Dakshin Gujarat

ઓલપાડમાં યુવક લગ્ન પ્રસંગે ડી.જે.માં નાચવા ગયો અને થયું એવું કે પથ્થરો ઉછળ્યાં

સાયણ: (Sayan) ઓલપાડના વેલુક ગામે નવા હળપતિવાસમાં રહેતા ઉમેશ બુધિયા રાઠોડ (ઉં.વ.૨૦) ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે. ગત બુધવારે સોંસક ગામે રહેતા તેના મિત્ર (Friend) રાહુલ સોમા રાઠોડના કાકાના છોકરા રોહિતનાં લગ્ન હોવાથી તેને રાહુલે ડી.જે. (DJ) રાસ ગરબામાં નાચવા બોલાવ્યો હતો. અહીં ડી.જે.માં નાચવા બાબતે થયેલી બબાલ મારામારી સુધી પહોંચી હતી.

  • સોંસકમાં લગ્નપ્રસંગે ડી.જે.માં નાચી રહેલા યુવાનો વચ્ચે માથાકૂટ, પથ્થરો ઊછળતાં બે ઘાયલ
  • બાઈકમાંથી પેટ્રોલ કાઢી ઘાસના કૂચામાં પેટ્રોલ છાંટી બાઈક સળગાવવાના પ્રયાસનો મામલો ઓલપાડ પોલીસમથકમાં પહોંચ્યો

જેથી ઉમેશ રાઠોડ તેના ફળિયામાં રહેતા રાઠોડ મિત્રો સાથે અલગ-અલગ બાઈક ઉપર, જ્યારે ભાવિક રાઠોડ તેના મિત્ર જિજ્ઞેશ રાઠોડની સ્પ્લેન્ડર બાઈક નં.(જીજે-૦૫,એફટી-૨૧૧૩) ઉપર સોંસક ગયો હતો. ત્યાં લગ્નમાં આવેલા ફરિયાદી ઉમેશ રાઠોડનો કાસલાખુર્દ ગામે રહેતો તેનો મિત્ર ભાવેશ રમેશ પટેલ મળ્યો હતો. રાત્રે બાર કલાકના સુમારે આ તમામ મિત્રો ડી.જે.ના સૂરે નાચી રહ્યા હતા. ત્યારે ફરિયાદી ઉમેશને તેના મિત્ર ભાવેશ પટેલે કહ્યું હતું કે, તમે લોકોએ પાર્ક કરેલી બાઈકો કોઇ સળગાવવાની કોશિશ કરી રહ્યું છે. જેથી તમામ મિત્રો પાર્ક કરેલી મોટરસાઇકલ નજીક પહોંચી જઈ ત્યાં નજરે જોયું તો સ્પ્લેન્ડર મો.સા.નં.(જીજે-૦૫,એફટી-૨૧૧૩) પાસે સુરત છાપરાભાઠાનો શની રણછોડ ચૌધરી નામનો શખ્સ બાઈકમાંથી પેટ્રોલ કાઢી ઘાસના કૂચામાં પેટ્રોલ છાંટીને બાઈક સળગાવવાની કોશિશ કરી રહ્યો હતો. એ સમયે તુષાર રાઠોડ સાથે બોલાચાલી અને ઝઘડો થયા બાદ ઝપાઝપી થતાં શની ઉશ્કેરાઈ ગયો હતો. બાઈક ફૂંકી મારવાની ધમકી આપી હતી.

આ સમયે બરબોધન ગામનો સાગર, કુદિયાણા ગામનો સાવન તથા છાપરાભાઠા ગામનો લાલુ રાઠોડ પણ જોડાતાં બબાલ મચતાં ગામના ભેગા થયેલા લોકો વચ્ચે પડ્યા હતા અને મામલો શાંત પાડ્યો હતો. બાદ તમામ મિત્રો મોડી રાત્રે ડી.જે.માં નાચી પોતાના ગામ જવા રવાના થયા, ત્યારે આશરે મળસકે પોણા બે વાગ્યાના સુમારે ફરિયાદીને બાઈક સળગાવવાની જાણ કરનાર કાસલાખુર્દ ગામનો મિત્ર ભાવેશ રમેશ પટેલને છાપરાભાઠાના શની ચૌધરી, બરબોધન ગામનો સાગર વિનોદ રાઠોડ અને કુદિયાણા ગામના સાવન બાબુ રાઠોડે ભાવેશની બાઈકને દાંડી રોડ ઉપર અંભેટા પાટિયા પાસે આંતરી માર માર્યો હતો.

આ સમયે ફરિયાદી ઉમેશ રાઠોડ પણ ત્યાં આવી પહોંચતાં આ ત્રણે શખ્સોએ ગાળો અને ઢીકામુક્કીના માર મારવા ઉપરાંત છૂટા પથ્થરનો મારો ચલાવતાં ફરિયાદી ઉમેશ રાઠોડને માથા તથા ભાવેશ પટેલને પડખામાં તીક્ષ્ણ હથિયારથી ઊંડો ઘા કરતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. બાદ આ ત્રણે ઈસમે જો હવે પછી મળ્યા છો તો જીવતા નહીં છોડીએ તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જ્યારે ભાવેશ પટેલને ૧૦૮ એમ્બુલન્સ દ્વારા સુરત રામનગર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતાં તે હાલ હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડમાં સારવાર લઈ રહ્યો છે.

આ બાબતે ઉમેશ રાઠોડે છાપરાભાઠા ગામે ચૌધરી કોલોનીમાં રહેતો શની રણછોડ ચૌધરી તથા લાલુ, બરબોધન ગામનો સાગર વિનોદ રાઠોડ તથા કુદિયાણા ગામના સાવન બાબુ રાઠોડ વિરુદ્ધ ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ત્રણે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથે ધરી છે.

Most Popular

To Top