Dakshin Gujarat

હવે પછી તું ગામમાં આવશે તો જાનથી મારી નાંખીશું’: કાકા-ભત્રીજાએ યુવકને ધમકી આપી

દેલાડ: ઓલપાડના (Olpad) અંભેટા ગામમાં (Ambhata Village) જવાના રસ્તા ઉપર ફોરવ્હીલ કારને સાઈડ (Overtake) આપવા બાબતે સુરત શહેરમાં રહેતા ગામના એક યુવકને આ ગામના કાકા-ભત્રીજાએ મૂઢ માર મારતાં મામલો ઓલપાડ પોલીસમથકમાં (Police) પહોંચ્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ ઓલપાડના અંભેટા ગામનો યુવક જય અશ્વિન પટેલ હાલ સુરત શહેરના અડાજણ વિસ્તારના પ્રાઈમ માર્કેટ પાસેના કેદારધામ એપાર્ટમેન્ટના ફ્લેટ નં.ડી-૧૦૫માં રહે છે. ગત રવિવારે કામ અર્થે તેના અંભેટા ગામ આવ્યો હતો. આ યુવક બપોરે ૧૧:૩૦ કલાકે ગામમાં જવાના બાયપાસ રોડ ઉપરથી કાર હંકારી જઈ રહ્યો હતો, ત્યારે ગામમાં રહેતા ભગવતી રણછોડ પટેલ સાથે ગાડીને સાઈડ આપવા બાબતે બોલાચાલી બાદ ઝઘડો થતાં તેણે જય પટેલને ઢીક્કામુક્કીનો મૂઢ માર માર્યો હતો.

કાકા-ભત્રીજા વિરુદ્ધ સોમવારે પોલીસ ફરિયાદ નોંધાવી
એટલું જ નહીં પણ તેણે તેના ભત્રીજા કેતન કાંતિ પટેલને ફોન કરીને બોલાવ્યો હતો. આથી આ બબાલમાં ભત્રીજો પણ જોડાતાં બંને કાકા-ભત્રીજાએ એકબીજાની મદદગારીથી જય પટેલને ઢીબી નાંખ્યો હતો. આ બબાલમાં જય પટેલને છાતી, બરડા તથા મોંના ભાગે ઈજા થતાં તેણે તબીબ પાસે સારવાર લીધી હતી. જ્યારે બંને આરોપીઓએ જય પટેલને ધમકી આપી હતી કે, જો તું હવે પછી ગામમાં આવશે, તો તને જાનથી મારી નાંખીશું. આ બાબતે જય પટેલે ઓલપાડ પોલીસમથકમાં કાકા-ભત્રીજા વિરુદ્ધ સોમવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top