Dakshin Gujarat

નવસારીમાં ખંડણીખોરોથી ત્રસ્ત કોન્ટ્રાક્ટરે ઝેર પી લીધું

નવસારી: (Navsari) નવસારીમાં અસામાજિક તત્વોએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હેરાન કરતાં ત્રસ્ત યુવાને ઝેરી દવા પી આપઘાતનો (Suicide) પ્રયાસ કર્યાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. યુવાને આપઘાત કરવા પૂર્વે વિડીયો બનાવ્યો હતો, જેમાં ત્રણ મહિના અગાઉ યુવાને અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે (Police) પગલા નહીં ભરતા આખરે યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.

  • નવસારીમાં ગુંડારાજ, ખંડણીખોરોથી ત્રસ્ત કોન્ટ્રાક્ટરે ઝેર પી લીધું
  • રેલવે સ્ટેશને પેટા કોન્ટ્રાક્ટમાં લેવલિંગ, ડિમોલિશનનું કામ કરનારા યુવક પાસે 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી
  • અમિત જોઘડીયા, ગણેશ ગુટ્ટે સહિત છ લોકોએ જાનથી મારવા ધમકી આપી હતી
  • આપઘાતના પ્રયાસ પૂર્વે વિડીયો બનાવ્યો હતો, હોસ્પિટલમાં સારવાર હેઠળ

મળતી માહિતી મુજબ, નવસારી દરગાહ રોડ પર સ્વાગત સોસાયટીમાં સાઈદભાઈ શૌકતભાઈ શેખ (ઉ.વ. 40) તેમના પરિવાર સાથે રહે છે. સાઈદભાઈ પાસે અમિતભાઈ તથા બીજા માણસો ખોટી રીતે અવાર-નવાર પૈસાની માંગણી કરતા હતા. જેમના ત્રાસથી કંટાળીને સાઈદભાઈએ ગત 11મીએ સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તબિયત લથડતા પરિવારજનોએ તેમને સારવાર નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. બનાવ અંગે નવસારી ટાઉન પોલીસે જાણવા જોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સાઈદભાઈએ ઝેરી દવા પીતાં પૂર્વે એક વિડીયો બનાવ્યો હતો. જેમાં જણાવ્યું છે કે, 9મી સપ્ટેમ્બરે અમિત જોઘડીયા, ગણેશ ગુટ્ટે અને અન્ય 6 લોકોએ મને જાનથી મારવાનો પ્રયાસ કર્યો હતો. મેં રેલ્વે સ્ટેશન પર પેટા કોન્ટ્રાક્ટમાં લેવલીંગ અને ડિમોલિશનનું કામ રાખ્યું હતું. જે કામ તેઓએ મગજમારી કરી બંધ કરાવી દીધું હતું. મારો એરિયો છે એટલે તમારે મને હપ્તો આપવો પડશે. ખંડણી પેટે તમે 10 લાખ રૂપિયા આપો તો તમને કામ કરવા દઈશું. આગળ પણ તેઓએ ધમકીઓ આપી મને અને મારા માણસોને માર્યા હતા. જેથી મારી તબિયત પણ ખરાબ થઈ જતાં હું સાઈટ પર ન જઈ શકતા તેઓએ મારા સુપરવાઈઝર પાસેથી થોડા-થોડા કરી 2 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે મેં પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી. પરંતુ હજી સુધી કોઈ પગલા લેવાયા નથી. ગત 10મીએ અમિત, ગણેશ અને તેના માણસોએ જો આજે તમે પૈસા ન આપો તો હાથ-પગ તોડી જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. પોલીસ દ્વારા કોઈ યોગ્ય તપાસ ન થતા રાત્રે ધાક-ધમકીભર્યા ફોન કર્યા હતા. જેથી હું પોલીસ મથકે જતા પોલીસે તમારા કાગળો ક્યાં મુકાયા છે તે શોધીશું તેવો જવાબ આપ્યો હતો. મારી પાસે પૈસા નથી અને આવા લુખ્ખા તત્વોને પૈસા ક્યાંથી લાવીને આપું? મજુરી કરીને મારું ગુજરાન ચલાવું છે. જેથી હું ઝેરી દવા ગટગટાવુ છું.

સાઈદભાઈનો જવાબ લીધો છે : પી.એસ.આઈ.
નવસારી : તપાસકર્તા પી.એસ.આઈ. એસ.જે. કડીવાલાએ જણાવ્યું હતું કે, સાઈદભાઈએ ઝેરી દવા પી લીધી હતી તે બાબતે હોસ્પિટલમાં જઈ તેમનો જવાબ લીધો છે. પણ તેમણે અગાઉ પોલીસ મથકે ફરિયાદ આપી હતી તે બાબતે મને ખબર નથી અને આપઘાત કરવા પહેલા તેમણે વિડીયો બનાવ્યો હતો તે પણ મને ખબર નથી.

Most Popular

To Top