Columns

સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી સંવેદનશીલ જનસેવક

[વાચક મિત્રો આ સત્યકથાને શક્ય એટલી ટૂંકાવવા પ્રયત્ન કરેલ છે. માત્ર વાંચી જ ન જતાં મનન કરજો. દરેક પાત્ર કંઈક ને કંઈક પ્રેરણાદાયક સંદેશો આપે છે]
ભારતમાં હજુ પણ લાખો લોકો અનાથ, બેસહારા, ભૂખ્યા-તરસ્યા શહેરમાં ફૂટપાથ પર કે ગ્રામ્ય વિસ્તારોમાં અવાવરુ જગ્યાએ, ઉંદર અને કીડી મંકોડાઓએ ફોલી ખાધેલ, કહોવાઈ ગયેલી હાલતમાં,મોતના વાંકે જીવતી લાશો મળે છે. માત્ર તેમનો શ્વાસ ચાલતો હોય છે, બાકીના બધાં અંગો ફેઈલ થઈ ગયાં હોય છે. ચેરીટી કમિશનરના ચોપડે હજારો ચેરીટી ટ્રસ્ટો નોંધાયેલાં છે પણ તે આવા કેસો તરફ લક્ષ આપતાં નથી. એના સંચાલકો તો વ્હાઈટ કોલર હોય છે. પૈસા કે ચીજ-વસ્તુની લેવડ દેવડ માટે જ ટ્રસ્ટો હોય છે, ગંધાતી-ગોબરી ગંદકીમાં હાથ નાખવા માટે નહીં. મધર‌ ટેરેસા જેવી જૂજ વિરલ વ્યક્તિઓ જ આવાં કામ કરી શકે છે, જે જન્મજાત સંવેદનશીલ હોય છે પણ અહીં એક અપવાદની વાત કરવી છે. એ છે ગજરાતના પનોતા પુત્ર, ઝવેરચંદ મેઘાણી.વ્યવસાયે સાહિત્યકાર,પત્રકાર,અખબારો અને મેગેઝીનોના તંત્રી, જે એમના જમાનાની સુપ્રસિદ્ધ વ્યક્તિ હતી. વિવિધ ક્ષેત્રોમાં વ્યસ્ત આ મહાશયના જીવનની એકેએક ક્ષણ અમૂલ્ય હતી, તેવા મેઘાણીજીના જીવનનો એક પ્રસંગ વાંચી દિલ ભરાઈ આવ્યું એટલે જ અત્રે પ્રસ્તુત કરું છુ, એ 2 પ્રસંગ.

એક દિવસ રાણપુરમાં મેઘાણીજી તેમના સાહિત્યનું સર્જન કરવામાં તલ્લીન હતા. તેમના સહાયક બાબુભાઈએ જોયું કે તેમના પ્રેસના દરવાજા આગળ એક વૃધ્ધ બેભાન હાલતમાં પડયો હતો. તેને ઝાડો થઈ ગયેલો, ઉલટી પણ થઈ ગયેલી. બાબુભાઈએ અંદર જઈને મઘાણીજીને કહ્યું, ‘ભાઈ, બહાર કોઈ અજાણ્યો માણસ ગંભીર સ્થિતિમાં પડ્યો છે. એ ભાનમાં આવે ત્યાં સુધી હું બહાર તેની પાસે બેસુ છું. ‘ચાલોને હું પણ તમારી સાથે જ આવું છું.’ એમ કહીને પેન બાજુએ મૂકીને પોતે પણ બહાર આવ્યા. બન્ને બહાર આવ્યા એટલે વૃદ્ધને સારું લાગ્યું, નીચે પડેલાં ચશ્મા પહેરી લીધાં તેમ છતાં બરાબર દેખાતું ન હતું, કાને પુરું સંભળાતું ન હતું. નાડી પણ સરખી ચાલતી ન હતી.

