Dakshin Gujarat

નવસારીમાં આર્થિક લાભ માટે મહિલા બહારથી માણસો બોલાવીને કરાવતી હતી આ કામ

નવસારી: (Navsari) નવસારી ટાઉન પોલીસે (Police) બાતમીના આધારે નવસારી સિંધીકેમ્પમાં તીનપત્તીનો જુગાર (Gambling) રમતા 5ને ઝડપી પાડયા હતા. જયારે મહિલાને વોન્ટેડ (Wanted) જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. આર્થિક લાભ માટે મહિલા બહારથી માણસો બોલાવી જુગારનું સાહિત્ય પૂરું પાડી તીનપત્તીનો જુગાર રમાડતી હતી.

  • નવસારી સિંધીકેમ્પમાં તીનપત્તીનો જુગાર રમતા 5 ઝડપાયા, મહિલા વોન્ટેડ
  • આર્થિક લાભ માટે મહિલા બહારથી માણસો બોલાવી જુગારનું સાહિત્ય પૂરું પાડી તીનપત્તીનો જુગાર રમાડતી હતી

મળતી માહિતી મુજબ, નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, નવસારી સિંધીકેમ્પ સ્નેહસાગર સોસાયટીમાં રૂપાદેવી ઉર્ફે નંદાબેન હરકિશનલાલ આહુઝા પોતાના આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી જુગારનું સાહિત્ય પૂરું પાડી તીનપત્તીનો જુગાર રમાડી રહ્યાં છે. જે બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે છાપો મારી તીનપત્તીનો જુગાર રમતાં 5ને ઝડપી પાડયા હતા. જેમાં નવસારી સિંધી કેમ્પ ગુરુનાનક મંદિરની પાસે રહેતા જગદીશ ઉધમસિંગ ભટેજા, કિશોર નાઉમલ કાંજાણી, દિલીપભાઈ જેરામભાઈ આતવાણી, પ્રેમ અશોકભાઈ સાધવાણી તેમજ સિંધી કેમ્પ કાનજીપાર્કમાં રહેતા ધનરાજ ખટુમલ સાધવાણીને ઝડપી પાડ્યાં હતા.

જયારે પોલીસે રૂપાદેવી ઉર્ફે નંદાબેન હરકિશનલાલ આહુઝાને વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 45 હજાર રૂપિયાના 5 મોબાઈલ, રોકડા 21,160 રૂપિયા અને 70 હજાર રૂપિયાની 2 બાઈક મળી કુલ્લે 1,36,160 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

છાપરા પ્રાથમિક શાળામાં ટેકવાન્ડો કરાટે ક્લાસીસની પરીક્ષા લેવાઈ
નવસારી : રવિવારે છાપરા પ્રાથમિક શાળામાં સવારે 9 વાગ્યે શાળામાં ચાલતા કરાટે ક્લાસીસના બાળકોની ટેકવાન્ડો પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી હતી. હીરો ટેકવાન્ડો એકેડમીમાંથી આવેલા ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી અને સંજયભાઈ મિસ્ત્રી દ્વારા કુલ 22 બાળકોની પરીક્ષા લેવાઈ હતી. જેમાં બ્લુ બેલ્ટ-1, ગ્રીન 1 બેલ્ટ-1, ગ્રીન બેલ્ટ-4, યલો 1 બેલ્ટ – 12 અને યલો બેલ્ટ – 4 વિદ્યાર્થીએ પ્રાપ્ત કર્યા હતા. શાળામાં 2012-13થી કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિ દ્વારા સ્થાનિક લોકસહયોગથી કરાટે કલાસીસ ચાલી રહ્યાં છે. 2014-15માં આ કરાટે ક્લાસીસને બેસ્ટ ઇનોવેટિવ પ્રેક્ટિસ તરીકે એવોર્ડ આપવામાં આવ્યો હતો.
શાળાના આચાર્ય રાજેશકુમાર ઝાલરીયાને બેસ્ટ ઇનોવેટિવ શિક્ષક તરીકે આઈઆઈએમ અમદાવાદ ખાતે ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના વરદ હસ્તે આ સન્માન ઝીલવાની તક મળી હતી. આ કરાટે ક્લાસીસે આજે જ્યારે દસ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે તેને આજ સુધીમાં કેટકેટલીય દીકરીઓને પોતાનું સ્વરક્ષણ કરવાની અને રાજ્યકક્ષા સુધી ખેલ મહાકુંભ અને સ્કૂલ ગેમ્સમાં જવાની તક પૂરી પાડી છે.

Most Popular

To Top