Columns

પ્રકૃતિ અને સનાતન ધર્મ

લેખાંક-૨-
એક એવી ગંભીર બાબતની ચર્ચા કરી, કે જેની અવગણના આપણું અને આપણી આવતી પેઢીનું અત્યંત અહિત કરી શકે છે. ચર્ચાનો વિષય હતો પ્રકૃતિની સમજ અને તેની જાળવણી. સરકારી ખાતાઓ, જાહેર સ્થળો અને ખાનગી માલિકીની ઘણી જગ્યાએ બોર્ડ માર્યા હોય છે કે અહી સ્વચ્છતા જાળવો. સ્વચ્છતામાં પ્રભુનો વાસ છે….વગેરે વગેરે. પરંતુ આ બોર્ડ પર પણ પાનની પિચકારી મારવી એ માનવ સહજ કાર્ય દેખાય છે. હમણાનો તાજો દાખલો અમદાવાદનો. જેમાં હાલમાં જ ઉદઘાટન કરાયેલા પુલ તેમજ મેટ્રો સ્ટેશનને પાન પિચકારીના રસિયાઓએ બે જ દિવસમાં રંગી નાખ્યું. આ બધાને સમજણ કોણ આપે? સમાજનો બહોળો વર્ગ આજે ધર્મથી દૂર થઇ રહ્યો છે.

જે બચ્યો છે તે ચમત્કારના સ્વપ્નમાં ઠગ વ્યક્તિઓના દાસ રહેવામાં રચ્યો પચ્યો છે. સરકારીતંત્ર પોતાની જવાબદારી ખંખેરી નાખે છે. સંપ્રદાયોને ફક્ત સેવા શણગારની, બહારની અને આભાસી ભક્તિની પ્રક્રિયામાં રસ છે. આપણા વડાપ્રધાન સાંકેતિક રીતે સ્વચ્છતાનો આગ્રહ બતાવે છે. પરંતુ આનું પરિણામ જોવા મળે છે ખરું? દિવસે દિવસે આ સમસ્યા વધતી જાય છે. આપણો દેશ અને આપણો ધર્મ જ્યાં ધરતી ને માતા તરીકે પૂજવામાં આવે છે. નદીઓ પણ લોકમાતા કહેવાય છે. પત્થરની પણ પૂજા થાય છે. દરેક નવા કાર્યો પૂજનીય હોય છે. યુવાનો આજે પણ મંદિરોમાં જાય છે, આવી ઘણી બાબતો એક વસ્તુનો નિર્દેશ ચોક્કસપણે કરે છે કે પૂર્વજોના સંસ્કારો હજી પણ આપણામાં છે. ધર્મની સમજણ અને તે મુજબ જીવનનો રસ્તો જે આપણા પૂર્વજોએ અપનાવ્યો હતો તે હજી પણ થોડા અંશે ટકી રહ્યો છે.

આને યોગ્ય વળાંક  આપવાની જરૂરિયાત છે. એ સમજાવવાની જરૂરિયાત છે કે શું તમે તમારા ઘરમાં તમારી માતાને આ રીતે અપમાનિત કરો છો? નહિ. કારણકે એ જન્મ આપનારી માં છે. બસ તો આગળ હવે એટલું સમજાવવાની જરૂરિયાત છે કે તમે જેને દુષિત કરી રહ્યા છો તે પ્રકૃતિ સમસ્ત જગતને જન્મ આપનારી માતા છે અને આ સમજણ આપવા માટે આપણા સનાતન ધર્મને આપણે યાદ કરવો પડે, તેને સ્વીકારવો પડે, તેમાં અપાયેલ સમજણને વ્યાપક અર્થમાં સમજવી પડે. સનાતન ધર્મમાં ખુબ જ ઊંડાણપૂર્વક પ્રકૃતિનું વર્ણન છે. પ્રકૃતિના પ્રકારો અને તેની અવસ્થાઓનું વર્ણન અને સમજ આપી છે. આ દરેક સમજણ આપણું ધ્યાન પ્રકૃતિ તરફ ખેંચે છે, જરૂરિયાત છે તેને ઊંડાણપૂર્વક સમજવાની. કેટલાક પંથો પ્રકૃતિને માત્ર ‘માયા’ તરીકે ઓળખે છે, કેટલાક ‘જડ’ કહે છે.

જરૂરિયાત છે  આ જડ વિચારોમાંથી બહાર આવવાની. ધર્મગુરુઓ અને સંપ્રદાયના વડાઓની અહીં સંપૂર્ણ ફરજ બને છે, કે તેઓ તેમના પંથને અનુસરતા લોકોને આ બાબતની સાચી સમજણ આપે. જયારે માનવ પ્રકૃતિને માતા તરીકે સમજતો થશે, જયારે પ્રકૃતિને પરમાત્મા તરીકે સમજતો થશે, ત્યારે જ દરેકમાં એક શિસ્તની ભાવના ઉભી થશે, કારણકે મેં અગાઉ કહ્યું તેમ પૂર્વજોના સંસ્કારો હજી આપણામાં છે. ઘણાને પ્રશ્ન ઉપસ્થિત થશે કે સનાતન ધર્મ આમાં કઈ રીતે મદદરૂપ થઇ શકે? એવી તો કઈ સમજણ ધર્મ ગ્રંથોમાં છે કે જેનાથી માનવીના વિચારની કાયાપલટ થઇ શકે? જો આ શક્ય હોય તો કોઈએ આ દિશામાં પ્રકાશ કેમ પાડ્યો નથી? આ ઉપરાંતના પણ ઘણા સવાલો થઇ શકે.

