Comments

વિપક્ષી એકતા: દેડકાંની પાંચશેરી

વિપક્ષી એકતા ઝાંઝવાનાં જળ અથવા દેડકાંની પાંચશેરી લાગે છે કારણકે વિપક્ષી એકતાની વાત આવે એટલે ઘણા બધા નેતાઓ વડા પ્રધાનપદનો મોડ માથે બાંધી મહાલવા લાગે. મોટે ભાગે પ્રાદેશિક પક્ષોના નેતાઓને આવા મનોરથ વધારે લાગે છે અને આવા વડા પ્રધાનપદના મનોરથ સેવનારા નેતાઓ ખ્યાલી પુલાવ ખાઇ આસમાનમાં ઊડવા લાગે ત્યારે તેમને જમીન પર લાવવા અઘરા થઇ જાય છે. આવા નેતાઓમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અગ્રેસર છે.

રાજકારણમાં અકળ પણ ઝનૂની લડવૈયા મમતા બેનરજી એકલે હાથે લડત આપી બંગાળમાં ત્રણ દાયકાઓથી એકચક્રી શાસન કરનાર ડાબેરી મોરચાને પરાજય આપી મુખ્ય પ્રધાન બન્યાં હતાં. તેઓ હવે આક્રોશ ધરાવનારાં અને અકળ બની ગયાં છે અને તેઓ પોતાના આ ગુણને અસ્કયામત સમજે છે, તેને પગલે તેમને રાજકીય સ્તરે અને તૃણમૂલને સમજવામાં ફાયદો થયો હોઇ શકે. તેઓ રાજયસભામાં ૧૩ અને લોકસભામાં ૨૩ સભ્યો મોકલી શકયા અને રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં તેમનું વજન વધ્યું.

વિરોધ પક્ષની એકતાની વાત આવે ત્યારે મમતા બેનરજીને તેમનો તુંડમિજાજી સ્વભાવ અને પિત્તળની ખોપરી જેવી વર્તણૂક ભાગ્યે જ મદદરૂપ થાય, બલ્કે અવળી અસર કરે છે. વિરોધ પક્ષોમાં હજી બાર બાવા અને તેર ચોકા છે ત્યારે આવી વર્તણૂક તેમને મદદરૂપ નહીં જ થાય.ભારતીય જનતા પક્ષનો સાથે મળીને સામનો કરવાને બદલે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને તેલંગણા રાષ્ટ્ર સમિતિના વડા અને તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ વિપક્ષી એકતાના ઘડવૈયા તરીકે ઉપસવા ફાંફા મારી રહ્યા છે. કોંગ્રેસની પણ એ જ મહત્ત્વાકાંક્ષા છે. તે વિપક્ષી એકતાના પ્રયાસોમાં રોડા નાંખે છે. મમતા બેનરજીને પણ વિપક્ષી એકતાના પ્રયાસમાં રોડા નાંખી આખો રોટલો ખાવો છે.

રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્ર પ્રમુખપદની ચૂંટણી એકતા માટે અવસર હતો અને સંયુકત રીતે સામનો કર્યો પણ વિપક્ષી પ્રયાસોનો યશ – અપયશ મમતાને ફાળે જ ગયો. તૃણમૂલ કોંગ્રેસે ઉપરાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો અને રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી પછી મમતા બેનરજીએ જાહેર કર્યું કે વિરોધ પક્ષના સંયુકત ઉમેદવાર યશવંત સિંહા શાસક પક્ષના ઉમેદવાર દ્રૌપદી મૂર્મુ સામે હારી ગયા પણ મેં ધાર્યું હોત તો યશવંતસિંહા માટે વધુ મત એકત્ર કરી શકી હોત.

