National

‘ઇન્શાઅલ્લાહ વિસ્ફોટ…’- દિલ્હીમાં 100થી વધુ શાળાઓને મળ્યો ધમકી ભર્યો ઇમેલ, પણ તપાસમાં કંઇ મળ્યું નહીં

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીની (Delhi) 100થી વધુ શાળાઓમાં (Schools) આજે બુધવારે વહેલી સવારે બોમ્બ બ્લાસ્ટની (Bomb blast) ધમકી (Threat) મળી હતી. આ ધમકી વિદેશથી કોઇ અજાણ્યા અકાઉન્ટ દ્વારા ઇ-મેલથી (E-mail) આપવામાં આવી હતી. ઇ-મેલ મળતા જ દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ વિધ્યાર્થીઓને આનન-ફાનનમાં ઘરે પરત મોકલવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આજે સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ બોમ્બની ધમકી અંગે ઈમેલ મળ્યો હતો. તેમજ ઇ-મેલ મળતા જ શાળાઓને ખાલી કરાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. તેમજ શાળાના પરિસરની સંપૂર્ણ તપાસ શરૂ કરાઇ હતી. આ ધમકીભર્યા ઇ-મેલના આધારે આગળની તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર આ ધમકીભર્યા ઈમેલ સવારે 4 વાગ્યે વિદેશથી મોકલવામાં આવ્યા હતા.

ઇ-મેલમાં શું લખવામાં આવ્યું હતું?
ઇ-મેલમાં લખવામાં આવ્યું હતું કે, ‘અમારા હાથમાં જે લોખંડ છે, જે દિલને સુકૂન આપે છે. અમે તેમને હવામાં ફેંકીશું અને તમારા શરીરના ટુકડે-ટુકડા કરી દઈશું. અમે તમારી ગરદન અને ચહેરાના ચીંથરા ઉડાવી દઈશું. અલ્લાહની મરજી હશે તો તમને અગનજ્વાળાઓમાં લપેટી દઈશું, કાફિરો માટે જહન્નમમાં અલગ આગ છે.

કાફિરો તમે એ આગમાં ભડથું થશો. અલ્લાહે અમારી અંદર આગ પેદા કરી છે. ઇન્શાઅલ્લાહ તેને તમારી આસપાસ જુઓ અને હંમેશ માટે બળી જાઓ. અલ્લાહની પરવાનગીથી આકાશમાં ધુમાડો થશે અને આ બધું ખતમ થઈ જશે. શું તમે ખરેખર વિચાર્યું હતું કે તમે કરેલાં બધાં ખરાબ કામોનો કોઈ જવાબ નહીં હોય?’

ધમકી મળી પણ તપાસમાં કશું બહાર આવ્યુ નહીં
દેશની રાજધાની દિલ્હીમાં બુધવાર સવારથી શરૂ થયેલું અરાજકતાનું વાતાવરણ હવે શાંત થઈ રહ્યું છે. દિલ્હી એનસીઆર ક્ષેત્રની 100 થી વધુ શાળાઓને બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યા બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સતત તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, હવે દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તમામ શાળાઓની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોઈ પણ શાળામાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેનો અર્થ એ છે કે આ ઈમેઈલમાં ખોટી ધમકીઓ હતી. પરંતુ આ ઘટના બાદ કેન્દ્રીય એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે.

પહેલા આ 11 શાળાઓને ધમકી મળી હતી
દ્વારકાની ડીપીએસ સ્કૂલ, રોહિણીની ડીપીએસ સ્કૂલ, વસંત કુંજની ડીપીએસ સ્કૂલ, નોઈડાની ડીપીએસ સ્કૂલ, દક્ષિણ પશ્ચિમ દિલ્હીની ડીએવી સ્કૂલ, પૂર્વ દિલ્હીની ડીએવી સ્કૂલ, પીતમપુરાની ડીએવી સ્કૂલ, નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ, મયૂર વિહારની મધર મેરી શાળા, પુષ્પ વિહારની એમિટી સ્કૂલ, નજફગઢની ગ્રીન વેલી સ્કૂલ.

ઘણી શાળાઓને એક જ ઈમેલ મોકલવામાં આવ્યો હતો
દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે બુધવારે સવારે દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બની ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. ઈમેલના આઈપી એડ્રેસ પરથી એવું લાગે છે કે આ ઈમેલ દેશની બહારથી મોકલવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે ગઈકાલથી ઘણી જગ્યાએથી ઈમેલ આવ્યા છે. આ ઈમેલમાં કોઈ ડેટલાઈન નથી. તેમજ એક જ ઈમેલ અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો છે.

અગાવ પણ દિલ્હીની શાળાઓને આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ વારંવાર મોકલવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીના આરકેપુરમ સ્થિત ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલને આવો જ એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં સાકેતની એમિટી સ્કૂલને પણ આવો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. તેમજ આ ઈમેલમાં શાળા પાસેથી પૈસાની પણ માંગણી પણ કરવામાં આવી હતી.

Most Popular

To Top