Dakshin Gujarat

વલસાડ, નવસારીમાં ચાલતા કાર ઠગાઇના કૌભાંડનો સૂત્રધાર તો પકડાયો પણ પોલીસની ભૂમિકા પર સવાલ

વલસાડ: (Valsad) વલસાડ અને નવસારીમાં ચાલી રહેલા કાર ઠગાઇના કૌભાંડમાં (Scam) પોલીસે (Police) એક ગુનો દાખલ કર્યો હતો. જેના સૂત્રધાર પરવેઝને પોલીસે પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો પરંતુ પોલીસ હજુ સુધી તેણે જેને કાર (Car) વેચી એ સંજયને શોધી શકી નથી તેમજ કાર પણ કબજે કરી નથી. ત્યારે આખા મામલે પોલીસની ભૂમિકા અંગે શંકા ઉઠી રહી છે.

  • કારની ઠગાઇ કરનારો પરવેઝ પકડાયો, પરંતુ જેને કાર વેચી એ સંજય ફરાર
  • વલસાડ અને નવસારીમાં ચાલી રહેલા કાર ઠગાઇના કૌભાંડમાં એક ગુનો દાખલ
  • પોલીસે કારને કબજે નહીં કરતા આખા મામલે પોલીસની ભૂમિકા અંગે શંકા

વલસાડના પરવેઝ ઇમ્તીયાઝ ખોલીવાલાએ મોગરાવાડીમાં રહેતા સંતોષ ઝારખંડે ગુપ્તાએ પોતાની માલિકીની ઇકો કાર (નં. જીજે-15-સીકે-2079) ભાડે લીધી હતી અને તેણે ઉમરગામના સંજય નામના વ્યક્તિને સંતોષના ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવી વેચી મારી હતી. આ કેસમાં પોલીસે પહેલાં અરજી લઇ તપાસ કરી ત્યારે સંજયને વલસાડ પોલીસ મથકે બોલાવ્યો હતો. જોકે, તેનો જવાબ લઇ છોડી દીધો હતો. એ સમયે પણ પોલીસે તેની પાસેથી કાર કબજે લીધી ન હતી. ત્યારબાદ આ બનાવ સંદર્ભે ગુનો દાખલ થયા બાદ પોલીસે પરવેઝને પકડી પાડ્યો હતો. જોકે, આ કેસમાં પોલીસ સંજયને પકડી શકી નથી અને કાર પણ કબજે કરી શકી નથી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસની ભૂંડી ભૂમિકા છતી થઇ રહી છે. પોલીસ પરવેઝ અને તેની ગેંગને બચાવવા પહેલેથી જ સક્રિય હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આ અંગે વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલા ધ્યાન આપે તો પરવેઝ એન્ડ ગેંગ દ્વારા ઠગાઇથી લીધેલી અનેક કાર ચોરીનો ભેદ ઉકલી શકે એમ છે.

દબાણ આવ્યું ત્યારે પોલીસે કાર બારોબાર અપાવી દીધી
પરવેઝ દ્વારા થયેલી કારની ઠગાઇમાં અનેક ફરિયાદીઓ વલસાડ સિટી પોલીસના પગથિયા ચઢી રહ્યા છે. આ ફરિયાદમાં જે ફરિયાદી વધુ દબાણ કરે અથવા મોટી ઓળખાણ લાવે એ ફરિયાદીને પોલીસે પરવેઝ પાસેથી કાર અપાવી મામલો પોલીસ મથક બહાર જ સુલટાવી દીધો હોવાની વ્યાપક ચર્ચા ચાલી રહી છે. ગુનો દાખલ થયા બાદ એક વ્યક્તિને તેની અર્ટીગા અપાવી હોવાની વાત પણ વહેતી થઇ છે. બીજી તરફ રોજ બરોજ પરવેઝ દ્વારા થયેલી ઠગાઇના કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે.

Most Popular

To Top