Sports

મુંબઇ ઇન્ડિયન્સના કુમાર કાર્તિકેયની IPL સુધીની સફર ઘણી મહેનતવાળી રહી છે

આઇપીએલની 15મી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન સાવ કંગાળ રહ્યું છે. તેના દ્વારા આ સિઝન દરમિયાન કેટલાક નવોદિત ખેલાડીઓને પણ અજમાવવામાં આવ્યા છે અને તેમાં તિલક વર્મા, ઋત્વિક શોખીન પછી કુમાર કાર્તિકેય સિંહનું નામ સામેલ થયું છે. મુંબઈ ઈન્ડિયન્સ વતી આઈપીએલ રમવાની શરૂઆત કરનારા  ડાબા હાથના સ્પિનર કુમાર કાર્તિકેયે પોતાની પહેલી જ મેચમાં ખૂબ પ્રભાવિત કર્યા હતા. બોલીંગ કરતી વખતે બોલ પરના તેના નિયંત્રણ અને વિવિધતાની ક્રિકેટ નિષ્ણાતોએ ખૂબ પ્રશંસા કરી હતી.

ટી-20માં સફળ કારકિર્દી બનાવવા માટે માત્ર છ મહિના પહેલા જ આ યુવા ખેલાડી ફિંગર અને રિસ્ટ સ્પિનર તરીકે પોતાની જાતને ઢાળી લીધી છે. કાનપુરથી આઇપીએલ સુધીની તેની સફર ઘણી મહેનતવાળી રહી છે. તે માત્ર 15 વર્ષનો હતો ત્યારે તે કાનપુરથી ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ લેવા દિલ્હી આવ્યો હતો. તે સમયે તેણે પોતાના કોન્સ્ટેબલ પિતાને ખાતરી આપી કે તેના ક્રિકેટ રમવાથી પરિવારની આર્થિક સ્થિતિ પર કોઈ અવળી અસર નહીં થાય. કાર્તિકેયના પરિવારની આર્થિક સ્થિતિ વિશે જાણ્યા પછી, સંજય ભારદ્વાજે પોતાની  એકેડમીમાં કાર્તિકેયને વિના મૂલ્ચે પ્રવેશ આપ્યો હતો.

આ કાર્તિકેયના સંઘર્ષની શરૂઆત હતી. તેણે હજુ પણ પોતાના માટે આવકનો સ્ત્રોત અને રહેવાની જગ્યા શોધવાની હતી. તેને એકેડેમીથી 80 કિમી દૂર ગાઝિયાબાદ પાસેની ફેક્ટરીમાં મજૂર તરીકે કામ મળ્યું. આખી રાત કામ કર્યા પછી, પોતાના માટે એક બિસ્કિટના પેકેટ ખરીદી શકે તેના માટે 10 રૂપિયા બચાવવા તે ઘણાં માઇલો સુધી પગપાળો ચાલતો જતો હતો. કાર્તિકેય બિસ્કીટના પેકેટ માટે રૂ. 10 બચાવવા માટે માઇલો સુધી ચાલતો હોવાની વાતની જ્યારે ભારદ્વાજને જાણ થઈ, ત્યારે તેણે પોતાનો રસોઇયો જ્યાં રહેતો હતો તે એકેડમીમાં જ ડાબા હાથના આ સ્પિનરને રહેવા કહ્યું. કાર્તિકેય અંગે ભારદ્વાજે એક રસપ્રદ વાત એ જણાવી હતી કે “જ્યારે રસોઈયાએ તેને લંચ આપ્યું ત્યારે કાર્તિકેય રડવા લાગ્યો.

તેણે એક વર્ષથી બપોરનું ભોજન લીધું ન હતું. ગૌતમ ગંભીર અને અમિત મિશ્રા જેવા ક્રિકેટરોને ક્રિકેટની ટ્રિક્સ શીખવનાર ભારદ્વાજે તે પછી કાર્તિકેયને મધ્યપ્રદેશ મોકલી દીધો કારણ કે તેને દિલ્હીમાં જોઇએ તેવી તકો મળતી નહોતી.ભારદ્વાજે કહ્યું, હતું કે કાર્તિકેયની ક્ષમતા અને સમર્પણ જોઈને મેં તેને મારા મિત્ર અને શાહડોલ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અજય દ્વિવેદી પાસે મોકલ્યો. ત્યાં તેને ડિવિઝન ક્રિકેટમાં રમવાની તક મળી અને તેણે તેના પ્રથમ બે વર્ષમાં 50 થી વધુ વિકેટો લીધી. કાર્તિકેયે ટ્રાયલ મેચો દરમિયાન ઘણી વિકેટો લીધી અને બધાને પ્રભાવિત કરવાનું ચાલુ રાખ્યું અને આખરે કોઈ પણ વય જૂથ ક્રિકેટ રમ્યા વિના તેણે મધ્યપ્રદેશની ટીમ વતી રણજીમાં પદાર્પણ કર્યું.

રમત માટેની તેની પ્રતિબદ્ધતાની જાણ એ વાત થી જ  થઇ જાય છે કે જ્યારે પણ કાર્તિકેય ફ્રી હોય છે, ત્યારે તે નેટ્સમાં બોલિંગ કરવાનું શરૂ કરે છે. ઘણી વખત તે ઈન્દોરથી મેચ રમીને મોડી રાત્રે પાછો આવે છે અને આગલા બે-ત્રણ કલાક લાઈટો પ્રગટાવીને નેટમાં વિતાવે છે. છેલ્લા નવ વર્ષમાં તેનો જુસ્સો સતત વધ્યો છે. પહેલા આંગળીઓ વડે સ્પીન બોલીંગ કરતાં કાર્તિકેયે ધીમે ધીમે કાંડા વડે સ્પિન બોલિંગ કરતા શીખ્યો. તેણે ખૂબ જ ઝડપ અને ઉત્સાહથી તેના પર કામ કર્યું. આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ વતીની પોતાની ડેબ્યૂ મેચમાં કાર્તિકેયે ચાર ઓવરમાં માત્ર 19 રન આપ્યા અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનની મહત્વની વિકેટ લીધી હતી.

Most Popular

To Top