Dakshin Gujarat Main

નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં પાણી પાણી: સાંબેલાધાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત

નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં ઘણા સમય બાદ વરસાદી માહોલ (Monsoon) જમતા જિલ્લામાં સાંબેલાધાર વરસાદ (heavy rain) પડ્યો હતો. જેમાં ખેરગામ તાલુકામાં 4 ઇંચ તેમજ નવસારી, વાંસદા અને ચીખલીમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે તાપમાનમાં વધુ 1 ડિગ્રીનો ઘટાડો નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ હતી.

નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી ઝાપટા પડ્યા હતા. તો ક્યારેક વરસાદે વિરામ પણ લીધો હતો. છેલ્લા 2 દિવસથી નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગત રોજ જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે આજે જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડતા જિલ્લામાં ઠેર-ઠેર પાણી-પાણી થઈ ગયું હતું. તો બીજી તરફ જિલ્લામાં ઘણા સમયબાદ સારો વરસાદ પડતા ખેડૂતો સહિત લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ગણદેવી તાલુકામાં અઢી ઇંચ વરસાદથી અંબિકાની સપાટી 4.480 મીટરે પહોંચી હતી.

ગત 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. જેના પગલે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગત બુધવારે મહત્તમ તાપમાન 5.8 ડિગ્રી ગગડ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડ્યું હતું. જ્યારે આજે ગુરૂવારે મહત્તમ તાપમાન વધુ 1.2 ડિગ્રીનો ઘટાડો નોંધાતા 25 ડિગ્રી નોંધાયું હતું. અને લઘુત્તમ તાપમાન વધુ 1.5 ડિગ્રી ગગડતા 21 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 97 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 92 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 1 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

નવસારી જિલ્લાનો 24 કલાકનો વરસાદ
ખેરગામ 4.3 ઇંચ
ચીખલી 3.5 ઇંચ
નવસારી 3.2 ઇંચ
વાંસદા 3.2 ઇંચ
જલાલપોર 2.8 ઇંચ
ગણદેવી 2.6 ઇંચ

ઉપરવાસમાં પણ સારા વરસાદથી લોકમાતાઓમાં પાણીના સ્તર વધ્યા
ઘેજ: ચીખલી પંથકમાં લાંબા સમય બાદ 3.50 ઇંચ જેટલો વરસાદ વરસતા ચોમાસાની જમાવટ થઇ હતી. સાથે ખેતીપાકોને પણ મોટી રાહત થઇ છે. ચીખલી સાથે ઉપરવાસમાં પણ સારા વરસાદથી લોકમાતાઓમાં પણ પાણીના સ્તર વધ્યા હતા.
તાલુકામાં લાંબા સમયથી વરસાદ મન મૂકીને નહીં વરસતા ધરતીપુત્રોની ચિંતા વધી હતી. આ દરમ્યાન રાત્રે આઠ વાગ્યા અને બપોરે બે વાગ્યે એક-એક ઇંચ વરસાદ સાથે ધીમી ધારે સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ચાલુ જ રહેતા ચોમાસાએ જમાવટ કરી હોય તેવી અનુભૂતિ થઇ હતી અને સાંજે ચાર વાગ્યે પુરા થતા ચોવીસ કલાકમાં ૯૧ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. ચીખલી તથા ઉપરવાસમાં સારા વરસાદથી તાલુકામાંથી પસાર થતી કાવેરી, ખરેરા, અંબિકા સહિતની લોકમાતાઓમાં પાણીની સપાટી વધી ગઇ હતી. ઉપરાંત સ્થાનિક કોતરો અને તળાવોમાં પણ પાણીની આવક વધી હતી. સારા વરસાદ તાલુકાભરમાં ડાંગરના પાકને મોટી રાહત થવા સાથે જીવતદાન મળ્યું છે. આ ઉપરાંત અન્ય ખેતીપાકોને વરસાદથી ફાયદો થયો છે. તાલુકામાં સીઝનનો વરસાદ ૩૭.૬૦ ઇંચ નોંધાયો છે.

