SURAT

નરેન્દ્ર કે ભુપેન્દ્ર પ્રજાના આશીર્વાદથી જ છે: વડાપ્રધાને ઓલપાડના વર્ચ્યુઅલ સંવાદમાં આવું કેમ બોલ્યા…

ઓલપાડ: સુરતના (Surat) ઓલપાડ (Olpad) તાલુકામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) વર્ચ્યુઅલ સંવાદ (Virtual Samvad) સંબોધ્યો હતો. આ પ્રસંગે હજારોની જનમેદનીને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, નરેન્દ્ર હોય કે ભુપેન્દ્ર હોય એ પ્રજાના તમારા આશીર્વાદ જ છે. અમે બંને તમારા સેવક છે અને તમારી સેવામાં હંમેશા હાજર છે. મારું સુરક્ષા કવચ માતા બહેનોનો આશીર્વાદ છે એમ પણ વડાપ્રધાને ઉમેર્યું હતું.

ઓલપાડમાં મંત્રી મુકેશ પટેલ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું (Mega Medical Camp) આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં ઓલપાડ તાલુકામાં જેટલાં પણ લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાનો લાભ લીધો હોય તેઓ સાથે આ પ્રોગ્રામ દરમિયાન વડાપ્રધાને વર્ચ્યુઅલ ટેક્નોલોજીથી સંવાદ કર્યો હતો. મેગા મેડિકલ કેમ્પમાં હજારો લોકોને આજે મેડિકલ ચેકઅપ અને ટ્રીટમેન્ટનો ફ્રી લાભ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વર્ચ્યુઅલ વાતચીત કરતા વડાપ્રધાને કહ્યું કે, નરેન્દ્ર હોય કે ભૂપેન્દ્ર.અમારા માટે દેશનો સામાન્ય નાગરિક ઈશ્વર સમાન છે. દેશ અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકારના ડબલ લાભો જનતાને મળી રહ્યા છે. જનહિતની યોજનાઓના કરોડો લાભાર્થીઓના આશીર્વાદ સરકારને બમણા વેગથી કામ કરવાની પ્રેરણા આપે છે. મુકેશભાઈ પટેલને અભિનંદન આપતા કહ્યું કે, દેશની પ્રગતિમાં આરોગ્યમય નાગરિકો, સ્વસ્થ સમાજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે જ કેન્દ્ર સરકારે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામા વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

સરકાર અને સમાજ સાથે મળીને કાર્ય કરે છે ત્યારે દેશ નિશ્ચિતપણે પ્રગતિના પંથે આગળ વધે છે. વર્ષ 2014માં દેશમાં માત્ર 7એઈમ્સ હતી. પરંતુ ત્યાર બાદ મંજૂર થયેલી એઈમ્સની સંખ્યા વધીને 22 થઈ છે. આયુષ્માન ભારત યોજનાને લીધે ગરીબ, મધ્યમવર્ગને ઉચ્ચ ગુણવત્તાની અને પરવડે એવી આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

સુરત વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, સુરતીઓના લોહીમાં સેવા છે. ભૂતકાળમાં અનેક પૂર અને મહામારીઓએ સુરતની કઠિન પરીક્ષા લીધી છે, પરંતુ સુરત હંમેશા રાખમાંથી બેઠું થઈને ધબકતું રહે છે એમ જણાવી સુરતના નાગરિકો અને જાગૃત્ત જ ન પ્રતિનિધિ ન શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાને સુરત ભાજપના દિગ્ગજ નેતા કાશીરામ રાણાને પણ યાદ કર્યા હતા. યોજનાઓનો લાભ લેનારાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ પ્રસંગે ફરી એકવાર આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું કે, જે પ્રકારની રેવડી આપવાની જાહેરાત થઈ રહી છે તે ગુજરાતના બજેટ કરતા વધારે છે. ગુજરાતના બજેટની સરખામણીએ રેવડીની જાહેરાતો પૂરી કરવી મુશ્કેલ છે. રેવડીની જાહેરાત કરનારાઓને ગુજરાતની પ્રજા ઓળખી રહી છે. લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમણે મેળવેલા વાવો અને તેના થકી જીવનધોરણમાં આવેલા ધારાની વિગતો જાણી હતી અને અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી પણ યોજનાના લાભો મેળવવામાં સહાયરૂપ બને એ માટે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Most Popular

To Top