Charchapatra

સજાતીય લગ્ન સંબંધનો વિરોધ જરૂરી છે

આજકાલ સુપ્રીમ કોર્ટમાં સજાતીય સંબંધને લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે અરજીઓ થવાથી આ અંગેની ચર્ચાએ જોર પકડેલ છે. જે લોકો (પુરુષ પુરુષ અને સ્ત્રી સ્ત્રી સાથેના) સજાતીય સંબંધો ધરાવતા હશે તેઓ તેની તરફેણમાં જેના ફાયદા પણ ગણાવતાં હશે. પણ આવા સંબંધો અકુદરતી છે તે સ્પષ્ટ જ દેખાઈ આવે છે. બે વિજાતીય સંબંધોનાં મિલનથી જ સૃષ્ટિમાં માનવ કે અન્ય પશુ, પક્ષી, જીવજંતુ વગેરેમાં વંશવેલો આગળ ચાલે છે અને તે ચક્ર આદિકાળથી ચાલતું આવી રહ્યું છે. જ્યારે કોઈ પશુ પક્ષી વગેરેની જાતિ નષ્ટ થવાના આરે હોય છે ત્યારે તેને જાળવી રાખવા તેનો વંશવેલો આગળ વધારવાના ઉપાયો કરવામાં આવે છે જે નર અને માદા દ્વારા જ શક્ય બને છે.

આમાં અપવાદરૂપ કોઈ માનવ સજાતીય મૈથુન કરે તો તે તેની અંગત કે તેના અધિકાર ક્ષેત્રની બાબત ગણાય છે. તેને કાયદાકીય રીતે પ્રોત્સાહન કે સમર્થન આપીને વિકૃત સમાજ ઊભા થવા દેવાય નહીં. આવા સંબંધોને પ્રોત્સાહન આપીને હાલની કુટુંબ વ્યવસ્થા છિન્નભિન્ન  થવાની શક્યતા છે. આપણે ઘણા વખત પશુ, પક્ષીઓ કે અન્યમાં સજાતીય મૈથુન કરતા જોઈએ છીએ. જે પૂર્ણ મૈથુન નથી હોતું. જ્યારે માણસ સજાતીય સંબંધોને કાયદાકીય સમર્થન માંગે છે તે ભારતીય સંસ્કૃતિની તદ્દન વિરુધ્ધની વાત છે. અગાઉના સમયમાં આવા કિસ્સા બન્યા હોય તો જેને આદર્શ માની શકાય નહીં. બે પુરુષ કે બે સ્ત્રી એકબીજાથી આકર્ષાઈને કે કામેચ્છા પૂર્ણ કરવાના ઈરાદાથી સંબંધ બાંધે તો તે તેની અંગત બાબત ગણાવી જોઈએ. તેને કાયદાકીય રક્ષણ આપી શકાય નહીં. વિદેશોમાં આંગળીના વેઢે ગણાય તેટલા દેશોએ આ સજાતીય સંબંધોને કાયદાકીય માન્યતા આપીને આજની તારીખે તેની જટિલ સમસ્યાઓથી કંટાળી ગયા છે. આ બાબતે સર્વત્ર વિરોધ થવો આવશ્યક છે.
ગાંધીનગર  – ભગવાનભાઈ ગોહેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top