Gujarat

હવે અમેરિકા પણ ગુજરાતનું અમૂલ દૂધ પીશે, 108 વર્ષ જૂની દૂધપ્રણાલી સાથે કોન્ટ્રેક્ટ

ગાંધીનગર: અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા… ના-ના, હવે માત્ર ભારતના લોકો જ નહીં પણ હવે અમેરિકાના (America) લોકો પણ આ ગીત ગાશે. કારણ કે હવે અમેરિકા પણ આનંદની અમૂલ બ્રાન્ડનું દૂધ પીશે. તેમજ આ કોન્ટ્રેક્ટ (contract) સાથે જ અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને પણ નવો ઈતિહાસ રચ્યો છે. અમેરિકામાં ભારતીય ડેરી બ્રાન્ડની આ પ્રથમ એન્ટ્રી છે.

ભારતની અગ્રણી ડેરી કંપની અમૂલે બિઝનેસની દુનિયામાં વધુ એક સફળતા હાંસલ કરી છે. ગુજરાતની મૂળની આ કંપની હવે અમેરિકામાં દૂધનો બિઝનેસ કરશે. અમૂલ અમેરિકામાં તાજા દૂધનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી રહી છે, જેના માટે ગુજરાતની આ કંપનીએ અમેરિકાના પૂર્વ તટ અને મધ્યપશ્ચિમ બજારોમાં તાજા દૂધનું વેચાણ કરવા માટે અમેરિકાની 108 વર્ષ જૂની મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (MMPA) સાથે કરાર કર્યો છે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે મને એ જણાવતાં આનંદ થાય છે કે અમૂલ અમેરિકામાં તાજા દૂધની પ્રોડક્ટ લોન્ચ કરશે. તેમણે કહ્યું કે અમે અમેરિકામાં 108 વર્ષ જૂની ડેરી કોઓપરેટિવ સાથે કરાર કર્યો છે. મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (MMPA) ડીલની જાહેરાત 28 માર્ચે યોજાયેલી તેની વાર્ષિક બેઠકમાં કરવામાં આવી હતી.

કંપની અમેરિકન માર્કેટમાં કયું દૂધ લોન્ચ કરશે?
આ પ્રથમ વખત છે જ્યારે અમૂલ દૂધ ભારતની બહાર ક્યાંય પણ અને અમેરિકા જેવા બજારોમાં પ્રવેશ કરશે. મહેતાએ કહ્યું કે તેની કિંમત પણ સારી રહેશે. અમૂલ યુ.એસ.માં અમૂલ બ્રાન્ડ હેઠળ એક ગેલન (3.8 લિટર) અને અડધા ગેલન (1.9 લિટર) પેકમાં તાજા દૂધની ચેઇન લોન્ચ કરશે. જેમાં 6 ટકા મિલ્ક ફેટ સાથે અમૂલ ગોલ્ડ, 4.5 ટકા મિલ્ક ફેટ સાથે અમૂલ શક્તિ, 3 ટકા મિલ્ક ફેટ સાથે અમૂલ ફ્રેશ અને 2 ટકા મિલ્ક ફેટ સાથે અમૂલ સ્લિમનો સમાવેશ થાય છે.

અમૂલ ભારતમાં ઘરેલું નામ છે. જે ભારતની સુપર બ્રાન્ડ્સમાંની એક છે. એટલું જ નહીં ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવવામાં અમૂલનો મોટો ફાળો છે. તેની સફળતાને કારણે ભારતમાં મોટા પાયે ડેરી સહકારીનો ફેલાવો થયો અને તેના જ કારણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો પાયો પણ નંખાયો હતો.

Most Popular

To Top