Gujarat

ગુજરાતનાં આ જિલ્લાઓમાં 7 જૂને વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી, તંત્ર એલર્ટ

ગાંધીનગર: દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં લો-પ્રેશરનો વિસ્તાર સર્જાવાથી અને તે આગામી દિવસોમાં સઘન બને તે બાબત કેરળના (Kerala) કાંઠા તરફ ચોમાસાની (Monsoon) આગેકૂચ પર ખૂબ મહત્વનો પ્રભાવ પાડી શકે છે તેવું ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. અરબ સાગરમાં લો-પ્રેશરના કારણે આવનારા દિવસોમાં બાઈપરજોય વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડાની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અસર જોવા મળશે.

હવામાન વિભાગ પાસેથી જાણકારી મળી આવી છે કે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં 7 જૂન સુધી બાઈપરજોય વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે. પાટણ, મોડાસા, મહેસાણા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયે પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાકની હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે 7 અને 8 જૂને સિસ્ટમ વધારે મજબૂત બનીને ઉત્તર અરબ સાગર તરફ આગળ વધી શકે છે. જોકે આની અસર ગુજરાતમાં થશે કે કેમ તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી પરંતુ જે પ્રમાણે સ્થિતિ બની રહી છે તેને જોતા અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બાઈપરજોય વાવાઝોડું ગુજરાતને અસર કરી શકે છે. આ પરિસ્થિતને જોતા SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. માછીમારોને આ દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે 7 થી 11 જૂન સુધીમાં ગુજરાતમાં મેધરાજાની એન્ટ્રી થઈ જશે.

હવામાન વિભાગેકેરળમાં ચોમાસાના આગમન માટે કોઇ ચોક્કસ તારીખ આપી નથી. ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ વેધરે જણાવ્યું છે કે કેરળમાં ચોમાસુ આઠ અથવા નવ જૂનના રોજ બેસી શકે છે પણ તે એક નબળો અને સૌમ્ય પ્રવેશ હશે. ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ જણાવ્યું હતું કે લો પ્રેશર એરિયાને કારણે વાદળોનો જથ્થો અરબી સમુદ્રમાં દક્ષિણપૂર્વ ભાગ પર વધુ સંગઠિત અને ભેગો થયો છે પરંતુ કેરળના કાંઠે નજીકથી વાદળો ઘટી ગયા છે.

Most Popular

To Top