આ લેખમાળામાં હું આપને આવા કેટલાક પ્રશ્નોના ઉત્તરોને સમજાવવાના મારા સંનિષ્ઠ પ્રયાસો કરીશ. આના માટે ખુબ ઊંડાણમાં જવું પડશે, જવાની તૈયારી રાખવી પડશે તો જ આપણે સમજી શકીશું અને સમાજમાં જાગૃતતા ઉભી કરી શકીશું. મારા લેખોમાં ઘણાને ફરિયાદ હોય છે કે તમારા લેખોમાં જલ્દી સમજ નથી પડતી. 2 થી 3 વાર વાંચ્યા પછી સમજણ પડે છે. કદાચ આ વાત હું સ્વીકાર કરું તો પણ એક હકીકત ચોક્કસપણે કહીશ કે હું મારું લેખનકાર્ય સમાજના એવા માનનીય વ્યક્તિઓ માટે કરું છે કે જેઓ ભવિષ્યમાં ધર્મ અને વિજ્ઞાનના સંયુક્ત ઉપયોગ દ્વારા શિક્ષકની ભૂમિકા ભજવી શકે, આ સમાજને નવી દિશા બતાવી શકે.

અને મારા લેખોમાં રસ ધરાવનાર દરેકમાં આ શક્યતા હું અનુભવું છું. હવે પછીના લેખોમાં ઉપરોક્ત સવાલોના જવાબો સરળ રીતે સમજાય તે દિશામાં પ્રયત્નો ચાલુ રાખીને અને આપ સહુ પણ ધ્યાનથી વાંચીને ચોક્કસપણે સમજવાનો પ્રયત્ન કરશો તેવી શ્રદ્ધા સાથે સમજણની શરૂઆત કરીએ.. ધર્મની વાત પછી કરીએ,પહેલા એક પરંપરા અને સામાન્ય જ્ઞાનની વાતથી શરૂઆત કરીએ. આપણા ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ છે આવું સામાન્ય સમજણથી આપણે જાણીએ છીએ. બીજું કે આપણા ધર્મમાં હોમ, હવન, યજ્ઞ વગેરેને પવિત્ર માનવામાં આવ્યા છે. આ બે સામાન્ય જ્ઞાનરૂપી બીજથી આપણી સમજણ આપણે વિકસાવીએ.

પહેલા તો એ સ્પષ્ટ રૂપે સમજી લેવાની જરૂરિયાત છે કે ‘33 કરોડ દેવતા’ એ આપણને અપાયેલ ખોટું જ્ઞાન છે. ખરી સમજણ એ છે કે ‘33 કોટિ’ દેવતાઓની આપણા ધર્મમાં પૂજા થાય છે. કોટિ એટલે સામાન્ય અર્થમાં પ્રકાર અથવા ગણ. સામાન્ય જ્ઞાનથી હમણાં સમજીએ તો 33 કોટિમાં “8 વસુ”, “12 આદિત્ય”, “11 રુદ્ર” અને “2 અશ્વિનીકુમારો” નો સમાવેશ થાય છે. કેટલાક સાહિત્યોની સમજણ અલગ પણ છે જે હવે પછીના લેખોમાં સમજશું. બીજી એક સ્પષ્ટતા કરી લઈએ હવન અથવા યજ્ઞ બાબતની. સામાન્ય રીતે હવનને ‘હોમવાની’ પ્રક્રિયા તરીકે આપણે સમજીએ છીએ. પરંતુ હકીકત એ છે કે હવન અને યજ્ઞ એ ‘રૂપાંતરણ’ અથવા ‘ઉપાર્જન’ ની પ્રક્રિયા છે. જ્ઞાનની આવી સાદી સમજનો જયારે અભાવ હોય ત્યારે પ્રકૃતિ જેવા ગુઢ વિષયને સમજવો ચોક્કસ કઠીન હોય.

હવન કે યજ્ઞ બાબતની સામાન્ય સમજણ એવી છે કે યજ્ઞના પ્રકાર અને હેતુ પ્રમાણે આપણે આ 33 કોટિ દેવોમાંથી કેટલાક દેવોને આહવાન અથવા આમંત્રણ આપીને હવન કે યજ્ઞના કાર્ય દરમ્યાન એમની સ્થાપના કરીએ છીએ. તો 33 કોટિ દેવોને આમંત્રણ આપવાનું પ્રયોજન શું? યજ્ઞમાં 33 કોટિ દેવોની હાજરીથી શું સિદ્ધ કરી શકાય? આવતા લેખોમાં શબ્દોની બુંદ બુંદ પીતા, દરેક શબ્દોને વાગોળતા આપણી સમજની નવી ક્ષિતિજ ખોલવાનો પ્રયત્ન કરીશું. અત્યારે એક પ્રશ્ન આપના વિચારોના મંથન માટે મુકું છું. આપણી પૃથ્વીને “વસુંધરા” કેમ કહેવાય છે???મળશું આવતા લેખમાં. 
ક્રમશ…   

Most Popular

To Top