Charchapatra

નમે એ ન.મો. નહીં

છેક છેલ્લી ઘડીએ પરદો ખુલ્યો ત્યારે પ્રજાને ખબર પડી કે અમદાવાદમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ “નરેન્દ્ર મોદી સ્ટેડિયમ”  રાખવામાં આવ્યું છે. તે છેક હવે સમજ પડી કે ઉદ્દઘાટનપ્રેમી મોદી  વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરવા કેમ ના આવ્યા?  કારણકે સ્વયં જ પોતાના નામના સ્ટેડિયમનું ઉદ્દઘાટન પોતાના વરદ હસ્તે થાય,  એ કેવું વરવું  લાગે?

  એટલે આ  ‘વરવાપણા’  થી બચવા  સ્વયં ના પધાર્યાં. જો કે ગાંધી પરિવારના નામે દેશમાં આટલા પ્રકલ્પો હોય તો એકાદ મોદીના નામે હોય,  એમાં ખોટું શું છે?  પછી ભલે ને વિરોધીઓ “જીવતે જગતિયું”  કર્યું,  એવી ટીકાઓ  કરતાં રહે.

આખરે તેઓ ૧૮-૨૦ કલાક કામ કોના માટે કરે છે!  આમ પણ આ સ્ટેડિયમનું ગત ફેબ્રુઆરીમાં ટ્રમ્પના આગમન વખતે આગતા-સ્વાગતા માટે ઔપચારિક રીતે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું જ હતું. એક પ્રકલ્પનું  બે-ત્રણ વખત ઉદ્દઘાટન કરવું,  એ તેમની ફિતરત છે. આમ પણ તેઓને કશું પણ નાનું,  નકામું અને નબળું ખપતું નથી.

એમને તો મોટું, મોટાઈવાળું અને મેં કર્યુંવાળું જ ખપે છે, જેથી દેશ-વિદેશમાં ડંકો વગાડી શકાય. જોઈ લો, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ,  વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા,  બુલેટ ટ્રેન  વગેરે. પછી ભલે દેશમાં કરોડો લોકોને રાત્રે ભૂખ્યાં સૂવું પડતું હોય.

પછી ભલે લાખો ટન અનાજ ગોડાઉનના અભાવે સડતું હોય, પછી ભલે દરરોજ કરોડો ગરીબ લોકો જાહેર પરિવહનમાં ઢોરની જેમ અથડાતાં કુટાતાં મુસાફરી કરતા હોય, કોરોના જેવી મહામારી વચ્ચે પણ મોદી ૧૦૦ કરોડના ખર્ચે નવું સંસદભવન બનાવવાના એટલે બનાવવાના જ. ભવિષ્યે નવા સંસદભવનનું નામ પણ “નરેન્દ્ર મોદી ભવન”  થાય તો નવાઈ નહીં! 

ચીન ધૂળ ચાટતું થયું અને પીછેહઠ કરી. એ ફક્ત અને ફક્ત અમારા મજબૂત વડાપ્રધાનને કારણે જ!  જે  ચીન સામે નથી નમ્યા,  એ આંદોલન કરી રહેલા ખેડૂતો સામે નમે,  એમાં કોઈ માલ નથી. ન.મો. કદી નમે નહીં.

સુરત       પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top