National

ઓનલાઈન ડ્રગ્સની સ્મગલિંગ કરતી ગેંગનો પર્દાફાશ

નવી દિલ્હી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (NCB) ડ્રગ્સની (Drugs) સ્મગલિંગ કરતી મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં 6 ડ્રગ પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે. NCBએ 15,000 એલએસડી ડ્રગ્સ જપ્ત કર્યો છે. જાણકારી મુજબ એલએસડી ડ્રગ્સ ખૂબ જ ખતરનાક હોય છે. જે ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તેઓનું નેટવર્ક ખૂબ મોટું હોવાનું જાણવા મળ્યું છે. જે ડ્રગ પેડલર્સની ધરપકડ કરવામાં આવી તે પોલેન્ડ, નેધરલેન્ડ, અમેરિકા જેવા દેશોમાંથી એલએસડી ડ્રગ્સ મંગાવતા અને ભારતમાં તેની સપ્લાઈ કરતા હતા.

  • જ્ઞાનેશ્વર સિંહે કહ્યું આ નેટવર્કમાં મોટા ભાગે શિક્ષિત અને યુવા લોકો જ જોડાયેલા હતા
  • પોલેન્ડ, નેધરલેન્ડ, અમેરિકા જેવા દેશોમાંથી એલએસડી ડ્રગ્સ મંગાવી ભારતમાં તેની સપ્લાઈ થતી

NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં એનસીબીની આ સૌથી મોટી ગેંગ હાથે લાગી છે. તેમણે કહ્યું આ એક એવું નેટવર્ક હતું જેના તાર દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરલ, તામિલનાડુ અને ઉત્તરપ્રદેશ સહિતના અન્ય સ્થળોએ ફેલાયેલા હતા. ઉપરાંત વિદેશમાં પોલેન્ડ, નેધરલેન્ડ અને અમેરિકા સાથે પણ તાર જોડાયેલા હતા.

જ્ઞાનેશ્વર સિંહે કહ્યું આ નેટવર્કમાં મોટા ભાગે શિક્ષિત અને યુવા લોકો જ જોડાયેલા હતા. આ લોકો પોલેન્ડ, નેધરલેન્ડ અને અમેરિકા જેવા દેશોમાંથી ડ્રગ્સ મંગાવી ભારતમાં વેચતા હતા. વેચવા માટે તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી આ લોકો અન્ય લોકોના સંપર્કમાં આવતા હતા અને ઓનલાઈન પેમેન્ટ લઈ તેઓને ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું. જાણકારી મુજબ ડ્રગ પેડલરો જે ડ્રગ્સ વેચતા હતા તે સિંથેટિક ડ્રગ્સ છે જે શરીર માટે ખૂબ જ નુકશાનકારક છે.

NCBએ નેવી અને કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં ભારતની દરિયાઈ સીમામાં કેરલના દરિયાકાંઠેથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. જેની કિંમત આશરે 12,000 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.

Most Popular

To Top