Vadodara

સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી કેસમાં એક પકડાયો

નડિયાદ, તા.5
નડિયાદમાં સરકારી નોકરી આપવાની લાલચ આપી યુવાનો સાથે છેતરપિંડી કરનારી ટોળકીનો એક સુત્રધાર પકડાયો છે. આ શખ્સ ‘ગુપ્તા’ સાહેબ બનીને ફરતો હતો.
નડિયાદના રામ તલાવડી વિસ્તારના અને હાલ ક્રિશ્ચિયન કોલોની આણંદમાં રહેતા 38 વર્ષીય સચિનકુમાર નટુભાઈ પરમાર પોતે ક્રિશ્ચિયન કોલેજ ઓફ એજ્યુકેશન આણંદમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેઓની પત્ની નયનાબેન તેમજ ભાઈ સુનિલ તથા મિત્રોને GPSCની પરીક્ષા પાસ કરાવી સરકારી નોકરી આપવાની લાલચ આપી નડિયાદ બોલાવી મનદીપસિંહ વાઘેલાએ ગુપ્તા સાહેબ મોટા અધિકારી છે તેમના જ હાથમાં બધાની નોકરી ફાઇનલ કરવાની સત્તા છે. એક વ્યક્તિના રૂપિયા 15 લાખ એમ બે વ્યક્તિના કુલ રૂપિયા 30 લાખ થશે. અન્ય બીજા હોય તો પણ એમનું પણ ગોઠવી આપીશું તેવું જણાવતા સચીને તેના મિત્રો જોનસન ઠક્કર, આઈજેક લીનસભાઈ ખરાડી અને મોહિત હર્ષદભાઈ ભટ્ટ ની વાત કરતા તેમને પણ નોકરી આપવાની બાહેધરી આપી હતી. દરેક વ્યક્તિના રૂપિયા 15 લાખ આપવા પડશે તેવું જણાવ્યું હતું નોકરની લાલચમાં સચીન અને તેના મિત્રોએ ટુકડે ટુકડે રૂપિયા 53.02 લાખ આપતાં લેટર આપવામાં આવ્યાં હતાં. સચિને આ લેટરને ખરાઈ કરતા આ લેટરો બોગસ હતાં. આ બાબતે નડિયાદ ટાઉન પોલીસમાં મનદિપસિહ વાઘેલા, ચિરાગ પટેલ, ધવલ પટેલ, જીગર અને ગુપ્તા નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી.‌નડિયાદ પોલીસે તપાસ હાથ ધરી મોબાઈલ લોકેશનના આધારે પોતાની જાતને ગુપ્તા તરીકે ઓળખાવનાર હિરેનસિંહ જશવંતસિંહ ડાભી (રહે. ગાંધીનગર જિલ્લાના માણસા નજીક મંડાણી)ને પકડી પાડ્યો છે. મહત્વની વાત એ છે કે આ હિરેનસિંહ પોતે જમીન દલાલનો વ્યવસાય કરે છે અને ખૂબ જ ઓછો ભણેલો છે માત્ર 12 ચોપડી પાસ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Most Popular

To Top