મેઘાણીજીની સંમતિ મેળવીને બાબુભાઈ તેમના ઘરેથી કોફી લઈ આવ્યા. મેઘાણીજીએ પ્રેમથી કાકાને કોફી પીવડાવી. દરમિયાન મેધાણીજીએ પ્રેસના બીજા માણસને બોલાવીને કોરું ધોતિયું મંગાવીને પહેરાવ્યું. બાબુભાઈએ મઘાણીને કહ્યું, ‘બાપુ ! હમણા કાઠિયાવાડમાં કોલેરાનો ઉપદ્રવ ચાલે છે. એટલે આ ભાઈને હોસ્પિટલમાં દાખલ કરી દઈએ તો વધું સારું.’ મેઘાણીજીએ કહ્યું, ‘તમારી વાત બરાબર છે. ડૉક્ટરની સારવાર નીચે રહે એ વધારે સારું. આપણા એક માણસને આપણે ત્યાં રાખીએ. લઈ જતાં પહેલાં તમે મોસંબી મંગાવી લો. આ પૈસા આપીને કોઈકને મોકલો. થોડીવાર પછી થોડો રસ આપીએ.’ બાબુભાઈએ પૂછ્યું, ‘પણ હોસ્પિટલમાં કેવી રીતે લઈ જઈશું?’ ‘આપણા કાર્યાલયની રેંકડી(લારી)માં સુવાડીને દવાખાને પહોંચાડીએ’; મેઘાણીજીએ કહ્યું.

મેઘાણીજીની સૂચના પ્રમાણે બાબુભાઈ બીજા 2 માણસો સાથે દવાખાને ગયા. ‌ડોક્ટર બહાર આવે જ નહિ. બાબુભાઈ નજીકમાં રહેતા ડૉક્ટરના ઘેર ગયા. જઈને કહ્યું, ‘એક કેસ લઈને આવ્યો છું. દર્દીને દવાખાનામાં દાખલ કરવાની બહુ જરૂર છે. ડૉક્ટરે તરત જ કહી દીધું ‘હા પૈસા ન મળે એવા દર્દીને લઈ આવ્યા હશો!’ બાબુભાઇએ સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘આ તો ગરીબ માણસ છે, રસ્તા ઉપર બેભાન થઈને પડેલો. તેને દવાખાનામાં દાખલ કરીને સારવાર આપો, જીવે તો સારું. અમે એના માટે કપડાં, ફળો‌, પૈસાની વ્યવસ્થા કરીશું. એક માણસને પણ બેસાડીશું. આપ એને વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવાની શરુ કરો, તાત્કાલિક જરૂર છે.

ડૉક્ટરનું હ્રદય પીગળે તેમ ન હતું. ઉલટું તેમણે કહ્યું, ‘તમે એને વઢવાણ કે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જાઓ.’ બાબુભાઈએ આજીજી કરતાં કહ્યું,’ આ એક માનવતાનો સવાલ છે, આપણા ગામની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.’ પણ ડૉક્ટરના પેટનું પાણી જરાય હાલ્યું નહીં. બહાર આવીને દર્દીની નાડી પણ જોયા વગર કહી દીધુ, ‘આને વોર્ડમાં દાખલ કરવાની જરૂર નથી.’ ડૉકટરના આવા અમાનવીય જવાબ પછી કોઈ ચારો ન રહેતાં, બાબુભાઈએ રેકડી નજીકની ધર્મશાળા તરફ વાળી, અને બિમાર કાકાને ત્યાં સુવાડ્યા. મેઘાણીજીએ બાબુભાઈને પૂછ્યું, ‘કાં ભાઈ! દવાખાનામાં દાખલ કરી આવ્યા ને? દાક્તરે શું નિદાન કર્યું?’ બાબુભાઈએ બનેલ સઘળી હકીકત કહી સંભળાવી.

‘પણ શા માટે? ‘બાબુભાઈએ કહ્યું, ‘આ ગરીબ માણસ પાસેથી તેમને પૈસા મળે તેમ ન હતા એટલે’ મેધાણીભાઈ અકળાયા, ગુસ્સામાં બોલી ઉઠ્યા. તમે શું કહો છો? એમને મોતના મોંમાંથી કમાણી કરવાનું સૂઝે છે?’ મેઘાણીજી એકદમ ખુરશીમાંથી ઊભા થઈ ગયા. બોલ્યા, ચાલો મને જ જવા દો. હું એને સાફ સાફ કહી આવું. ‘બાબુભાઈએ કહ્યું, ‘બાપુ, એની પાસે જવાનો કોઈ અર્થ નથી. આપણે સુધરાઇમાં એક અરજી કરીએ. આ ડોક્ટર સુધરાઈનો નોકરિયાત છે. મેઘાણીભાઈ સંમત થયા પછી બાબુભાઈ અને મેઘાણીભાઈ ધર્મશાળામાં ગયા. કાકાને ફરીથી ઝાડો થઈ ગયેલો.

