Columns

મધર ટેરેસાની સંસ્થાને મદદ કરીને નવીન પટનાઇક રાજકીય ચાલ ચાલ્યા છે

ભારતમાં કામ કરતી અનેક બિનસરકારી સંસ્થાઓ દર વર્ષે કરોડો ડોલરનું વિદેશી ભંડોળ મેળવીને તેનો ઉપયોગ દેશને તોડવામાં અને વટાળપ્રવૃત્તિ કરવામાં કરતી હતી. ગ્રીનપીસ જેવી કેટલીક સંસ્થાઓ પર્યાવરણનું રક્ષણ કરવાને નામે વિકાસની યોજનાઓ રોકતી હતી તો મધર ટેરેસાની મિશનરીઝ ઓફ ચેરિટી જેવી સંસ્થાઓ વિદેશી ભંડોળનો ઉપયોગ ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે કરતી હતી. ૩૧ ડિસેમ્બરે કેન્દ્ર સરકારે એક ધડાકે વિદેશી ભંડોળ મેળવતી ૬,૦૦૦ જેટલી સંસ્થાઓનાં લાઇસન્સ રિન્યૂ કરવાનો ઇનકાર કરતાં તેમને મળતું વિદેશી ભંડોળ બંધ થઈ ગયું હતું. આ સંસ્થાઓમાં મિશનરીઝ ઓફ ચેરિટીનો પણ સમાવેશ થતો હતો. કોલકાતામાં હેડ ઓફિસ ધરાવતી આ સંસ્થાની શાખાઓ ભારતભરમાં ફેલાયેલી છે.

તેનો નિભાવ મોટા ભાગે વિદેશી ભંડોળના આધારે જ થાય છે. કેન્દ્ર સરકારે મિશનરીઝ ઓફ ચેરિટીનું વિદેશી ભંડોળ મેળવવાનું લાઇસન્સ રિન્યૂ ન કર્યું ત્યારે સંસ્થાના સંચાલકો દ્વારા પોતાનાં બેન્ક ખાતાંઓ સ્વેચ્છાએ ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો હતો, જેનો ઉદ્દેશ લોકોની સહાનુભૂતિ જીતવાનો હતો. આ પગલાંથી કેન્દ્ર સરકારના પેટનું પાણી હાલ્યું નહોતું પણ ઓડિશાની નવીન પટનાઇક સરકારને સહાનુભૂતિ ઊભરાઈ આવી હતી. ઓડિશામાં મધર ટેરેસાના ૧૩ આશ્રમો આવેલા છે, જેમાં આશરે ૯૦૦ રક્તપિત્તિયાને અને અનાથ બાળકોને આશરો આપવામાં આવ્યો છે. નવીન પટનાઇકે તમામ કલેક્ટરોને આદેશ કર્યો હતો કે નાણાંના અભાવે આશ્રમનો કોઈ પણ રહેવાસી ભૂખ્યો રહેવો જોઈએ નહીં. કલેક્ટરો તરફથી ફાઇલ કરવામાં આવેલા રિપોર્ટને આધારે નવીન પટનાઇકે મુખ્ય મંત્રી રાહત નિધિમાંથી તાત્કાલિક ૭૮ લાખ રૂપિયાની સહાય મંજૂર કરી છે. દેખીતી રીતે જ આ મદદ ઓડિશાના ૧૧.૬ લાખ ખ્રિસ્તીઓને ખુશ કરવા માટે છે. ઓડિશામાં મુસ્લિમો કરતાં પણ ખ્રિસ્તીઓની વસતિ વધુ છે. નવીન પટનાઇકે મિશનરીને મદદ કરીને પોતાની સેક્યુલર ઇમેજને વધુ મજબૂત બનાવી છે.

