Comments

બાલાસોરની સિગ્નલ નહીં દેશની આખી રેલવે સિસ્ટમ જ ફેઇલ છે

ઓડિશાના બાલાસોર જિલ્લામાં બે યાત્રી ટ્રેનો અને એક માલગાડીને સંડોવતા એક વિચિત્ર અકસ્માતમાં ઓછામાં ઓછા 260નાં મોત નિપજ્યા છે જ્યારે સેંકડો લોકોને ઇજા થઇ છે અને હજી મૃત્યુઆંક વધવાનો ભય સેવાઇ રહ્યો છે. ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાંગાબઝાર સ્ટેશન નજીક આ અકસ્માત સર્જાયો હતો. બંગાળના હાવડા તરફ જઇ રહેલ બેંગલોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનાં કેટલાક ડબ્બા ખડી પડયા હતા જે બાજુના પાટા પર દોડી રહેલા કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન સાથે ભટકાયા હતા જેના પગલે કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા ખડી પડ્યા હતા અને આ ખડી પડેલા ડબ્બાઓની સાથે બીજા પાટા પર સામેની દિશામાંથી આવી રહેલી એક ગુડ્સ ટ્રેન ભટકાતા સર્જાયેલા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત એટલો ગંભીર છે કે એનડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આ ઘટનાના કલાકો પછી પણ ઘણા લોકો ખડી પડેલા ડબ્બાઓની અંદર ફસાયેલા હતાં અને સ્થાનિક લોકો તેમને કાઢવામાં બચાવ કાર્યકરોની મદદ કરી હતી પરંતુ અંધારાને કારણે મુશ્કેલી સર્જાઇ હતી અને ત્યાર બાદ આજે વહેલી સવારથી બચાવ કામગીરી વધુ સઘન બનાવવામાં આવી હતી. જાનહાનિની શક્યતા નકારી શકાતી નથી અને ઇજાગ્રસ્તોનો આંક પણ વધી શકે છે.

ઘટના સ્થળે એક્સિડન્ટ રિલીફ ટ્રેન રવાના કરવામાં આવી હતી, જ્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ ઘટના સ્થળે ધસી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલોમાં ખસેડવા માટે ૬૦ જેટલી એમ્બ્યુલન્સોને કામે લગાડવામાં આવી હતી. ત્યાર બાદ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાતે બાલાસોર ગયા હતાં. અહીં તેમણે ઘટનાસ્થળની મુલાકાત તો લીધી જ હતી સાથે સાથે હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોની પણ મુલાકાત લીધી હતી. આ ઘટના પછી દેશની તમામ પાર્ટીના નેતાઓએ જુદા જુદા માધ્યમથી તેમની વેદના વ્યક્ત કરી હતી.

ભારતના ઇતિહાસમાં બે ટ્રેન અથડાવવાની અથવા તો ટ્રેન પાટા પરથી ખડી પડવાની ઘટનાઓ વારંવાર બનતી આવી છે પરંતુ ટ્રેન અથડાવવાની ઘટના પહેલીવાર બની છે અને આટલી મોટી ખુવારી પણ પહેલીવાર જ થઇ છે. જો કે, દર વખતની જેમ આ વખતે પણ સરકારે વળતર જાહેર કરીને હાથ અદ્ધર કરી દીધા છે. તો બીજી તરફ બાલાસોર રેલવે અકસ્માતમાં મોટો ખુલાસો થયો છે. સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. તેમણે જણાવ્યું કે સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ જવાને લીધે જ કોરોમંડલ એક્સપ્રેસ ખોટા પાટે ચઢી ગઈ હતી.

જેના કારણે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. નિરીક્ષણ રિપોર્ટમાં આ સમગ્ર માહિતી સામે આવી હતી.ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 280 મુસાફરોએ જીવ ગુમાવ્યા છે જ્યારે લગભગ એક હજાર લોકો ઘાયલ થયા છે. ત્રણ ટ્રેનોની ભયાનક અથડામણને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ બહાર આવ્યો છે. આ તપાસ રિપોર્ટમાં આ ભયાનક ઘટના પાછળ સિગ્નલ સંબંધિત ખામી સામે આવી છે. સંયુક્ત અહેવાલ મુજબ, ટ્રેન નંબર 12841 કોરોમંડલ એક્સપ્રેસને પહેલા અપ મેઇન લાઇન માટે સિગ્નલ આપવામાં આવ્યું હતું અને તરત જ પાછી ખેંચી લેવામાં આવ્યુ હતું પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન લૂપ લાઇનમાં પ્રવેશી ચૂકી હતી.

આ લાઇન પર ગુડ્સ ટ્રેન પહેલેથી જ ઊભી હતી. કોરોમંડલ એક્સપ્રેસ પહેલાથી જ રેલવે ટ્રેક પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. માલસામાન ટ્રેનને ટક્કર માર્યા બાદ કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. સિગ્નલ તો એક બહાનું છે. સાચી વાત તો એ છે કે, કોઇ એક સિગ્નલ નહીં પરંતુ દેશની રેલવે સિસ્ટમ જ ફેઇલ છે. દેશની રેલવે સિસ્ટમ કેવી છે તે જાણવું હોય તો બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિશાથી દિલ્હી, મુંબઇ, કાનપુર, સુરત, બેંગ્લોર અને ચેન્નઇ જેવા શહેરોમાં રોજી રોટી મેળવવા ગયેલા શ્રમજીવીઓને પૂછવું જોઇએ. આ એવા લોકો છે જેમણે જ્યારે વતન જવું હોય ત્યારે ટ્રેનની ટિકિટ માટે લોખંડના ચણા ચાવવા જેવી સ્થિતિ ઊભી થાય છે.

જો રેલવેની સિસ્ટમ ફૂલપ્રુફ હોય તો આરપીએફના દરોડામાં ટિકિટના કાળાબજાર કરતાં આટલા મોટા પાયે લોકો પકડાઇ જ નહીં. એક વખત જો આ શ્રમિકોને ટ્રેનમાં જગ્યા મળી જાય તો પણ ગંતવ્ય સ્થળે ક્યારે પહોંચશે તે નક્કી નથી હોતું. થોડા સમય પહેલા જાપાનમાં એક બુલેટ ટ્રેન તેના નિયત સમયે નિયત સ્થળે પહોંચવામાં બે મિનિટ મોડી પડી હતી. તો રેલવે તંત્રએ સમગ્ર દેશની માફી માગી હતી જ્યારે આપણે ત્યાં તો આવું રોજેરોજ બને છે તેમ છતાં રેલવેના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. આટલી ગંભીર દુર્ઘટના માટે મૃતકોના પરિવારજનોને માત્ર વળતર આપીને સરકારે સંતોષ માનવો જોઇએ નહીં આ ઘટના માટે જે પણ જવાબદાર હોય તે તમામ સામે આકરામાં આકરા પગલાં ભરવા જોઇએ.

Most Popular

To Top