કપડાં બગાડેલાં હતાં, માખીઓ બણબણતી હતી. મેઘાણીજી કાકાની નજીક બેઠા. માથે હાથ ફેરવતાં પૂછ્યું,’હવે કેમ લાગે છે? કંઈ ખાવાની ઈચ્છા છે?’ કાકાએ કહ્યું, ‘એક ઝાડો થઈ ગયો. હવે ઠીક લાગે છે. ‘બાબુભાઈ તમે પાણી લઈ આવો. ધીમેથી રડો, હું કાકાને સાફ કરી નાખું. પછી આ કોરું ધોતિયું પહેરાવીને એમને બીજી જગ્યાએ સુવાડીએ. આમ કહીને એમણે ખમીશની બાંયો ચડાવી. આ જોઈને ત્યાં એક નાનું એક ટોળુ એકઠું થઈ ગયું. એમાંથી એક મુસ્લિમ યુવાને કોઇની પણ રાહ જોયા વગર પોતે સફાઈ શરૂ કરી દિધી.’અરે! અરે ભાઈ, તમે અમારું કામ કેમ ઝૂંટવી લ્યો છો?’

મેઘાણીભાઈ બોલતા હતા ત્યાં યુવકે પ્રેમથી કહ્યું, ‘અદા,આ તો મારા જેવા યુવકનું કામ છે. યુવકે સઘળી સાફસફાઈ કરી દીધી. કાકાને નવાં કપડાં પહેરાવ્યાં અને ગંદાં કપડાંનુ પોટકું લઈ ચાલ્યો ધોવા. મેઘાણીભાઈએ યુવકને ગદગદ સ્વરે કહ્યું,’ હું તમને એકલાને સેવાનો લાભ નહીં લેવા દઉં. કપડાં ધોવા તો હું જ જઇશ..’ યુવકે કહ્યું અરે બાપુ, એમાં સેવાની શી વાત છે, આ કાકાની જગ્યાઓ મારો બાપ હોય તો? ખાસ્સી રકઝક બાદ કપડાં ત્રણેએ ધોયાં! પછી ત્રણેએ કાકાને ખાટલામાં સુવાડ્યા અને તેમની પાસે ગયા. મેઘાણીભાઈએ કાકાને પૂછ્યું ,’તમારે કંઈ જોઈએ છે?’ કાકાએ ના પાડતાં કહ્યું,’ મારી પાસે એક રૂપાઓ અને ત્રણ આના છે.

હું મારી દીકરીને ઘેર જતો હતો. તાવ તો ઘણા વખતથી આવે છે. તમે બધાએ મારી ઘણી ચાકરી કરી. એથી વધું બીજું શું કરવાનું. બા…પા ભગવાન તમારું ભલું કરે. આજની રાત પડ્યો રહીશ. કાલે ચાલવાની ત્રેવડ આવશે એટલે ધીરે ધીરે ચાલ્યો જઈશ….તમે તો સારા માણસ છો પણ બા…પા…મીઠા ઝાડનાં મૂળ ખવાય?’ મેઘાણીભાઈનો કંઈ જવાબ ન હતો. એમની આંખમાં આંસુ હતાં …,! પાછા વળતાં મેઘાણીજી બોલ્યા ‘ બાબુભાઈ મને તો આ ડોસાની દ્રષ્ટિ માટે માન ઉપજે છે. એની પાસે 19 આના છે. એટલે એને બીજું કશું જોઈતું નથી. આપણે એના માટે કંઈ જ કર્યું નથી, છતાં એને જગત ભલા માણસોથી ભર્યું લાગે છે. ‘ આનું નામ તે સાચો આશિર્વાદ.’

Most Popular

To Top