૨૦૦૮ માં ઓડિશામાં નવીન પટનાઇકના બીજુ જનતા દળની અને ભાજપની સંયુક્ત સરકાર હતી ત્યારે કંધમાલ જિલ્લાનાં ખ્રિસ્તીવિરોધી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. તેમાં માઓવાદીઓ દ્વારા સ્વામી લક્ષ્મણાનંદની હત્યા કરાતા હિન્દુ કટ્ટરપંથીઓ દ્વારા ચર્ચો બાળવામાં આવ્યાં હતાં અને ખ્રિસ્તીઓની હત્યા પણ કરવામાં આવી હતી. ૨૦૦૯ માં ઓડિશામાં ચૂંટણી થઈ ત્યારે નવીન પટનાઇકે ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું હતું. તેમનો પક્ષ એકલે હાથે ચૂંટણી લડ્યો હતો અને બહુમતી મેળવી હતી. નવીન પટનાઇક સેક્યુલર નેતા તરીકે જાણીતા છે.

મિશનરીઝ ઓફ ચેરિટી દ્વારા ફાઇલ કરવામાં આવેલાં રિટર્ન મુજબ ૨૦૨૦-૨૧ માં તેને વિદેશમાંથી કુલ ૭૫ કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું હતું. આ ભંડોળ ૩૪૭ વ્યક્તિઓ અને ૫૯ સંસ્થાઓ તરફથી મળ્યું હતું. તેમાં પણ ૪૪ કરોડ રૂપિયાનું વિદેશી ભંડોળ તો તેને મિશનરીઝ ઓફ ચેરીટીની અમેરિકન શાખા દ્વારા જ મળ્યું હતું. બીજું ૧૩.૫૩ કરોડ રૂપિયાનું માતબર ભંડોળ તેને પનામામાં રજિસ્ટર થયેલી કીર્તિ ફાઇનાન્સ નામની કંપની દ્વારા મળ્યું હતું, જેનું નામ મની લોન્ડરિંગ કરતી ભેદી કંપનીઓની યાદીમાં ચમક્યું હતું.  જ્યારે મિશનરીઝ ઓફ ચેરિટીના આગલાં વર્ષોનાં રિટર્ન ચકાસવામાં આવ્યાં ત્યારે ખ્યાલ આવ્યો કે તેને સિમિ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા પણ માતબર દાન મળ્યું હતું. આ સિમિ ફાઉન્ડેશનનું સરનામું કેર/ઓફ કીર્તિ ફાઇનાન્સ આપવામાં આવ્યું છે. ૨૦૧૬ અને ૨૦૨૦ વચ્ચે મિશનરીઝને સિમિ ફાઉન્ડેશન તરફથી ૩૨ કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું હતું. આ બંને સંસ્થાઓનો સંબંધ પનામામાં ચાલી રહેલા કૌભાંડ સાથે હતો. મધર ટેરેસાની સંસ્થાને સાબુ બનાવતી હિન્દુસ્તાન યુનિલિવર તરફથી પણ ૭૦ લાખ રૂપિયા મળ્યા હતા.

મધર ટેરેસા દ્વારા ૧૯૫૦ માં સ્થાપવામાં આવેલી સંસ્થા મિશનરીઝ ઓફ ચેરિટીનું કદ એક મલ્ટિનેશનલ કંપની જેવું છે. તેની ૧૩૩ દેશોમાં ૬૦૦ થી વધુ શાખાઓ છે. આશરે ૪૫૦૦ ફુલટાઇમ નર્સો તેનું સંચાલન કરે છે. ભારતમાં મિશનરીઝની શાખાઓમાં આશરે ૨૨,૦૦૦ દર્દીઓ અને કર્મચારીઓનો નિભાવ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વિદેશમાંથી આવતું ભંડોળ અટકાવી દેવામાં આવ્યું હોવાથી તેમનું ભરણપોષણ કરવામાં તકલીફ ઊભી થશે. કદાચ કેટલાક કર્મચારીઓને છૂટા કરવામાં આવશે અને કેટલીક બ્રાન્ચો બંધ કરવામાં આવશે. કેન્દ્રમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે ભારત સરકાર તરફથી મધર ટેરેસાને ભારતરત્નનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ભાજપ પક્ષ પ્રારંભથી તેમની વટાળપ્રવૃત્તિનો વિરોધ કરતો આવ્યો છે.

