Business

નવસારીમાં 2 વ્યક્તિએ બાઈક ચાલકને મારી નાંખવાના ઈરાદે કાર ચઢાવી

નવસારી : નવસારીમાં (Navsari) ચેક રીટર્ન (Check return) કેસ પાછો ન ખેંચતા 2 લોકોએ બાઈક (Bike) ચાલકને મારી નાંખવાના ઈરાદે કાર (Car) ચઢાવી દઈ બાઈકને નુકસાન થયું હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.

નવસારી દશેરા ટેકરી રાશી મોલની સામે જેટ એક્સ્લન્સીમાં જ્વેલ વીંગમાં સંજયભાઈ મુકેશભાઈ રાવલ તેમના પરિવાર સાથે રહે છે. ગત 2015 માં સંજયભાઈએ મૂળ નવસારી અલીફનગરમાં અને હાલ વ્યારા રહેતા તેમના મિત્ર સરફરાજ મહમદ હનીફ મેમણને 8 લાખ રૂપિયા આપ્યા હતા. જેની સામે સરફરાજે સંજયભાઈને 8 લાખનો ચેક આપ્યો હતો. થોડો સમય જતા સંજયભાઈએ સરફરાજ પાસેથી રૂપિયાની માંગણી કરતા સરફરાજે રૂપિયા ન આપતા સંજયભાઈએ 8 લાખનો ચેક બેંકમાં નાંખ્યો હતો. પરંતુ તે ચેક રીટર્ન થતા સંજયભાઈએ નવસારી સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો. જે કેસ ખેંચી લેવા માટે સરફરાજે ગણેશ-સિસોદ્રા ગામે મેઘદૂત સોસાયટીમાં રહેતા વાઘાભાઇ દેવાભાઈ ભરવાડને હવાલો આપ્યો હતો. ત્યારબાદ વાઘાભાઇ અને સરફરાજ સંજયભાઈને કેસ ખેંચવા માટે દબાણ કરી ઝઘડો કરવાના બહાના શોધતા હતા.

સંજયભાઈ તેમના મજુર સાથે કુશલ સિરામિક એન્ડ સેનેટરીમાં ટાઈલ્સ જોવા ગયા હતા. જ્યાં વાઘા ભરવાડે સંજયભાઈને રોકી કોર્ટમાં કરેલો કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાબતે સંજયભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાઘા ભરવાડ અને સરફરાજ સંજયભાઈને કોર્ટમાં કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે જણાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી સાથે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. ગત 15મી ઓક્ટોબર 2020 બપોરે સંજયભાઈ મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડીંગ ચાલુ કરી તેમની બાઈક (નં. જીજે-15-બીઆર-8385) લઈને મહાલક્ષ્મી બીલ્ડમાર્ટમાં સિમેન્ટ-સ્ટીલની દુકાને જવા માટે જયશંકર પાર્ટી પ્લોટ થઇ, ગ્રીનપાર્ક સોસાયટી થઇ, વાઘાવાડી રોડ ઉપરથી જઈ રહ્યા હતા. ત્યારે આગળ ચાલતી સફેદ રંગની ક્વીડ કાર (નં. જીજે-21-સીએ-7545) ને ઓવરટેક કરવા જતા તે કારમાં વાઘા ભરવાડ ચલાવતો હતી. જેથી સંજયભાઈ ઘભરાઈ જઈ બાઈક ગ્રીડથી નવસારી જતા રોડ પર સાઇડમાં ઉભી રાખી દીધી હતી.

દરમિયાન વાઘા ભરવાડે તેની કાર આગળ લઇ જઈ ધીમી પાડી દઈ ઉભી રાખી અને કાર અચાનક પુરઝડપે રીવર્સમાં લઇ સંજયભાઈને જાનથી મારી નાંખવાના ઈરાદે તેમની બાઈક ઉપર કાર ચઢાવી દીધી હતી. જેથી સંજયભાઈ નીચે પડી જતા સંજયભાઈનું માથુ રોડની સાઇડમાં હતું. વાઘાભાઇએ ફરીથી કાર આગળ લઈ જતા સંજયભાઈએ વિડીયો રેકોર્ડીંગ શરૂ કરી દેતા વાઘા ભરવાડે સંજયભાઈને જાનથી મારી નાંખવાના ઈરાદે કાર રીવર્સમાં હંકારી લાવી કાર બાઈક સાથે અથડાવી દઈ સંજયભાઈને જાનથી મારી નાંખવાની કોશિશ કરી હતી. ત્યારબાદ પણ સંજયભાઈ કોર્ટમાં જતા સરફરાજ અને વાઘાભાઇ સંજયભાઈને કેસ પાછો ખેંચી લેવા માટે દબાણ કરી ધમકી આપતા હતા. આ બનાવ અંગે સંજયભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે વાઘા ભરવાડ અને સરફરાજ મેમણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એલ. પટણીએ હાથ ધરી છે.

Most Popular

To Top