામનવમી ઉજવાશે. તિથિ પ્રારંભ તા. ૧૦મીની વહેલી સવારે ૦૧-૩૨ થી થશે અને તિથિ સમાપ્તિ તા. ૧૧મીએ બપોરે ૩-૧૫ કલાકે થશે. શુભ મુહૂર્ત તા. ૧૦મીએ સવારે ૧૧-૧૦ થી બપોરે ૧-૩૨ સુધીનું રહેશે. પ્રાંત મુજબ થોડી મિનિટો આગળ -પાછળ હોઇ શકે છે. શુભ મુહૂર્તનો સમય પાઠ-પૂજા ઇત્યાદિ શુભકાર્ય માટે ફળદાયી રહેશે.

આ વખતે અયોધ્યામાં રામનવમી મહોત્સવ વધુ ઉત્સાહભેર વ્યાપક રીતે ઉજવાશે. એનાં બે મુખ્ય કારણ છે. એક તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ બીજી વખત સત્તારૂઢ થયા છે તો બીજી બાબત એ છે કે બે વરસથી કોરોનાકાળને કારણે અનેક મર્યાદાઓ અને સરકારી ગાઇડલાઇનનું બંધન હતું. આ વખતે હળવા વાતાવરણમાં લોકો ઉત્સાહભેર રામનવમીનો તહેવાર ઉજવવા અયોધ્યાની વાટ પકડી રહ્યાં છે. સરકારી તંત્રના અંદાજ મુજબ તા. ૯, ૧૦ અને ૧૧ દરમ્યાન ૧૫ થી ૨૦ લાખ લોકો અયોધ્યા આવશે. વિશાળ જનમેદનીની સગવડતા અને વ્યવસ્થા જાળવવા સ્થાનિક તંત્ર સજજ થયું છે. રંગબેરંગી લાઇટોથી અયોધ્યાને સજાવવામાં આવી રહ્યું છે.

ઉતારાની અને ભોજનની વ્યવસ્થા જળવાઇ રહે તેમજ સરયૂ નદીમાં સ્નાન માટે શ્રધ્ધાળુઓને અકસ્માત ના સર્જાય તે માટે કમર સુધીના પાણી હોય  ત્યાં સુધી બેરીકેડ મુકાયા છે. ઉપરાંત સુરક્ષા દળો હોડીઓ અને બોટમાં સતત દેખરેખ રાખશે. કોઇ આતંકી તત્ત્વો ગેરલાભ ના ઉઠાવે એટલા માટે છ ઝોનમાં ૨૬ સેકટર પોલીસ ડયુટી પર રહેશે. ઉપરાંત અર્ધલશ્કરી દળો, એમ્બ્યુલન્સ અનેક મહત્ત્વનાં સ્થળો પર તૈનાત કરાશે. રામલલ્લાના અસ્થાયી  મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. ચૈત્ર સુદ એકમથી વિવિધ પ્રકારની પૂજાનો પ્રારંભ કરી દેવાયો છે. રામનવમી પર ૫૬ ભોગ ધરાવવામાં આવશે. દર્શનનો સમય વધારવામાં આવશે જે સવારે ૬ થી ૧૨ અને બપોરે ૨ થી ૬ સુધીનો સમય રહેશે પણ અપેક્ષા મુજબ આટલી વિશાળ જનમેદની સરળતાથી દર્શન કરી શકે એવી વ્યવસ્થાની પ્રશાસકો માટેની જવાબદારી મોટી હશે.

Most Popular

To Top