સયાજી હોસ્પિટલમાં હત્યાનો આરોપી ફરાર

વડોદરા : શહેરની એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા હત્યાના ગુનાનો આરોપી જાપ્તાની પોલીસને ચકમો આપી રફુચકર થઈ ગયો હતો.જેથી પોલીસે આરોપીને પકડી પાડવા દોડધામ કરી મુકી છે. બીજી બાજુ જાપ્તાની કામગીરીમાં બેદરકારી જણાશે તો તેઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કે નાસી છુટેલા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર નવાડીયા ટેકરી ફળીયું અનિલ ઉર્ફે માઈકલ અરવિંદભાઈ વસાવાની અંકલેશ્વર પીલસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. દરમિયાન આરોપીને ખેંચ આવતી હોવાથી તેની સારવાર માટે ગત તા.12એ એસ.એસ.જીમાં પોલીસ જાપ્તા સાથે દાખલ કરાયો હતો. ગત મોડી રાત્રે આરોપી વોશરૂમ માટે ફરજ પર હાજર LRD સુરેશભાઈ રાજપુતને લઈ ગયો હતો.

તે બાદથી આરોપી ફરાર થયો હતો. અનિલ ઉર્ફે માઈકલ એસ.એસ.જી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હોવાની જાણ જાપ્તાના પોલીસ કર્મીઓએ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે કરી હતી. રાવપુરા પોલીસે અંગે ગુનો નોંધ્યો હતો. ફરજ પર હાજર નર્સ સોનાલી જતીનભાઈ પટેલે પોલીસને જણાવ્યું હતુ કે, તે 8 વાગે ફરજ પર આવી હતી ત્યારે એક જ પોલીસ કર્મી હજર હતા. જે LRD સુરેશ રાજપુત પડી ગયા હોવાથી તેમને પગમાં ઈજા થઈ હતી. તેમનું ડ્રેસીંગ કર્યું હતુ. સુરેશભાઈ આરોપી સાથે બહાર ગયા અને 10-15 મિનિટ સુધી પરત ન આવતા મે અન્ય વોર્ડના કર્મીને જાણ કરી હતી. બીજી બાજુ સુક્યુરિટી ગાર્ડ ગણેશ નટવર બારોટે પોલીસને જણાવ્યું હતું કે, આરોપી અનિલ ઉર્ફે માઈકલ એક પોલીસ કર્મી સાથે બહાર નિકળ્યો હતો. ત્યારે અન્ય કોઈ પોલીસ કર્મી હાજર ન હતા. આરોપી સહિત પોલીસ કર્મી પરત આવ્યા ન હતા.

ફરજ પર બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ગુના નોંધાયા
ઈન્ચાર્જ HC ભારસિંગ છગનભાઈ રાઠવા
LRD હરેશભાઈ ધનશ્યામભાઈ સોલંકી  
LRD સુરેશભાઈ ધનરાજભાઈ ચૌધરી
LRD સુરેશભાઈ ભુરાભાઈ રાજપુત

અંતે ભાગી છુટેલો આરોપી ભરૂચ પાસેથી ઝડપાયો
ગત રોજ રાત્રે દસ વાગ્યાની આસપાસ અનિલ ઉર્ફે માઈકલ એસએસજી હોસ્પિટલમાંથી નાસી છુટ્યો હતો. તેને પકડી પાડ્વા પોલીસે દોડધામ કરી મૂકી હતી. ક્રાઈમ બ્રાન્ચ પણ તેને પકડી પાડવા  કામે લાગી હતી. ક્રાઈમ બ્રન્ચના પીઆઈ રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આરોપી ફરાર થતા જ શોધખોળ અર્થે ટીમ પણ ઝોડાઈ હતી. હ્યુમન સોર્સી આધારે જાણવા મળ્યું હતું કે, આરોપી ટ્રેનમાં બેસીને ભરૂચ તરફ જઈ રહ્યો છે. આરોપી ટ્રેનમાંથી વાલીયા ખાતે ઉતરીને ખાનગી વાહનમાં બેસવા જતો હતો ત્યારે જ ડબોચી લેવાયો હતો.

પોલીસ કર્મીની બેદરકારી જણાશે તો કાર્યવાહી થશે
આ અંગે ઝોન 2 ડીસીપી જયરાજસિંહ વાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અનિલ ઉર્ફ માઇકલ અરવિંદ વસાવા વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા કામના આરોપી તરીકે સજા ભોગવતો હતો. ગત તારીખ 12 જાન્યુઆરીના રોજ તેને બીમારીવશ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં રવિવારે રાત્રે 8 થી 8:30 વાગ્યાની વચ્ચે કુલ ચાર પોલીસકર્મી સાથેના જાપ્તાને ચકમો આપી આરોપી ફરાર થઇ ગયો છે. આ મામલે પોલીસકર્મીની બેદરકારી જણાઈ આવશે તો તેઓની સામે કાનૂની રાહે કાર્યવાહીની સાથે ફરિયાદ પણ દાખલ થશે. હાલ આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top