કાવેરી, વેગણિયા અને પનિહારી બંને કાંઠે વહેતી થઇ
બીલીમોરા, ધનોરીનાકા (ગણદેવી) : ગણદેવી તાલુકા અને બીલીમોરામાં લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ગુરૂવારે સાંજે 4 કલાક સુધીના વીતેલા 24 કલાકમાં 63 મી.મી. (અઢી ઇંચ) વરસાદ વરસ્યો હતો. તે સાથે મોસમનો 934 મીમી 37.35 ઈંચ વરસાદ વરસ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જોકે વરસાદને પગલે ઠેર ઠેર પાણીનો ભરાવો જોવાયો હતો. ગુરુવારે સાંજે 4 કલાકે વીતેલા 24 કલાક દરમિયાન 63 મી.મી. (અઢી ઇંચ) પાણી ઝીંકાયું હતું. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બુધવારે સાંજથી ખાબકેલા વરસાદને પગલે બીલીમોરા રેલવે અંડરપાસ, ગણદેવી નેરોગેજ અંડરપાસમાં રાબેતા મુજબ પાણી ભરાતા લાંબો સમય સુધી વાહન વ્યવહાર થંભી ગયો હતો. વાહન ટ્રાફિકનું ભારણ મુખ્ય ફાટક તરફ ફંટાતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. લોકમાતા અંબિકામાં નવા નીર આવતા 4.480 મીટર જળ સપાટી પહોંચી હતી. કાવેરી, વેગણિયા અને પનિહારી બે કાંઠે જોવાઇ હતી. મોડે મોડે ચોમાસુ જામતાં જગતનો તાત હરખાયો હતો.

ખેરગામમાં 20 કલાકમાં 4 ઇંચથી ડાંગરના પાકને રાહત
ખેરગામ : ખેરગામ તાલુકામાં 20 કલાકમાં 98 મી.મી. વરસાદ થતાં ખેતરમાં તૈયાર થઈ રહેલા ડાંગરના પાકને રાહત થવા પામી છે. સમયસર વરસાદ થતાં ડાંગરનો પાક સારો થવાની ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી. ડાંગરના પાકનું બહોળું ઉત્પાદન ધરાવતા ખેરગામ તાલુકામાં ચાલુ વર્ષે રોપણી બાદ વરસાદની ખાસ જરૂર હતી, ત્યારે બુધવારે સાંજે 8 વાગ્યાથી આજે ગુરુવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 98 એમએમ (4) ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખેતરમાં તૈયાર થઈ રહેલા પાક માટે હાલ સારી સ્થિતિ કહી શકાય એમ છે. ખેતીવાડી વિભાગના એક કર્મચારીના જણાવ્યા મુજબ ખેરગામ તાલુકામાં આ વખતે 4200 હેકટર કરતા વધુ જમીનમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલમાં વરસાદ બરાબર થતા પાકની સ્થિતિ સારી કહી શકાય છે, જોકે હાલ પાક ફૂટ અવસ્થામાં છે. સમયસર વરસાદ આવતો રહેશે અને કંઠી સારી બંધાશે તો પાકનું ઉત્પાદન સારું રહેવાની શક્યતા છે.

રોપણી થઈને 20-25 દિવસ થઈ ગયા છે, હવે વરસાદની પણ ખાસ જરૂર હતી, છેલ્લા બે દિવસથી સારો વરસાદ થઈ રહ્યો છે, પાકમાં ગાભમારો તેમજ છાહ્યો- ચૂસીયા પ્રકારની જીવાત થવાની શકયતા રહેલી છે. જે પાનમાંથી લીલો રસ ચૂસી જાય છે. જેના ઉપર નિયંત્રણ જરૂરી છે. જ્યારે સિઝનનો 1288 મી.મી. (51.52)ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Most Popular

To Top