હકીકતમાં નોબેલ પ્રાઇઝ અને ભારતરત્ન જેવા ખિતાબ મેળવનારાં ખ્રિસ્તી સાધ્વી મધર ટેરેસાનું સમગ્ર જીવન તેમ જ વ્યક્તિત્વ ભેદી અને વિવાદાસ્પદ હતું. તેમના જીવનકાળ દરમિયાન અને મૃત્યુ પછી પણ તેઓ વિવાદોનો ભોગ બન્યાં છે. ઇ.સ. ૧૯૯૫ માં ક્રિસ્ટોફર હિચેન્સ નામના લેખકે મધર ટેરેસાની જીવનકથા લખીને તેમના દંભનો પર્દાફાશ કર્યો હતો. આ પુસ્તકમાં મધર ટેરેસા સાથે સંકળાયેલા અનેક વિવાદોની છણાવટ કરવામાં આવી છે. ક્રિસ્ટોફર હિચેન્સ પોતાના પુસ્તકમાં એવો દાવો કરે છે કે મધર ટેરેસા પાસે જે દર્દીઓ આવતાં હતાં તેમને સાજા કરીને જીવાડવા કરતાં તેમને શાંતિથી મરવા દેવામાં જ તેમને વધુ રસ હતો. બ્રિટનના વિખ્યાત લાન્સેટ મેગેઝિનના લેખક ડો. રોબિન ફોક્સે કોલકાતાના કાલિઘાટ ખાતે આવેલી મિશનરીઝ ઓફ ચેરિટીઝની હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે તેમને જોઇને આંચકો લાગ્યો હતો કે તેમાં દર્દીઓને ભાગ્યે જ કોઇ આધુનિક સારવાર આપવામાં આવતી હતી. તેમાં ડોક્ટર પણ ક્યારેક જ આવતા હતા. આ હોસ્પિટલમાં લગભગ ૨૩,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં. મધર ટેરેસા તેમની હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીઓ શાંતિથી મરણ પામે તે માટે જ વધુ પ્રયત્નશીલ રહેતાં હતાં.

મિશનરીઝ ઓફ ચેરિટીઝને ભારતમાંથી અબજો રૂપિયાનું ડોનેશન મળતું હતું, પણ તેનો ઉપયોગ ભારતની પ્રજાના કલ્યાણ માટે ભાગ્યે જ કરવામાં આવતો હતો. ભારતમાં વિનાશક પૂરો આવ્યાં ત્યારે પૂરરાહતમાં ફાળો આપવાને બદલે મધર ટેરેસાએ પૂરગ્રસ્તો માટે પ્રાર્થના સભાઓ યોજી હતી. એક હેવાલ મુજબ તેમને મળેલા ભંડોળમાંથી દુનિયાના ૧૦૦ દેશોમાં ૫૧૭ કોન્વેન્ટ શાળાઓ ખોલવામાં આવી હતી, જેમાં આજની તારીખમાં પણ વટાળપ્રવૃત્તિઓ જોરમાં ચાલી રહી છે. મધર ટેરેસા ઉપર એવા આક્ષેપો પણ થયા હતા કે તેઓ પ્રજાનું શોષણ કરીને ધનિક બનેલા સરમુખત્યારો પાસેથી ભંડોળ સ્વીકારે છે અને બદલામાં તેમની પ્રશંસા કરે છે. હૈતીના સરમુખત્યાર દુવેલિયરે મધર ટેરેસાને દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું હતું, જે સ્વીકારવા તેઓ હૈતી ગયાં હતાં.

મિશનરીઝ ઓફ ચેરિટીઝની હોસ્પિટલમાં દર્દીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવતાં હતાં, પણ મધર ટેરેસાને જ્યારે હૃદયરોગનો હુમલો આવ્યો કે વૃદ્ધાવસ્થાને કારણે સારવારની જરૂર પડતી ત્યારે તેમને અમેરિકાની અદ્યતન અને મોંઘીદાટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હતાં. મધર ટેરેસામાં બીમાર લોકોને સાજા કરવાની ચમત્કારિક શક્તિઓ હોવાનો દાવો કરવામાં આવતો હતો, પણ તેઓ માંદા પડે ત્યારે આ શક્તિઓ કામ લાગતી નહોતી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top