આ ઘટનાએ વિરોધપક્ષોની એકતા સામેનાં ભયસ્થાનોમાં વધારો કર્યો છે. આમ પણ વિરોધ પક્ષની એકતા સામે કંઇ ઓછા ભય નથી. આનાથી મમતા બેનરજીનું કદ ઊંચું થયું? ના. ઉલટાનું તેમની વિપક્ષી એકતાના ચાલક બળ તરીકેની વિશ્વસનીયતા સામે સવાલ સર્જાયા છે. ઉપરાષ્ટ્રપ્રમુખપદે શાસક પક્ષના ઉમેદવાર જગદીપ ધનખડ ચૂંટાયા છે. તેઓ બંગાળના રાજયપાલ હતા ત્યારે મમતા અને તેમની વચ્ચે બારમો ચંદ્ર હતો. વિરોધ પક્ષના સંયુકત ઉમેદવાર માર્ગારેટ આલ્વા હતા. ઉપરાષ્ટ્ર પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવાર માટે પોતાના પક્ષને અળગો રાખી મમતાએ ભારતીય જનતા પક્ષના શાસન હેઠળના ગઠબંધનના નેતા નરેન્દ્ર મોદી માટે કૂણી લાગણી બતાવી છે એવી અટકળોને થોડે વેગ મળ્યો છે.

મમતા બેનરજી શારદા ચિટ ફંડ, કોલસાની ખાણ અને શિક્ષકોની ભરતી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ કે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટીગેશનની તપાસના ભયથી અંદરખાને ફફડી નથી ઊઠયા ને? કે ધનખડના મામલે કેન્દ્ર સરકારના દબાણ હેઠળ ઝૂકી ગયા છે? માર્ગોરટ આલ્વાની પસંદગી વિપક્ષના સંયુકત ઉમેદવાર તરીકે થઇ તે પહેલાં મને પૂછવામાં નથી આવ્યું એવી તેમની વાત પછીથી ઉપજાવી કાઢેલી છે.

હકીકત એ છે કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મમતા સાથે તા. ૧૫ મી જુલાઇએ એટલે કે વિપક્ષોએ માર્ગારેટ આલ્વાની પસંદગી કરી તે પહેલાં ટેલીફોન પર વાત કરી હતી અને લઘુમતીની મહિલા ઉમેદવાર મૂકવાની ચર્ચા કરી હતી તે મુજબ માર્ગારેટ આલ્વા બરાબર હતી તો મમતાએ ઉપરાષ્ટ્ર પ્રમુખના ઉમેદવારને મત આપવાના મામલે કેમ ગુલાંટ મારી? કેન્દ્ર સરકાર પાસેથી શાંતિ ખરીદવા? પોતાના ભત્રીજા અને અન્ય સાથીઓને બચાવી લેવા? તેમની આ ચેષ્ટાથી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી પણ રાજી નથી થઇ અને તેમના તુંડમિજાજી સ્વભાવને કારણે વિરોધ પક્ષોની એકતા પણ દુષ્કર બની ગઇ છે.

સંસદના ચોમાસુ સત્રમાં સરકાર સાથે એકલે હાથે લડી લેવાના તૃણમૂલ કોંગ્રેસના નિર્ણયે પરિસ્થિતિ વકરાઇ છે. મમતાએ રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી બાબતમાં પોતાના પક્ષના અભિગમનો જાહેર ખુલાસો કરવો જ પડશે. યશવંતસિંહાની પસંદગી તેમણે જ કરી હતી પછી કેમ ગુલાંટ મારી? ઉપરાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં પક્ષને મતદાનથી અળગા રાખવા પાછળનો શું હેતુ? ધનખડે તો તેમની ઊંઘ હરામ કરી નાંખી હતી. મમતાએ વિપક્ષી એકતાને જોખમાવી છે. પરિણામે તેમની સરકાર સામે પણ જોખમ પેદા થયું છે. વિપક્ષો જાતે જ ચેતશે નહીં તો દરેક પક્ષ પોતાની સ્થિતિમાં ઊભો રહેવાની કોશિષ કરશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top